ડો. પ્રતાપભાઈ પંડ્યા

પ્રતાપભાઈનો જન્મ ૧૯૩૮ માં અમરેલી જીલ્લાના અડતાળા ગામમાં થયો હતો. પિતા જયંતીભાઈ શિક્ષક હતા. છ વર્ષની નાની વયે જ પ્રતાપભાઈએ પિતાની છત્રછાયા ગુમાવી હતી એટલે ઉછેર આર્થિક સંકણામણમાં થયો. પ્રતાપભાઈનું ધોરણ ૧ થી ૭ સુધીનું શિક્ષણ ભાવનગર જીલ્લાના શાહપૂર ગામમાં, એમના મોશાળમાં રહીને થયો હતો. ઘરથી શાળા ત્રણ કિલોમીટર દૂર હતી, અને આ અંતર પગે ચાલીને જવું પડતું.
સાત ધોરણ સુધી અભ્યાસ કરી એમણે વર્નાક્યુલર ફાઈનલ પરીક્ષા પાસ કરી અને શિક્ષક તરીકેની લાયકાત પ્રાપ્ત કરવા પી.ટી.સી. ના બે વર્ષના કોર્સ માટે લોકભારતી અધ્યાપન મંદિરમાં એડમીશન મેળવ્યું. આ કોર્સની માસિક ફી દર મહીને ૩૫ રૂપિયા હતી. તેમને ૨૫ રૂપિયા પ્રતિમાસની મુંબઈ રાજ્યની શિષ્યવૃતિ મળી પણ બાકીના ૧૦ રૂપિયા માટે એમને ગાયકવાડી રાજ્યમાં અરજી કરીને શિષ્યવૃતિ મેળવવી પડી. અન્ય ખર્ચ માટેની રકમ એમણે લોકભારતીમાં નાનામોટા કામ કરીને મેળવી.

૧૯૫૭ માં એમણે ચોસલા ગામમાં પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે, ૮૦ રૂપિયા પ્રતિમાસના પગારની નોકરી શરૂ કરી. ત્યારબાદ અનેક ગામોની પ્રાથમિક શાળાઓમાં એમની બદલી થતી રહી, શિક્ષકમાંથી આચાર્ય થયા અને વિદ્યાર્થીઓને કેળવતા રહ્યા. દરમ્યાનમાં ૧૯૬૧ માં એમના લગ્ન પાલીતાણાના ડો.વિશ્વનાથ દવેની પુત્રી રમાગૌરી સાથે થયા. રમાગૌરી પણ વ્યવસાયે શિક્ષીકા હોવાથી, આજે જેને આપણે Double Income Family કહીએ છીએ, તેની શરૂઆત થઈ ગઈ. પણ આ ડબલ ઈન્કમ મધ્યમવર્ગી ડબલ ઈન્કમ હતી.

૧૯૬૪ અને ૧૯૭૪ ની વચ્ચે રમાગૌરી અને પ્રતાપભાઈ ચાર બાળકોના માતા-પિતા બન્યા. બે પ્રાથમિક શાળાના શિક્ષકોની આવકમાંથી આ ચાર બાળકોનો ઉછેર અને શિક્ષણ પણ સરળ ન હતું, માત્ર દ્ર્ઢ નિર્ણય અને સહનશક્તિને લીધે એમણે ચારે બાળકોને સારૂં શિક્ષણ અપાવ્યું. બાળકોએ સ્વબળે, શિષ્યવૃતિઓ મેળવી, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું.

૧૯૯૩ માં પ્રતાપભાઈએ શિક્ષકની નોકરીમાંથી નિવૃતિ લીધી. શિક્ષકની એમની પોતાની વ્યાખ્યા એમના પોતાના જ શબ્દોમાં કહું તો, “શિક્ષક એટલે થનગનતું યૌવન, રણઝણતું ઝરણું, ઘૂઘવતો સાગર, ઊગતો સૂર્ય, ધોધમાર વરસાદ, ગુંજતો ભ્રમર અને તેજનો ફૂવારો.” એમની શાળાની પ્રવૃતિઓની અન્ય શાળાઓ નકલ કરતી. ૧૯૬૧ માં એમની શાળાને જીલ્લાની શ્રેષ્ઠ શાળાનું પારિતોષક મળેલું.

૧૯૫૭ થી ૧૯૯૩ સુધીના કાર્યકાલમાં પ્રતાપભાઈ માત્ર શિક્ષક કે આચાર્ય બનીને બેસી ન રહ્યા. વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની સાથે સાથે ગ્રામ સુધારણાની અનેક પ્રવૃતિઓમાં તેઓ સક્રીય રહ્યા. તરવડા ગામને આદર્શ ગામ બનાવવા માટે તેમણે વિદ્યાર્થીઓ તથા વાલીઓની મદદથી મકાનો બનાવ્યા, નદી ઉપર પૂલો બનાવ્યા, એટલું જ નહિં ગામમાં, અછૂતોને સમાજથી અળગા રાખવાના રૂઢીગત રિવાજોમાં પણ સુધારા લાવવામાં આગળ પડતો ભાગ ભજવ્યો. મુસ્લીમ કોમના બાળકો શાળામાં ઓછી સંખ્યામાં દાખલ થતા. પ્રતાપભાઈએ મુસલમાનોના ઘરે ઘરે જઈ એમને શિક્ષણનું મહત્વ સમજાવ્યું અને એમના બાળકોને શાળામાં દાખલ કરાવ્યા.

પ્રતાપભાઈ વિશે જાણવા જેવી બીજી એક વાત કરૂં. ૧૯૫૩માં સાત ધોરણનો અભ્યાસ પુરો કરી તેમણે ભણવાનું છોડી દીધેલું, પણ તે સમયના કાયદા મુજબ ૧૯૬૦ માં એમણે External Student તરીકે S.S.C. ની પરીક્ષા આપી અને એમા પાસ થયા. ૧૯૯૩ માં રીટાયર્ડ થયા બાદ પ્રતાપભાઈએ બાળકોના ઉચ્ચ અભ્યાસને લક્ષમાં લઈ વડોદરા ખાતે સ્થળાંતર કર્યું. સામાજીક કાર્યકર જીવ અહીં પણ ક્યાં ઝંપીને બેસવાનો હતો. અહીં એમણે મિત્રો સાથે મળી, “સૂરવાણી” નામે સંસ્થાની શરૂઆત કરી. આ સંસ્થાના આશ્રયે એમણે ભીખુદાન ગઢવી, શાહબુદ્દીન રાઠોડ, દિવાળીબેન ભીલ, પ્રફુલ દવે જેવા કલાકરોના કાર્યક્રમો આયોજીત કર્યા. અહીં રહીને જ એમણે લોકસાહિત્યમાં ઊંડી ઋચી કેળવી અને એમાંથી એમને વધારે અભ્યાસ કરવાની પ્રેરણા મેળવી. આયુષ્યના સાઈઠમાં વર્ષે એમણે લોકભારતી વિદ્યાપીઠમાંથી સ્નાતક અને અનુસ્નાતકની પદવીઓ મેળવી. ત્યારબાદ પ્રોફેસર ડો. માર્કંડ ત્રિવેદીના માર્ગદર્શન હેઠણ “લોકસાહિત્ય દ્વારા માનવ મૂલ્યોનું જતન” વિષય ઉપર નિબંધ લખીને ગુજરાત વિદ્યાપીઠમાંથી પીએચ.ડી. ની પદવી મેળવી.

પ્રતાપભાઈ લોક્ભાતી માં સ્વ મનુભાઈ પંચોલી પાસેથી સાહિત્ય પ્રેમ અને સર્જન ના સંસ્કારો મેળવ્યા બાદ “લાગણીનો દસ્તાવેજ”, “શિક્ષણ જ્ઞાનની પરબ”, “સો ડગલા સુખના” , “રવિશંકર મહારાજ” અને “વેદવાણી” જેવા જીવન લક્ષી પુસ્તકો સમાજને આપ્યા છે, જે બહુજ લોકપ્રિય થયા છે.

પ્રતાપભાઈની આ બધી કામયાબીઓને ક્યાંયે પાછળ મૂકી દે એવી એમની કામયાબી એટલે એમના દ્વારા સ્થપાયેલી ભારતમાં ૧૪૦ અને અમેરિકામાં ૬ પુસ્તક પરબો. તરસ્યાને પાણી પાવા માટે પરબનું આયોજન એ ભારતની સંસ્કૃતિમાં હજાર વર્ષ જૂની પરંપરા છે, પણ જ્ઞાનના તરસ્યા લોકોને જ્ઞાન મેળવવા વિનામૂલ્ય સગવડ કરી આપવી, એ પ્રતાપભાઈ જેવા વિરલા જ વિચારી શકે. ભણી-ગણીને એમના બે બાળકો અમેરિકામાં સારૂં કમાતા થયા, એટલે પ્રતાપભાઈની ઈચ્છામુજબ ૨૦૦૫ થી એમણે દરમહિને સારી એવી રકમ પ્રતાપભાઈની આ સામાજીક પ્રવૃતિ માટે મોકલવાની શરૂઆત કરી. એક પછી એક ગામમાં, જરૂરી પુસ્તકો પૂરા પાડી, પુસ્તક પરબ ચલાવવાનો વહિવટ સ્થાનિક લોકોને સોંપી, આસરે રૂપિયા પચીસ લાખ ખર્ચીને એમણે ભારતમાં ૧૪૦ અને અમેરિકામાં ૬ પુસ્તક પરબ શરૂ કરી, અને હજી વધારે પરબો શરૂ કરવાનો એમનો ક્રમ ચાલુ જ છે. ધનનો આનાથી વધારે સારો ઉપયોગ કયો હોઈ શકે.?

મારો પ્રતાપભાઇ સાથે થોડા દિવસ પહેલા જ પરિચય થયો. એમની વાત કરવાની ઢબ, એમની Body Language, અને એમના મળતાવળા સ્વભાવથી આકર્ષાઈને મેં એમના વિશે માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું. મારી “મળવા જેવા માણસ” લેખમાળામાં એમનું પાત્ર તંતોતંત બેસી ગયું. મોકો મળે તો તમે પણ એમને મળજો અથવા એમની પુસ્તક પરબનો લાભ લેજો.

વિશેષ મહિતી…

શ્રી પ્રતાપભાઈનો સંપર્ક :
અમેરિકા:
458 Pine Oak Dr., Sunnyvale, CA 94086 (U.S.A.)
Phone Number : 469-579-1451
ભારત :
A1/1 સામ્રાજ્ય, મુંજ મહુડા રોડ, વડોદરા-૨૦.
ફોન નંબર – 9825323617

-પી. કે. દાવડા

4 thoughts on “ડો. પ્રતાપભાઈ પંડ્યા”

  1. જેમ જેમ બધાં જોડાતાં જાય છે, અનેકગણો આનંદ થાય છે. સૌનો આભાર અને શુભેચ્છાઓ.

  2. આ પહેલા પણ ‘દાવડાનું આંગણું’ પર પ્રતાપકાકા વિશે વાંચેલું. ત્યારે પણ અહોભાવ જાગેલો. કેવો ઉત્તમ જીવ! અને કેવા ઉત્તમ કાર્યો!

    આજે ફરીથી પ્રતાપકાકા વિશે વાંચીને અનેરી પ્રેરણા મળી. સુ.દાદા અને પી.કે કાકાના પ્રયત્નો વગર ઇવિદ્યાલયને આવા ઉત્તમગજાના શિક્ષક ક્યાંથી નસીબ થાત?

  3. I read about him before at P.K.Uncle’s blog. Was inspired that time and now reading again. feeling wow. Inspiring life story and zeal to do something for society. We are so lucky to have his association with evidyalay. Thanks to SU.dada and P.K. Uncle.

  4. we are proud to know pratabha bhai, and his tenacity and work for literary PARAB in land and in usa. Also serving society since early age- and at later age getting highest degree- along with many useful literature. davda saheb thx for adding his all available detail and suresh bhai getting his help for evidyalaya which will take long way from an experienced educationalist – teacher and Acharya.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *