રડતી રૂપલ!

      ડો. કૃણાલ પંચાલ, જુનાગઢ જીલ્લાના બાંટવા ગામની સરકારી ગુજરાતી હાઇસ્કૂલમાં શિક્ષક છે. એમના P4P - પેરંટીંગ ફોર પીસ;  (*) અનુભવો એ એમની સંવેદન યાત્રા છે. વિદ્યાર્થીઓ અંગે એમને ઘણા પ્રશ્નો હતા, નિરાશા હતી. એમની આસપાસ બનતા બનાવો બહુ દુખી કરી દે એટલે એમને ગુસ્સો પણ આવતો. એ વિચારું ઘણું પણ કામ કરી શકે નહીં. એમણે  P4Pના સ્થાપક શ્રી હસમુખભાઈ પટેલ સાથે વાત કરી અને P4P સાથે જોડાઈ ગયા. પહેલાં એ બી.એડ. કોલેજમાં પ્રિન્સીપાલ હતા એટલે શિક્ષક - વિદ્યાર્થીના આદર્શ સંબંધો કેવા હોય એ સારી રીતે જાણતા. એ દૃષ્ટિથી જ બધું તપાસતા પછી એમણે નોકરી બદલી અને છેક છેવાડાના બાંટવા જેવા ગામમાં એમની નિયુક્તિ થઈ. હવે એમની કસોટી શરૂ થઈ. તેમના ઘણા બધા અનુભવો આપણે અહીં વહેંચવાના છીએ.  એક અનુભવ આ રહ્યો.... 

 

      એમની સ્કૂલમાં રૂપલ નામની છોકરી ભણતી હતી. અગિયારમા ધોરણની વિદ્યાર્થીની. રબારી કોમની દીકરી. શરીરે તંદુરસ્ત અને વર્તનમાં બિન્દાસ્ત. એનો રુઆબ એવો કે છોકરીઓ તો ઠીક, છોકરાઓ પણ એનાથી ડરે. એકવાર એવું થયું કે રૂપલ રિસેસમાં માવો ખાતી હતી. ધારા નામની બીજી છોકરી એને જોઈ ગઈ. રૂપલને ખબર પડી કે ધારા જોઈ ગઈ છે અને કદાચ સાહેબને કહી દેશે. એણે ધારાને એવી ધમકાવી કે ધારા ત્રણ દિવસ સુધી સ્કૂલે ન આવી. કૃણાલભાઈએ તપાસ કરી તો બીજાઓ મારફત ખબર પડી કે ‘સાહેબ, રૂપલે ધમકી આપી છે એટલે ધારા સ્કૂલે નથી આવતી.’ બીજા વિદ્યાર્થીઓએ એ શરતે કહ્યું કે રૂપલને ખબર ના પડવી જોઈએ નહીંતર અમે સ્કૂલે નહીં આવીએ.

  કૃણાલ ભાઈ પોતે શિક્ષક તો હતા જ. P4Pના માધ્યમથી બાળઉછેર એ સાચા અર્થમાં સમજતા થયા હતા. રૂપલના વર્તન માટે રૂપલનો ઉછેર જવાબદાર હતો. એક દિવસ પ્રાર્થના શરૂ થવાની વાર હતી ને કૃણાલભાઇ ઓફિસમાં જઈને બેઠા ત્યાં કેટલીક છોકરીઓ આવીને કહે,

    “સાહેબ, રૂપલ ધ્રુસકે ધ્રુસકે રડે છે, છાની નથી રહેતી. તમે આવો.”

     તેઓ ક્લાસરૂમમાં ગયા તો રૂપલ ખરેખર રડતી હતી. એમણે એને શાંત કરવા પ્રયત્ન કર્યો કે ‘બેટા શું થયું ?’ બહુ વાર પૂછ્યા પછી અંતે એણે જવાબ આપ્યો

     “સાહેબ, મારી ભેંસ મરી ગઈ. આ ભૂરી મને બહુ વહાલી હતી.”

      એમને બહુ નવાઈ લાગી કે,  આ ખરેખર એ જ છોકરી છે ?! તેઓ માનતા હતા કે આ છોકરીને લાગણી, સંવેદના જેવું હોય જ નહીં. આ પોતે જાનવર જેવી છે પણ એમના આશ્ચર્ય વચ્ચે આ એ જ રૂપલ હતી કે જેને પોતાના ઘરના પાલતુ પ્રાણી, એક ભેંસ માટે આટલી લાગણી હતી ! તેઓ જેવી ધારતા હતા, રૂપલ સાવ એવી નહોતી. એ પછી રૂપલ સાથેનું એમનું વર્તન વ્યવહાર બદલાઈ ગયા. રૂપલ એમની પાસે બે વરસ ભણી. એ સાવ બદલાઈ ગઈ. આજે એ ગામમાં આવે તો કૃણાલભાઈને મળે છે કે સાહેબ તમારી પાસેથી જે વાતો સાંભળી છે એનાથી મારું જીવન બદલાઈ ગયું છે.

     કૃણાલભાઈ કહે છે, ‘હું એ જ કહેવા માંગુ છું કે P4Pના માધ્યમથી મને નવી દૃષ્ટિ મળી છે. વિચારોની એક નવી દુનિયા ખૂલી છે કે હું મારા ગામડાના સામાજિક, આર્થિક બધી રીતે પછાત એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચી શક્યો છું.’  

 

  -    લતા હીરાણી

 

(*) P4P

  Parenting for peace  web site પર જવા અહીં ક્લિક કરો

 

કૃણાલ ભાઈના 'જીવનમંત્ર' શિર્ષક વાળા ઘણા બધા વિડિયો છે. એમાંના પહેલા બાર આ રહ્યા.

 

2 thoughts on “રડતી રૂપલ!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.