કાગડાભાઈ અને ભૂમિકા

     ભૂમિકાને હાલમાં શાળામાં રજાઓ હતી. એક દિવસ તેના ઘરની બારીએ એક કાગડાભાઈ આવીને કા..કા. કરવા લાગ્યા. ભૂમિકાએ તેની મમ્મીને કહ્યું એ આ કાગડાભાઈ ભૂખ્યા છે તો તેને એક રોટલી આપ. ભૂમિકાની ઈચ્છા પ્રમાણે તેની મમ્મી રોટલી લઇ બારી પાસે ગઈ તો પેલા કાગડાભાઈ ત્યાંથી ઊડી ગયા એટલે મમ્મી બોલી કે આ તો ઊડી ગયો. ભૂમિકા બોલી તું રોટલી બારીએ મૂકી દે. તેણે તારા હાથમાં રોટલી જોઈએ છે એટલે કાગડાભાઈ જરૂર પાછા આવશે. ખરેખર બે મિનિટ પછી તે કાગડાભાઈ પાછા આવ્યા અને રોટલી લઇ ઊડી ગયા.

     બીજે દિવસે પણ આમ જ થયું. આમ લગભગ ૮ દિવસ ચાલ્યું. હવે તે કાગડાભાઈ ભૂમિકાની મમ્મી રોટલી મુકે તો પણ ઊડી ન જાય અને બારીના સળિયાને પકડીને બેસી રહે. મમ્મીના હાથ પકડી ભૂમિકા પણ બારી આગળ જાય અને બધું જુએ. પછી તેનું ધ્યાન ગયું કે આ કાગડાભાઈ તો લંગડા છે એટલે એક પગથી બારીનો સળિયો પકડી રાખે છે. આ વાત તેણે તેની મમ્મીને કરી ત્યારે તેની મમ્મી કહે કે તારી વાત સાચી છે મને તો આ ખબર જ ન પડી.

    હવે તો જાણે તે કાગડાભાઈ આ ઘરના હોય તેમ રોજ આવે, એક પગે સળિયો પકડી કા. કા. કરે અને ભૂમિકા દોડતી આવે અને મમ્મીને રોટલી આપવા કહે. પછે તો તે કા.કા. પણ ન કરે અને આવીને બેસી જાય. ઘરના કોઈનું પણ ધ્યાન જાય ત્યારે કાગડાભાઈ આવ્યા છે તેમ કહે એટલે તેને માટે રોટલી હાજર થઇ જાય. કોઈકવાર રોટલીને બદલે સેવમમાંરા, ગાંઠિયા કે અન્ય ખાવાની ચીજ મુકે તો તે પણ તે લઇ જાય.

   થોડા દિવસ પછી ભૂમિકાને પણ મન થયું કે તે જાતે કાગડાભાઈને રોટલી આપે. એટલે તેણે મમ્મીને તેમ કરવા કહ્યું. મમ્મીએ તરત હા પાડી. પહેલે દિવસે જરા ગભરાતાં ગભરાતાં તેણે કાગડાભાઈને આપવા હાથમાની રોટલી બારી ઉપર મૂકી પણ પેલા કાગડાભાઈ બેસી રહ્યા અને પછી રોટલી લઇ ઊડી ગયા. આ જોઈ મમ્મીએ કહ્યું કે જો ભૂમિકા આં તો તારો મિત્ર બની ગયો. તારાથી ડરતો નથી.આ સાંભળી ભૂમિકા ખુશ થઇ ગઈ. હવે તો રોજ ભૂમિકા તેના મિત્રની રાહ જુએ અને તેને માટે તેની મમ્મી ખાસ વધારાની રોટલી પણ બનાવે..

     થોડા દિવસ પછી રજાઓ પૂરી થઇ. હવે ભૂમિકાની શાળાનો સમય સવારનો થઇ ગયો હતો. પહેલે દિવસે નિશાળેથી પાછા ફરી તેણે તેના દાદાને પૂછ્યું કે સવારે કાગડાભાઈ આવ્યા હતાં? દાદાએ કહ્યું કે ના આજે નથી આવ્યા. કદાચ તેને ખબર પડી ગઈ હશે કે તું નથી. આ સાંભળી ભૂમિકા નિરાશ થઇ ગઈ અને જમીને સુઈ ગઈ. થોડીવારે કા.કા. અવાજ આવતા તે જાગી અને જોયું તો તેનો મિત્ર કાગડાભાઈ બારીએ બેઠા છે. મમ્મી પાસેથી રોટલી લઇ તે આપવા ગઈ ત્યારે દાદા હસતાં હસતાં બોલ્યા કે “તારા મિત્રને પણ ખબર પડી ગઈ કે હવે તું સવારે નથી હોતી એટલે તે સાંજે આવ્યો.”

    આ સાંભળી ભૂમિકા ખુશ થઇ ગઈ અને કાગડાભાઈને એક ફ્લાઈંગ કિસ આપી.

     મિત્રો, બધા પશુ પક્ષીઓ પ્રેમનાં ભૂખ્યા હોય છે. આપણે તેમને તે આપશું તો તેઓ પણ આપણને તેનો સારો પ્રતિભાવ આપશે. તમે જાણો છો કે લીકો કૂતરા અને બિલાડી પાળે છે અને તેમને સ્નેહથી રાખે છે. તેના બદલામાં આ પ્રાનેઓ પણ તેવો જ વર્તાવ કરે છે.

     – નિરંજન મહેતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *