પ્રાર્થના

    રાતના અગિયાર વાગ્યા હતા. મારી આંખોમાં હવે માંડ માંડ થોડીક ઊંઘ ભરાણી હતી. હું છેલ્લો ઈમેલ ચેક કરી કોમ્પ્યુટરને અલવિદા કરી, સુવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યાં કોઈના રડવાનો ધીમો અવાજ સંભળાયો.

    હું ચોંકીને અવાજની દિશામાં ગયો. ઘરના  દિવાનખંડમાં મારી દીકરીનો દીકરો જય રાતે અમારે ઘેર રહેવા આવેલા, તેના મિત્ર એન્થનીને મનાવવા વ્યર્થ પ્રયત્ન કરી રહ્યો હતો.

   મેં  તેને પૂછ્યું,” કેમ તમારા રુમમાં જઈને સૂઈ જાઓને?”

   જયે કહ્યું,” એન્થનીને બીક લાગે છે.”

   મેં કહ્યું,” તો નાઈટલેમ્પ ચાલુ રાખીને સૂઈ જાઓને?”

   જય – ” ના! એને તો બસ એના ઘેર જ જવું છે.”

   આમ તો એન્થનીનું ઘર અમારા ઘરથી દૂર નથી, પણ આટલી મોડી રાતે એનાં માબાપને જગાડવું, મને ઠીક ન લાગ્યું.

   મેં એન્થનીને કહ્યું,” ચાલ મારા રુમમાં મારી જોડે સૂઈ જા.”

   અમે ત્રણે મારા રુમમાં ગયા. એન્થનીનું રડવાનું તો ચાલુ જ હતું. મેં એને મારી સાથે સૂવાડ્યો અને એના બરડે હાથ ફેરવવા માંડ્યો. એના ધીમાં ડૂસકાં હજુ શાંત થયાં ન હતાં. જ્યારે જય નાનો હતો; ત્યારે તે અમારા રુમમાં સૂતો હતો. હું રોજ એને પ્રાર્થના કરી સૂવાડતો હતો. પણ એ તો આપણા શ્લોકો અને ભજનો. મને કોઈ અન્ગ્રેજી પ્રાર્થના આવડતી ન હતી. મેં જયને પ્રાર્થના કરવા કહ્યું. એ એની સ્કૂલની, જિસસની પ્રાર્થના ગડગડાવી ગયો. પણ એન્થનીના રડવામાં કાંઈ જ ફરક ન પડ્યો.

     મેં એક છેલ્લા પ્રયત્ન તરીકે, એના બરડે હાથ ફેરવતાં શાંતિમંત્ર ગાવો શરુ કર્યો.

ॐ सहनाववतु, सह नौ भुनक्तु , सहवीर्यम् करवावहै,
तेजस्विना वधितमस्तु, 
मा विद्विषावहै!
ॐ शांति, शांति, शांतिः ।

    મારો સાદ અને રાગ તો મધ્યમ કક્ષાના પણ ન કહી શકાય. પણ એના લયમાં એનું રડવાનું બંધ થઈ ગયું.

     હવે મારો ઉત્સાહ વધ્યો. મેં પુનિત મહારાજનું મને બહુ જ ગમતું ભજન  ગાવા માંડ્યું. 

“હરિના નામનો હો! એક જ આધાર છે.
જીવનસંગ્રામનો હો! એક જ આધાર છે.”

[ આખું ભજન આ રહ્યું . ]

    આ ભજનનો ઢાળ મને બહુજ ગમે છે – જયને પણ. અને કદાચ હું એ ઠીક ઠીક ગાઈ શકું છું. હજુ ભજન અડધે જ આવ્યું હશે, અને એન્થની સૂઈ ગયો, તે સવાર પડે વહેલી.

    આમ એક અમદાવાદી સંતના સાવ સાદા ભજને, એક ખ્રિસ્તી અને અમેરિકન બાળકને શાંતિ અને નિંદર ભેળો કર્યો હતો.     

7 thoughts on “પ્રાર્થના”

  1. This is really inspiring…In Bhagvat Geeta one shlok says.. Yagnanam Japah Yagnaosmi.. Mantra has great power when it is chanted by a holy person..Prayer helps not only to the singer but also to the listeners too..

  2. બાળપણમાં કવિ દલપતરામનું આ પ્રાર્થના ગીત ખુબ ગાતા હતા.એમાં જે સંદેશો છે એ દરેક બાળકે આજે પણ યાદ રાખી અમલમાં મુકવા જેવો છે.

    ઓ ઈશ્વર ભજીએ તને – કવિ દલપતરામ

    ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ;
    ગુણ તારા નિત ગાઈએ, થાય અમારાં કામ;
    હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ;
    ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજે માફ.

    પરોઢિયે નિત ઊઠીને લેવું ઈશ્વર નામ;
    દાતણ કરી નાહ્યા પછી કરવા પાઠ તમામ;
    કહ્યું કરો મા-બાપનું દો મોટાંને માન;
    ગુરુને બાપ સમા ગણશો મલશે સારું જ્ઞાન.

    આસપાસ આકાશમાં, અંતરમાં આભાસ;
    ઘાસચાસની પાસ પણ, વિશ્વપતિનો વાસ;
    ભોંયમાં પેસી ભોંયરે કરીએ છાની વાત;
    ઘડીએ મનમાં ઘાટ તે જાણે જગનો તાત.

    ખાલી જગ્યા ખોળીએ, કણી મૂકવા કાજ;
    ક્યાંયે જગતકર્તા વિના, ખાલી મળે ન ઠામ.

    નિંદ્રામહીં નહિ હતું તન ભાન જ્યારે,
    જેણે જુઓ પૂરણ રક્ષણ કીધું ત્યારે,
    તેને પ્રભાત સમયે પ્રથમે સ્મરું રે,
    કાર્યો બધાં દિવસનાં પછીથી કરું રે.

  3. કુદરતી ઉપચારમાં રામનામનું પણ સ્થાન છે તેવું ગાંધીજીએ લખેલું. તે પછી તે સમયના વૈધરાજ ગણેશ શાસ્ત્રીએ ગાંધીજીને કહેલું કે આ પ્રકારનું સાહિત્ય આયુર્વેદમાં છે જ. તેમાંય ઇશ્વરનામ કે રામનામનું સ્થાન પણ છે. ચરક અને વાગ્ભટ્ટે પણ આ શ્રદ્ધા વિષે લખ્યું છે.આવા અનેક દાખલા છે.ડો. ફ્રિફ કાપ્રાને પ્રાર્થનાબળ અને સ્પિરિરયુઆલિટીથી રોગને સારા કરવાની વાતની ધૂન લાગેલી. તે ડો. સ્ટાન ગ્રોફને મળ્યા. આ ડોકટરે તેમને પ્રાણાયામ અને બીજી કુદરતી ઉપચારની પદ્ધતિ શીખવી સાથે કહ્યું કે ટ્રીટમેન્ટ દરમિયાન તમારી બુદ્ધિને થોડીવાર હોલીડે આપ. તમારી તમામ લાગણીનાં દ્વાર એક અદ્રશ્ય બળના પ્રવેશ માટે ખોલ. સાથે તેમણે બીથોવન સિમ્ફની અને વેગનરના ઓપેરાની મનને શાંતિ આપનારા મ્યુઝિકની કેસેટો સંભળાવી. ઉપરાંત વેદના કેટલાક શ્લોક સંભળાવ્યા. સંસ્કૃતના શ્લોકો સાથે ભજનો સંભળાવ્યાં. આ બધા થકી પણ રોગ સારા થયા છે. મેડિટેશન પણ એક પ્રાર્થના જ છે. પ્રાર્થનાનું બળ મોટું છે તે અમને મહુવામાં જયારે દુષ્કાળ પડે ત્યારે કે માલણ નદીમાં મોટાં પૂર આવે ત્યારે શ્રદ્ધાળુ લોકો દ્વારા વા મળતું. શુદ્ધ શબ્દ આર્તનાદ છે
    જેમ અંધશ્રદ્ધા એક રોગ છે, તેમ ધાર્મિક પરંપરાઓનો સમજ્યા વિનાનો વિરોધ પણ રોગ છે …. ભારત દેશમાં જે રૂઢિઓ સારી છે તેને જાળવવાની અને જે ખરાબ છે તેને ત્યજવાની વિવેકબુદ્ધિ સૌને પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના.

  4. આપણા ભજનો પ્રાર્થના અને શ્લોકોમાં જે અનેરી શક્તિ છે એ
    અદભૂત છે .
    એ તો સ્વ અનુભવે જ સમજાય .

  5. સરસ વાત. ભજનોનો આ જ પ્રભાવ છે કે તે મનને શાંત કરે છે.

  6. આવી જ એક વીડિયો કલીપ ફેસબુક પર જોયાનું યાદ છે. એક વિદેશી પિતા તેના શેય છાનાં ન રહેતાં બાળક પાસે ૐ કાર બોલે છે અને આશ્ચર્યજનક રૂપે બાળક તુરંત શાંત થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *