હું તો કરીશ જ

    એનું નામ દિપક. પલ્લવી વિદ્યાલય, અમદાવાદમાં દસમા ધોરણમાં અભ્યાસ કરે. શરૂઆતથી જ દિપક અભ્યાસમાં ખુબ મહેનતુ. દર વર્ષે ખુબ મહેનત કરે, પણ તેનું પરિણામ ધાર્યા કરતા નીચું આવે. એનું કારણ  સાવ અલગ જ હતું. તેને જન્મથી જ મધુપ્રમેહ ( ડાયાબિટીસ ) નો રોગ હતો.તેના શરીરના કા ર્બોદિત પદાર્થોનું પાચન થતું નહોતું . તે રોજ ના ચાર જેટલાં ઇન્સ્યુલિનના ઈન્જેકશન  લેતો. કેટલીયે વાર શાળાએ આવે ત્યારે થાકેલો હોય. વધારે તકલીફ હોય, તો ગેરહાજર પણ રહે. છતાં તેની અભ્યાસ માટેની લગન અને ધગશ ભરપૂર.     

     વાત ઘણા સમય  પહેલાંની છે.  એ વખતે અભ્યાસમાં સરેરાશ બાળકોનાં વર્ષ ન બગડે, અને એ વિદ્યાર્થીઓ  વચ્ચેથી શાળા  છોડી ન દે એટલે દસમા ધોરણમાં બોર્ડ પરીક્ષા લે, તે વખતે  કઠિન વિષય છોડી દેવાના વિકલ્પ મળતા. અંગ્રેજીનો વિષય છોડી  શકાતો હતો, જેથી નવી ભાષામાં પાસ થવામાં તકલીફ ન પડે, અને વર્ષ ન બગડે. આચાર્યે દિપકને બોલાવ્યો અને કહયું," જો દિપક! આ બોર્ડનું વર્ષ છે. અંગ્રેજી ને બદલે તું હિન્દી રાખે તો સરળતાથી પાસ થાય અને તારું વર્ષ ન બગડે "  દિપકે તો મક્કમ અવાજે કહયું , "સાહેબ ,હું તો અંગ્રેજી રાખીશ જ. મારે આગળ ભણવાનું છે. "

  આચાર્યે  થોડો વધારે સમજાવવાનો પ્રયત્ન કર્યો ,"અંગ્રેજી-નવી ભાષા તૈયાર કરવામાં ખુબ મહેનત કરવી પડે, ઊજાગરા કરવા પડે, ને પછી તારી તબિયત પણ નબળી ."

     દિપક નો જવાબ ," હું કરીશ જ. તમે જો જો !  અંગ્રેજી માં સારા ગુણ લાવીશ જ . ચોક્કસ શાળાનું પરિણામ નહીં જ બગાડું.'

     વર્ષ આખું  અભ્યાસ ચાલ્યો. વર્ગ માં ખબર પડતી હતી કે દિપક પણ બીજા વિદ્યાર્થીઓની જેમ સખત મહેનત કરતો હતો. અતિશય શ્રમને લીધે ઘણી વાર શાળામાં તબિયત લથડે. ગેરહાજરી પણ વધી, પણ દિપકની હિમ્મતમાં જરાય ઓછપ ન આવી .

     આખરે બોર્ડની પરીક્ષા આવી. સૌએ  પોતાની ક્ષમતા પ્રમાણે પરીક્ષા આપી. બે માસ પછી પરિણામ પણ આવી ગયું. આચાર્ય અને સૌની નજર બધાના પરિણામ થી પહેલાં દિપકના પરિણામ પર હતી. દિપક પાસ તો થઇ જ ગયો, પણ અંગ્રેજીના વિષયમાં તેને  આખી શાળામાં  સૌથી વધારે ગુણ હતા !  આચાર્યે  તેના ખભે હાથ મૂકી તેના  ધગશ અને સંકલ્પ  બળને બિરદાવ્યા. સહપાઠી અને સૌ શિક્ષકો તો અચંબામાં પડી ગયા હતા!

        જીવનમાં આવતા પડકાર ઝીલવા અને તેને સાકાર કરવા એમાં જ તો સાચી મજા છે. પછી તો "હિંમતે મર્દા તો મદદે ખુદા " Fortune favors those, who are brave."  પ્રબળ પુરુષાર્થને પરમેશ્વરનો સાથ ચોક્કસ હોય જ.

     -   દિનેશ માંકડ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.