પારસી

  • વહાન ભાંગીને પાટલા બનાવ્યા
  • એણે તો પૂમરે પાની પાયુ
  • મોપ (મોભ) ભાંગીને ગિલ્લી કીધી.
  • અહીં મલ્યો તો મલ્યો, ઉપર ની મલતો.
  • સુન્નુ જોઈ ઘસી ને માનસ જોઈ વસી
  • મગોલની (મોગલની) સુજે વાનિયો ચાલે, મરે નહીં ને માંડો પરે.
  • સૂક્કા બૂમલા જેવો

આ બધાં વાક્યોમાં સમજ ની પરી ઓસે તો પારસી બાવા ની સોબત કરો ! 

     એવા મજ્જેના અને વ્હાલ ઉપજે એવા પારસીઓની પહેચાણ ઈ-વિદ્યાલયના બહુ જૂના સાથી શ્રી. પુરૂષોત્તમ ભાઈ દાવડાએ કરાવી છે.  

    પર્શિયા એટલે આજનું ઈરાન. પારસીઓ  પર્શિયાથી આવ્યા એટલે પારસી કહેવાયા. ઈસુના વર્ષની શરૂઆતથી પણ છ-સાતસો વર્ષ પહેલા પર્સિયામાં ઝોરાષ્ટ્રીય ધર્મની સ્થાપના થઈ હતી. એ લોકો અગ્નિને દેવ માનીને પૂજતા. ઈસુની સાતમી સદીમાં ઇરાનમાં મુસ્લીમ ધર્મનો પ્રસાર પ્રચાર વધતાં, ઝોરાષ્ટ્રીયનો પોતાના ધર્મની રક્ષા કરવા ૧૧ વહાણોનો કાફલો લઈ, ઈરાનથી હિન્દુસ્તાન આવવા નીકળ્યા. છ વહાણોમાં સ્ત્રીઓ હતી, ચાર વહાણોમાં પુરૂષો હતા અને એક વહાણમાં પવિત્ર અગ્નિ અને ધર્મગુરૂઓ હતા. હિન્દુસ્તાન સાથે વ્યાપાર વ્યહવાર હોવાથી એમને હિન્દુસ્તાન વિષે થોડી માહીતિ હતી.

   સૌ   પ્રથમ તેઓ ઇ.સ. ૭૬૬ની આસપાસ દીવ બંદરે ઉતર્યા, જયાં તેમણે ૧૯ વર્ષ ગાળ્યાં. ત્યાં પોર્ચુગીઝોના હુમલાથી કંટાળીને ઇ.સ. ૭૮૫માં દરિયાઈ માર્ગે ગુજરાતના સંજાણ બંદરે ઉતર્યા. સંજાણ સાથે પારસીઓનો વ્યાપારિક સંબંધ તો હતો, તેમ છતાં કોમના કાયમી વસવાટ માટે સંજાણના રાજાની મંજૂરી જરૂરી હતી. એમના આગેવાનોએ રાજા જાદી રાણાને સંદેશો મોકલ્યો. રાજ્યની તે સમયની વસ્તી અને સંસ્કૃતિને ખ્યાલમાં રાખીને રાજાએ એમને દૂધથી છલોછલ ભરેલું વાસણ મોકલ્યું અને કહેવડાવ્યું કે હવે આમાં તમારો સમાવેશ કેવી રીતે થાય. પારસીઓએ એમાં સાકર ભેળવીને એનો જવાબ વાળ્યો કે જેમ દુધમાં સાકર સમાઈ ગઈ એમ અમે તમારી પ્રજામાં સમાઈ જશું અને તમારી સંસ્કૃતિમાં મીઠાશ આવશે.

હવેવાય છે કે રાણા તૈયાર તો થયા પણ એમણે કેટલીક શરતો મૂકી. પારસીઓ સ્થાનિક ભાષા બોલે, પોતાનાં પરંપરાગત શસ્ત્રોનો ત્યાગ કરે અને પારસી મહિલાઓ ગુજરાતી મહિલાઓ જેવાં જ વસ્ત્રો પહેરે. પારસીઓએ આ શરતો કબૂલ કરી એટલું જ નહીં એનું આજસુધી અક્ષરશઃ પાલન કર્યું. આજે પણ પારસીઓ મીઠું મીઠું ગુજરાતી બોલે છે અને પારસી સ્ત્રીઓ ગુજરાતી સ્ત્રીઓ જેવા વસ્ત્રો પહેરે છે. આજે પણ દુલ્હા-દુલ્હનને કપાળ પર કુમકુમનો ચાંલ્લો કરીને ચોખા ચોંટાડવામાં આવે છે. મૃત્યુની વિધિમાં ઉઠમણું કરે છે. શ્રીફળ અથવા નાળિયેરને શુભ ગણે છે. વરના પગ ધોવાની વિધિ કરે છે. ઉંબરો ઓળંગવા માટે પહેલાં જમણો પગ ઉપાડે છે. ચાંલ્લામાં પુરુષના કપાળ પર લાંબો ચાંલ્લો કરે છે, જે સૂર્ય માટે છે, અને સ્ત્રીના કપાળ પર ગોળ થાય છે, જે ચંદ્રનું ચિન્હ છે.

આવા મીઠા પારસીઓએ માત્ર ગુજરાતની જ નહીં, ભારતની ખૂબ સેવા કરી છે. જમશેદજી તાતાએ ભારતમાં મોટે પાયે લોખંડનો ઉદ્યોગ શરૂ કરી ભારતમાં ઉદ્યોગોનો પાયો નાખ્યો છે. હોમી ભાભાએ ભારતમાં વિજ્ઞાનને આગળ વધાર્યું છે. રતન તાતાએ ભારતના મધ્યમ વર્ગના લોકો માટે સસ્તી કાર બનાવી છે. પારસી દાનવીરોએ કોલેજો, હોસ્પીટલો, પુસ્તકાલયો વગેરે શરૂ કરવા ખૂબ મોટી રકમો દાનમાં આપી છે.

-પી. કે. દાવડા


કોઈ પણ ચિત્રને મોટું જોવા માટે તેની ઉપર 'ક્લિક' કરો.

નવરોજ ઉત્સવ
અશો જરથુષ્ટ્ર
પારસી ગારા સાડી
નવજોત વિધિ
જમશેદજી ટાટા
હોમી ભાભા અને BARC
દાદાભાઈ નવરોજી
રતન ટાટા

2 thoughts on “પારસી”

  1. પારસી કવિ-લેખકો મશહૂર પારસી કવિ દાદી તારાપોરવાળાની એક કૃતિમાં જોઈએ: :
    રે હશતો ને રંમતો તું આએઓ તે શું?
    રે નાહશતો ને ભાગતો તું ગએઓ તે શું?
    …. આએ લાલ લોહી બલી ખારું પાંણી થાએચ,
    જીગર ગંમથી જલીને ફાટ ફાટ થાએચ.
    બેહરામજી મલબારી મધુર અને શિષ્ટ લોકભોગ્ય ગુજરાતી ભાષાનો ઉપયોગ કરી નોંધપાત્ર ગુજરાતી કવિતા રચનાર તે પ્રથમ પારસી કવિ..
    અરદેશર ફરામજી ખબરદાર જાણીતા પારસી ગુજરાતી કવિ હતા તેમણે ઉપનામો રાખી અન્ય પ્રસિદ્ધ ગુજરાતી કવિઓના કાવ્યોના ઉત્તરરૂપે પ્રતિકાવ્યો રચ્યાં. તેનાં કર્તા તરીકે પોતાનાં ઉપનામ રમૂજપ્રેરક રાખ્યાં; જેમકે કવિ ન્હાનાલાલના પ્રતિકાવ્ય રચવા ખબરદારે પોતાનું ઉપનામ “મોટાલાલ” રાખ્યું. કવિ ખબરદારના બીજાં ઉપનામો: લખા ભગત, હુન્નરસિંહ મહેતા, ક્ષેમાનંદ ભટ્ટ વગેરે.એક ઓછી જાણીતી વાત એ પણ છે કે પારસી ગુજરાતી કવિ ખબરદારે ૧૫૦ જેટલા અંગ્રેજી કાવ્યો લખ્યાં છે.
    .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *