મિલ્ટન હ્યુમેસન

જન્મ -  ૧૯, ઓગસ્ટ - ૧૮૯૧                             અવસાન -૧૮, જુન - ૧૯૭૨


     આ ૧૯૦૮-૧૦ની વાત છે. અમેરિકા સ્થિત માઉન્ટ વિલ્સનના એક ૧૬ વર્ષના યુવાનની વાત છે. નામ મિલ્ટન હ્યુમેસન. કોઈ કારણસર તેને તેના માતાપિતાએ શાળાના ભણતરને બદલે કામ કરવાની પરવાનગી આપી. તે યુવાન માઉંટ વિલ્સન પર, જ્યાં ખગોળશાસ્ત્રના સંશોધન માટે એક વેધશાળા ઊભી થઇ રહી હતી, ત્યાં કામ માટે પહોંચી ગયો. ત્યાં તેને નીચેથી ઉપર જરૂરી માલસામાન ખચ્ચર પર લાવવાનું કામ મળ્યું.
       ત્યાર પછી જ્યારે તે વેધશાળા કાર્યરત થઇ ત્યારે મિલ્ટનને ત્યાં જ એક ચોકીદાર તરીકે રાખી લેવામાં આવ્યો. વેધશાળાના મોટા મોટા દૂરબીનો જોઈ તે અચંબામાં પડી ગયો અને તે દ્વારા દેખાતા તારાગણને જોઈ તે આનંદિત થતો. આને કારણે તે પોતાની જાતને ભાગ્યશાળી માનતો કે આ લાભ ખચ્ચર હાંકવા કરતાં કેટલોય સારો છે. આગળ જતાં તેને દૂરબીનો ચલાવવા માટે રાત્રિના સહાયક તરીકે બઢતી મળી. તેના આ કામથી પણ ત્યાના સંશોધક ખુશ હતાં.

       એક દિવસ તેણે ત્યાના ડાયરેક્ટર શ્રી જ્યોર્જ હેઈલને જણાવ્યું કે તેઓ જે તારાની ખોજ કરતા હતાં તે તારો તેની નજરમાં આવ્યો છે અને આમ કહી તેણે પોતે જોયેલ તારાનું ચિત્ર દેખાડ્યું. આ જોઈ તે ડાયરેક્ટર ખુશ થઇ ગયા અને મનમાં વિચાર્યું કે આ છોકરામાં પ્રતિભા છે. થોડા સમયમાં તેમણે નક્કી કર્યું કે તેઓ મિલ્ટનને તેમની ખગોળશાસ્ત્રીઓની ટીમમાં સામેલ કરશે પણ તેણે યોગ્ય ભણતર ન કીધું હોવાથી તેનો વિરોધ થયો છતાં તેમણે તેમનો નિર્ણય ન બદલ્યો.

      આગળ જતાં મિલ્ટનની મુલાકાત ડો. એડવીન હબ્બલ સાથે થાય છે જે એક જાણીતા ખગોળશાસ્ત્રી હતાં. ત્યારબાદ મિલ્ટનને તેમની સાથે કામ કરવાની અને તેમની પાસેથી ઘણું જાણવાની તક મળી. એક દિવસ મિલ્ટને પોતાની અમુક ગણતરીઓ ડો. હબ્બલને દેખાડી. આ જોઈ ડો. ખુબ ખુશ થયા અને કહ્યું કે તારી ગણતરી મેં વિચારેલી ગણતરીઓને મળતી આવે છે. આગળ જતાં આ ગણતરીઓ જ ડો. હબ્બલના નિયમને બનાવવામાં મદદરૂપ થઇ. આ નિયમ પૃથ્વીથી આકાશગંગા સુધીનું અંતર કેમ માપવું તે દર્શાવે છે અને તેને માટે આ ગણતરી વપરાય છે. આ એ જ ડો. હબ્બલ છે જેણે અવકાશ સંશોધન માટે એક મહાકાય દૂરબીન બનાવ્યું હતું અને તે દૂરબીનને તેમનું નામ પણ અપાયું છે.

      મિલ્ટન ત્યાર પછી અવકાશનું નિરીક્ષણ કરતો રહ્યો અને ઘણા ખગોળીય સંશોધન કર્યા. એક ધૂમકેતુ (COMET)ની શોધ પણ કરી. સ્વિડનની એક યુનિવર્સીટીએ તેમને માનદ ડોકટરેટની પદવી પણ આપી હતી. ૬૬ વર્ષની ઉંમરે જ્યારે મિલ્ટને નિવૃત્તિ લીધી ત્યારે તે એક ખચ્ચરવાહક તરીકે, ચોકીદાર તરીકે કે સહાયક તરીકે નહીં પણ એક ખગોળશાસ્ત્રી તરીકે નિવૃત્ત થયા.

       મિત્રો, આપણી કહેવત યાદ છે ને કે મન હોય તો માળવે જવાય. મિલ્ટન આનો એક સુંદર દાખલો છે. તમે પણ તમારી ઈચ્છા ને ધગશને વળગી રહેશો તો જીવનમાં ઘણું કરી શકશો અને પામી શકશો.

     -    નિરંજન મહેતા

For extra reading in English   -   1   -    ;    -   2   -

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *