રોલ નંબર – ૪

રોલ નંબર ચાર..

      યસ સર. આ વંદના હતી. એનો ફોટો પણ અનોખો હતો, બે આંગળીઓનો ‘વી’ બનાવી વિનિંગ પ્રોફાઈલમાં હસતી હતી.

     પહેલા જ્યારે ટેબ્લેટમાં એનો ફોટો નહોતો ત્યારે મેં એને બોલાવી. એ હળવે રહી પાસે આવી, મે કહ્યું, ‘તારો ફોટો નથી, ટેબ્લેટમાં પાડવો પડશે. અહિ ઊભી રહી જા આ દીવાલ પાસે.’

     એ દીવાલને અડકીને ઊભી રહી. હું ફોટો પાડવા જતો હતો ત્યાં કહે, ‘ઊભા રહો સાહેબ, એમ બધાના જેવો નહિ, આમ .. આ રીતે પાડો મારો ફોટો.’ કહીને એણે જમણા હાથની બે આંગળીઓનો ‘વી’ બનાવી વી ફોર વિક્ટરીની પોઝીશનમાં ઊભી રહી.

      એકવાર અમે બે શિક્ષકો બાળકોને સાથે લઈ સંગીતખુરશી રમાડતા હતા. સાથે અમે પણ રમતમાં જોડાયા. એ વખતે વંદના દોડતી પાસે આવી અને કહે, સાહેબ તમારે પેલા સાહેબને હરાવી દેવાના છે હો.. જો જો, હારી ન જતા.’

       પણ રમતના અંતે હું હારી ગયેલો. એ નિરાશ થઈ અને ગુસ્સામાં પાસે આવી ને વંદના બોલી, ‘મેં કહ્યું એમ કેમ ન કર્યું ? શું કામ હારી ગયા ? હવે બીજી વાર ધ્યાન રાખજો, હારી ગયા તો કટ્ટી !’ એ ખરેખર ખૂબ ગુસ્સામાં હતી. પહેલી વાર એની વાત ધ્યાનમાં નહોતી લીધી પણ આ વખતે મને થયું કે હારી જઈશ તો એ રડવા જ માંડશે.

     સંગીત ખુરશી નો બીજો રાઉન્ડ શરૂ થયો. જેમ જેમ રમત આગળ ચાલી તેમ તેમ વંદનાની બૂમો અને સૂચનાઓ વધતી જ ગઈ. મને હારવા કરતા એની ચિંતા થવા લાગી. હારીશ તો એને કેમ સમજાવીશ એ વિચારતો હું રમતો હતો. અંતે એની પ્રાર્થના ફળી ને હું જીત્યો. એ પળે એ દોડતી આવી ને જોરથી મને વળગી ગઈ, ‘મેં કહ્યું તું ને સાહેબ, તમારે જીતવાનું જ હતું... મેં કહ્યું તું ને... મેં કહ્યું તું ને...’ મને જ નહિ બીજા બાળકોને પણ એ આ વાત મોટેમોટેથી કહેવા લાગી. મેં પણ વી ફોર વિક્ટરી માટે બે આંગળીઓ ઊંચી કરી.

     એ વખતે એની આંખોમાં છલકાતી ખુશી જોઈ મને લાગ્યું કે હા, આજે તો હું જીતી ગયો છું !

    -   અજય ઓઝા

One thought on “રોલ નંબર – ૪”

  1. ‘વી ફોર વિક્ટરી’નું નિશાન દર્શાવ્યું હોય તો તેમાં અાંગળીઅોની બારીક છાપ પણ કેમેરામાં ઝડપાઈ જાય છે.
    રિસર્ચરોઅે જણાવ્યું કે અા પ્રકારના ફોટા પડાવતા હોય ત્યારે અાંગળા પર ટાઈટેનિયમ અોક્સાઈડની ફિલ્મ લગાવી દેવાથી તમારી અાંગળીઅોની છાપ તસવીરમાં સ્પષ્ટ અાવતી નથી અને તેની કોપી થઈ શકતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *