અમદાવાદ જિલ્લો

સાભાર - ગુજરાતી લેક્સિકોન

આ લોગો પર ક્લિક કરો

   અમદાવાદ જિલ્લો અમદાવાદ, બાવળા, દેત્રોજ, ધંધુકા, ધોલેરા, ધોળકા, માંડલ,  સાણંદ અને વિરમગામ – એમ કુલ 9 તાલુકાનો બનેલ છે. અમદાવાદ જિલ્લામાં 488 જેટલાં ગામડાં આવેલાં છે. અમદાવાદ જિલ્લાનો કુલ વિસ્તાર 7,170 ચો. કિ.મી. છે. જ્યારે અંદાજીત વસ્તી 71 લાખથી વધુ છે. 85%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.

અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક અમદાવાદ છે અને તે ભારતના માન્ચેસ્ટરના નામથી પ્રખ્યાત છે. આર્થિક વિકાસની સાથે સાથે આગળ વધતાં અમદાવાદ શહેરને તાજેતરમાં જ ‘મેગા સિટી’નું બિરુદ આપવામાં આવેલ છે. અમદાવાદ શહેર તેમાં આવેલી પોળોને કારણે પણ જાણીતું છે. અમદાવાદમાં આવેલ ગાંધી આશ્રમ એટલે કે સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધીએ નિવાસ કર્યો હતો. અમદાવાદમાં આવેલ સીદી સૈયદની જાળી, જુમા મસ્જિદ, ઝૂલતા મિનારા, હઠીસિંહનાં(હઠીસિંગ) દેરાં, અડાલજની વાવ, સરખેજનો રોજો, કાંકરિયા તળાવ જેવાં શિલ્પસ્થાપત્યની કોતરણીવાળાં અને ઐતિહાસિક સ્મારકના સ્થાનો અચૂકથી એક વાર જોવા જેવાં છે. અમદાવાદથી 70-75 કિ.મી.ના અંતરે આવેલું નળસરોવર ત્યાં આવતાં યાયાવર પંખીઓને કારણે જાણીતું છે. હરપ્પન સંસ્કૃતિના અવશેષો ધરાવતું લોથલ અમદાવાદ જિલ્લાનું એક ખૂબ જ જાણીતું સ્થળ છે. મહાભારતના સમયમાં વિરાટનગર તરીકે જાણીતું આજનું ધોળકા તેની જામફળ અને દાડમની વાડીઓ માટે જાણીતું છે. સાત નદીઓના સંગમસ્થાન વૌઠામાં કાર્તિકી પૂનમે મોટો મેળો ભરાય છે. આ જિલ્લો મુખ્યત્વે કપાસ અને ભાલિયા ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે.

અમદાવાદ શહેરનો વિગતે ઈતિહાસ અહીં .


નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.

-- -- --
સીદી સૈયદની જાળી, લાલ દરવાજા, અમદાવાદ
હઠીસિંગનાં દહેરાં, અમદાવાદ
કાંકરિયા તળાવ, અમદાવાદ
નળ સરોવર
પુરાતત્વ અવશેષો , લોથલ
ગાંધી આશ્રમ, સાબરમતી, અમદાવાદ

3 thoughts on “અમદાવાદ જિલ્લો”

  1. ખૂબ જ ઉપયોગી
    હું અમદાવાદનો રિક્ષાવાળો – અવિનાશ વ્યાસ
    હે….હે…. અલ્યા…. હે બાજુ બાજુ…. એ ભઈલા…

    હું અમદાવાદનો રિક્ષાવાળો
    નવસો નવ્વાણું નંબરવાળો
    અમદાવાદ….. અમદાવાદ બતાવું ચાલો…. એવી રિક્ષા હાંકું હેરત પામે ઉપરવાળો,
    …………………. અમદાવાદ બતાવું ચાલો…..
    …………………. હું અમદાવાદનો રિક્ષાવાળો….

    રીચી રોડના અડ્ડા જેવી હોટલ એક વખણાય,
    જ્યાં ગરમ ફાફડા ગરમ જલેબી નાનાં-મોટાં ખાય….
    અહીં દાળમાં પડતો કેવો ઉમદા ગરમ મસાલો,
    …………………. અમદાવાદ બતાવું ચાલો…..
    …………………. હું અમદાવાદનો રિક્ષાવાળો….

    ભદ્ર મહીં બિરાજે રુડાં માતા ભદ્રકાળી,
    ભીડ જામે ત્યાં ભક્તજનોની સૌનાં દુઃખ દે ટાળી,
    જ્યાં મંદિર હોય ત્યાં જરૂર હોય કોઈ બૂટ ચોરવાવાળો,
    …………………. અમદાવાદ બતાવું ચાલો…..
    …………………. હું અમદાવાદનો રિક્ષાવાળો….

    રાત પડે ત્યારે માણેકચોકની અંદર જ્યાફત ઊડે,
    અરે પાણીપુરી ને કુલ્ફી ભજિયાં, શેઠ-મજૂર સૌ ઝૂડે.
    દિવસે અહીં સોની બેસે ને રાતે ગોટાવાળો.
    …………………. અમદાવાદ બતાવું ચાલો…..
    …………………. હું અમદાવાદનો રિક્ષાવાળો….

    લૉ-ગાર્ડન કે લવ-ગાર્ડન એ હજુ એ ના સમજાય,
    પણ સાંજ પડે ત્યાં છોરા-છોરી ફરવા બહાને જાય.
    લૉ ને લવની અંદર થોડો થઈ ગયો ગોટાળો.
    …………………. અમદાવાદ બતાવું ચાલો…..
    …………………. હું અમદાવાદનો રિક્ષાવાળો….

    એક વાણિયે સાબરના પાણીની કિંમત જાણી
    દાંડી કૂચથી આઝાદીની લડત અહીં મંડાણી
    પણ સાચો અમદાવાદી કોઈને કદી ન ઝૂકવાવાળો
    …………………. અમદાવાદ બતાવું ચાલો…..
    …………………. હું અમદાવાદનો રિક્ષાવાળો….

    કોઈ રિસાયેલાં પ્રેમી-પંખીડાં રિક્ષા કરતાં ભાડે,
    એકબીજાથી રુસણું લઈને મીઠો ઝઘડો માણે,
    પણ એક બ્રેકના ફટકે…. કેવો કરીએ મેળ રૂપાળો,
    …………………. અમદાવાદ બતાવું ચાલો…..
    …………………. હું અમદાવાદનો રિક્ષાવાળો….
    અમદાવાદ….અમદાવાદ…..અમદાવાદ…..અમદાવાદ

  2. Topulation of the district at 71 lakhs is aabsurdly low. AHMEDABAD IT SELF AS A mEGA cITY WOULD BE HAVING A POPULATION over a 100 lakhs. Pls correct

  3. આત્મીય
    સુરેશભાઈ
    નમસ્કાર
    ખરેખર આ વિભાગ સૌ કોઈ માટે ખૂબ જ ઉપયોગી થશે.
    રાજીપો વ્યક્ત કરું છું.
    અનુકૂળતાએ હું આપને સુરેન્દ્રનગર જિલ્લા વિશે માહિતી મોકલી આપીશ.
    કપિલ સતાણી
    બોટાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *