રોલ નંબર – ૨

રોલ નંબર બે..

    ‘યસ સર્..’ લકી ઊભી થઈને જરા મોટેથી બોલી. આમેય એનો અવાજ મોટો ને બોલકી પણ ભારે. હાજરી પત્રકે તો એનું નામ લક્ષ્મી જ હતું પણ ઘરમાં બધા એને લખી કહેતા, હું એને જરા વધારે સુધારીને લકી કહેવા માંડ્યો!

     એકવાર બાજુના વર્ગવાળા શિક્ષિકા બહેને મને પૂછેલું પણ ખરું, ‘તમે એને લકી કેમ કહો છો ?’

     દરેકને આપતો એ જ જવાબ મેં તેમને પણ આપેલો, ‘એ મારા માટે લકી છે. એ જ્યારથી મારા વર્ગમાં આવી ત્યારે આપણને પગારપંચનો લાભ મળેલો ને ? એટલે આપણા બધા માટે એ લકી જ ગણાય!’

     ટેબ્લેટમાં એનું પ્રોફાઈલ પિક્ચર જોતાં મને હસવું આવ્યું. તેણે ચશ્મા સાથે ફોટો પડાવેલો. કેવી ભદ્દી લાગતી હતી! હા, એ વખતે એ ચશ્મા પહેરતી. જો કે હવે એને ચશ્માથી આઝાદી મળી ગઈ છે.

     મારા વર્ગમાં એ અરધા સત્રથી આવી હતી. આમ તો તેનો વર્ગ ઉપરના માળે હતો પણ એને પગની કોઈ કાયમી તકલીફ હતી એટલે તેના વર્ગશિક્ષકે મારા વર્ગમાં બેસડવા વિનંતી કરી અને ભલામણ પણ કરી, ‘ત્રણ મહિના આને પગમાં પાટો રહેવાનો છે ત્યાં સુધી એનું નામ તમારામાં રાખો. પછી જોઈએ. અને હા, ચશ્માના કૅમ્પમાં એને મફત ચશ્મા મળ્યા છે, આ છોકરી જરા આળસુ છે, જો તમે ઢીલા રહેશો તો એ ચશ્મા પહેરશે નહિ.’

    ‘બરાબર.’ કહી મેં એનું નામ મારા રજીસ્ટરમાં લઈ લીધું.

     બીજે દિવસે એ ચશ્મા વગર જ આવી. મેં પૂછ્યું, ‘લકી, ચશ્મા ક્યાં?’

     ‘મારે ચશ્મા નથી પહેરવા સાયબ.’ જરા પગ પછાડતા એ પહેલે જ દિવસે મારાથી રીસાણી. મને થયું એક દિવસ જવા દઉં.

      ‘ચાલ આજે તારે સૌથી આગળ બેસવાનું, કાલે ચશ્મા લાવજે હોં.’ મેં તેને આગળ બેસાડી. પણ થોડી વાર પછી મેં જોયું કે કોઈ કારણસર એ પાછળ જઈને બેસી ગઈ.

     મેં પૂછ્યું, ‘કેમ પાછળ બેઠી ? આજે તારી પાસે ચશ્મા નથી એટલે મેં તને આગળ બેસાડી છે.’

     ‘સાયબ મને તો આઘેથીયે બધું બરાબર દેખાય છે.’ એ બોલી.

      મને થયું એને ભણવામાં જ રસ નહિ હોય એટલે પાછળ બેસવા આમ બોલે છે. નિશાળમાંથી મફત મળ્યા છે એ ચશ્મા એને પહેરવા જ નથી. એને બરાબર દેખાય છે કે નહિ એની મેં મારી સૂઝ પ્રમાણે કસોટી કરવાનું ચાલુ કર્યું. મારા આશ્ચર્ય વચ્ચે હું ખોટો સાબિત થયો. એણે તો દૂરથી પણ બધું સ્પષ્ટ વાંચી બતાવ્યું ત્યારે મને નવાઈ લાગી. આંખની તપાસમાં ડૉક્ટરલોકો પણ સ્ટુડન્ટ્સને ભરોસે બધું છોડી દે તો જ આવું થાય. જોકે સામાન્ય આરોગ્ય તપાસ માટે મેડીકલ સ્ટુડન્ટ્સ આવતા હોય છે પણ આંખ માટે ?

       મને વધુ એક ઝબકાર થયો ને હું તરત લક્ષ્મીના જૂના વર્ગશિક્ષક પાસે ગયો. તેમના વર્ગમાં તપાસ કરતા મારી શંકા સાચી પડી. એ વર્ગમાં બીજી એક લક્ષ્મી નામની વિદ્યાર્થિનિ હતી અને તેની તપાસ કરતા તેને જ દૂરનું ઓછું દેખાતું હોવાનું જણાયું. તેને નામે આવેલા ચશ્મા એ વર્ગશિક્ષકે આ લક્ષ્મીને છ મહિના ધરાર પહેરાવ્યે રાખ્યા!

     ખેર, મેં એ ભૂલ સુધારી નાખી. પણ એ ભૂલ ભૂલાય નહિ એ માટે ચશ્માવાળો ફોટો જ ટેબ્લેટમાં તેના પ્રોફાઈલમાં મેં રાખ્યો છે.

    -   અજય ઓઝા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *