પતંગિયું

   કોને પતંગિયાં ન ગમે? ચાલો, એની બહુ મજાની વાતો માણીએ. 


નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.

-- -- --

One thought on “પતંગિયું”

  1. કોશેટોમાંથી પતંગીયા ની જીવન યાત્રા વિશેની મારી એક પ્રેરક કથા …

    સંઘર્ષ વિનાનું જીવન પાંગળું છે …… વિનોદ પટેલ

    આ જગતમાં આપણે કુદરતની અનેક અજાયબીઓ જોઈએ છીએ.મારે મન આમાંની એક મોટી અજાયબી કુદરત એક કોશેટામાંથી જે રીતે એક રંગબેરંગી પાંખોવાળા સુંદર પતંગિયાનું સર્જન કરે છે એ છે.

    એક વખત એક માણસ જંગલના રસ્તે ફરવા જતો હતો ત્યારે આવો એક કોશેટો એણે જોયો.આ કોશેટામાંથી એક પતંગિયાનું કેવી રીતે સર્જન થાય છે તે જાણવાનું એને કુતુહલ થયું.રોજ સવારે એ કોશેટાનું બારીકાઈથી નિરીક્ષણ કરવા લાગ્યો.એક દિવસે એણે જોયું કે કોશેટામાં એક નાનું છિદ્ર પડ્યું છે.થોડા દિવસો પછી એણે નિહાળ્યું કે છિદ્ર સહેજ મોટું થયું છે અને છિદ્રમાંથી નાનું પતંગિયું જાણે બહાર આવવા કોશિશ કરી રહ્યું છે.

    કોશેટામાં પડેલા આ નાના છિદ્રમાંથી પતંગિયું પોતાના નાજુક શરીરને બહાર કાઢવાની ગડમથલ કરે અને પાછું શાંત થઇ જાય. આમ, વારંવારની કોશિશ કર્યા પછી પણ પતંગિયાની પોતાના શરીરને કોશેટામાંથી બહાર કાઢવાની ક્રિયામાં કંઇ જ પ્રગતિ થતી ન હતી તે જોઈને આ માણસે પતંગિયાને મદદ કરવાનું મનમાં નક્કી કર્યું.

    બીજા દિવસે આ માણસ પોતાની સાથે એક નાની કાતર લઈને એ જગ્યાએ ગયો. કોશેટામાં જે જગ્યાએ પતંગિયું ફસાઈ ગયું હોય એમ એને લાગતું હતું ત્યાં કાતરથી નાનો કાપો કરી કાણું સહેજ મોટું કર્યું જેથી એ સહેલાઈથી છિદ્ર બહાર આવી શકે. છેવટે પતંગિયું મોટા થયેલા છિદ્રમાંથી બહાર આવી ગયું.

    આ માણસ પતંગિયાને મદદ કરી એથી ખુશ થયો,પરતું એણે જે જોયું તેથી આશ્ચર્ય પામ્યો. છિદ્ર બહાર આવેલ આ વિચિત્ર આકારના પતંગિયાનું શરીર મોટું અને પાંખો નાજુક હતી જે એના શરીરને ચોંટેલી હતી.આ માણસ હવે પતંગિયું ક્યારે ઉડે છે એ જોવા એનું વધુ નિરીક્ષણ કરતો રહ્યો.એણે વિચાર્યું કે હવે ગમે ત્યારે એ એના શરીરને સંકોચી લેશે અને એની ચોટેલી પાંખો છુટ્ટી થઈને મોટી થશે અને શરીરને સમતોલ કરીને ઉડવા માંડશે.

    એના આશ્ચર્ય વચ્ચે આમાંનું કશું જ ન બન્યું.બિચારા આ બેડોળ પતંગિયાને એની બાકીની જિંદગી એક ઇયળની માફ્ક મોટા શરીર અને એને ચોંટેલી નાજુક પાંખો સાથે માત્ર થોડી જગ્યામાં જ આજુબાજુ મંદ ગતિએ ચાલવામાં પૂરી કરવી પડી.

    આ માણસ કોશેટામાંના પતંગિયાને મદદ કરવાની ભાવનાથી ભલાઈ બતાવવા ગયો પરંતુ પતંગિયું જોવાની ઉતાવળમાં એ ભૂલી ગયો કે એક ઇયળમાંથી પતંગિયાનું સર્જન કરવાની કુદરતની અજબ પ્રક્રિયામાં એણે બિન જરૂરી હસ્તક્ષેપ કર્યો છે . એને ખબર ન હતી કે એણે પહેલાં પતંગિયાને કોશેટાના નાના છિદ્રમાંથી બહાર આવવાની કોશિશ કરતું, ગડમથલ કરતું અને શાંત થઇ જતું અને ફરી પાછું પ્રયત્ન કરતું એમ વારંવાર જોયું હતું તે વખતે સર્જનહારની છુપી કુદરતી શક્તિ ઇયળના મોટા શરીરમાં જે જીવન સર્જક પ્રવાહી હતું એને પાંખોમાં મોકલવાનું કામ કરતી હતી.

    આ પ્રમાણે કોશેટામાં રહ્યાં રહ્યાં વારંવારના પ્રયત્નો પછી એની પાંખો ઉડવા માટે પૂરેપુરી રીતે મોટી અને શક્તિમાન થાય અને શરીરના ભાગમાંથી પ્રવાહી વપરાયા પછી શરીર સંકોચાઈને હલકું થઇ કોશેટાના કુદરતી રીતે મોટા થયેલા છિદ્રમાંથી બહાર આવે ત્યાર પછી જ એ હલકા થયેલ શરીર અને મોટી થયેલ પાંખો વડે પોતાને સમતોલ રાખીને એની સુંદર રંગબેરંગી પાંખો વડે એની મેળે મુક્ત વાતાવણમાં એક જગ્યાથી બીજી જગ્યાએ ઉડી શકે ,એ પહેલાં કદાપી નહિ.

    એક ઈયળમાંથી સુંદર પતંગિયાનું સર્જન કરવાની કુદરતની અજબ પ્રક્રિયા એક માણસના મૂર્ખતાભર્યા બિનજરૂરી હસ્તક્ષેપથી ખોરવાઈ ગઈ જેનું ભોગ બન્યું બિચારું નિર્દોષ પતંગિયું !

    માણસને પણ આ પ્રસંગ કથામાંના પતંગિયાની માફક એક માણસ તરીકે પુરેપુરી રીતે પાકટ અને લાયક થવા માટે સંઘર્ષ કરવો જરૂરી બને છે.સંઘર્ષ કર્યા સિવાય અને મુશ્કેલીઓનો સામનો કર્યા સિવાય શોર્ટ કટ લઈને જીન્દગીમાં આગળ વધવાની આશા રાખીએ તો એવી સરળતાથી મળેલ સસ્તી જિંદગી એની પાકટતા ઘુમાવે છે અને એટલા પુરતો એનો વિકાસ પાંગળો બનાવે છે.

    સંઘર્ષ પછી જે સફળતા મળે છે એના જેવી મજા શોર્ટકટ જિંદગીમાં ક્યાંથી મળે! જીવનનાં સ્વપ્નોને આંબી જવા માટે જરૂરી સંઘર્ષ અને પુરુષાર્થ જ માણસની પાંખોને જોઈએ એવી મજબુતી બક્ષે છે, જેના સહારે એ જગતના મુક્ત વાતાવરણમાં મુશીબતોના તોફાનો વચ્ચે પણ ઉડ્ડયન કરીને પોતાના જીવનનાં લક્ષ્યાંકોને સિદ્ધ કરી શકે છે.

    એક કોશેટામાંથી કુદરતની અજબોગજબ કરામતથી સર્જન પામતા પતંગિયાનો આ જીવન સંદેશ આપણે સૌએ ગાંઠે બાંધવા જેવો નથી શું ?

    વિનોદ પટેલ. સાન ડિયેગો, કેલીફોર્નીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *