સરદારની ખુમારી

 -પી. કે. દાવડા

     લોકોપયોગી કામો માટે સરદાર વલ્લભભાઇ નાણાં ઉઘરાવતા ત્યારે પ્રજા ઉદાર હાથે એમની થેલી છલકાવી દેતી. તેમાં અંગત રીતે સરદારનો ભાવ, પ્રામાણિકતા અને પ્રતિષ્ઠા કામ કરતી હતી. તેઓ મૂડીવાદીઓને શરણે ગયા નહોતા કે એમના અહેસાન નીચે કદી આવ્યા નહોતા. અંગત સંબંધ રાખવા છતાં એમની શેહશરમમાં કદી ખેંચાયા નહોતા.

     ૧૯૩૫માં પ્રાંતિક ધારાસભાઓની ચૂંટણી વખતે રાજેન્દ્ર પ્રસાદે સરદારને ફરિયાદ કરી કે ચૂંટણી ફંડ માટે જે.આર.ડી.તાતા કેટલીક સોદાબાજી કરવા માગે છે. સરદારે તાતાને મળવા બોલાવ્યા. તાતાએ માગણી કરી કે, ઉમેદવારો નક્કી કરવાની સમિતિમાં મારો એક માણસ મૂકો તો નાણાં આપું. સરદારે એનો ઇનકાર કર્યો અને પૂછ્યું, “તમે તમારી કંપનીમાં અમારા કોઇ માણસને મેનેજમેન્ટ કમિટીમાં મૂકશો ખરા ?” તાતા એ સાંભળી, સહી કરેલો કોરો ચેક સરદારના હાથમાં મૂકી સસ્મિત વદને વિદાય થઇ ગયા.

     એકવાર દાલમિયા શેઠના સેક્રેટરી ધર્મદેવ સરદારના સેક્રેટરી શાંતિલાલ હ. શાહને મળવા આવ્ય. તેમણે કહ્યું કે “દાલમિયા શેઠ ચૂંટણી ફંડ માટે બે લાખ રૂપિયા આપવા માગે છે. સરદાર એ સ્વીકારશે ખરા?” શાંતિભાઇએ સરદારને પૂછ્યું. સરદારે જવાબા આપ્યો “લઇશું.” બીજે દિવસે ધર્મદેવ ફરી આવ્યા અને શાંતિભાઇને કહ્યું કે દાલમિયા શેઠ ઇચ્છે છે કે સરદાર સાહેબ તેમને ત્યાં ચા પીવા આવે અને એ સમયે તેઓ આ રકમ તેમને સુપરત કરશે.

    શાંતિભાઇએ આ સંદેશો કહ્યો તેવા જ સરદાર તાડૂકી ઊઠ્યા:”જુઓ, શાંતિલાલ, એમને સ્પષ્ટ જણાવો કે ચેક મોકલવો હોય તો મોકલે, નહીં તો એમની મરજી. આ કામ માટે હું એમના ઘેર નહીં આવું.” શાંતિલાલે એ સંદેશો ધર્મદેવને આપ્યો અને સરદારનો સંદેશો સાંભળી દાલમિયા શેઠે બે લાખમાં પચીસ હજાર ઉમેરીને સવા બે લાખનો ચેક તરત જ સરદારને મોકલી આપ્યો. આ હતી સરદારની ખુમારી અને રાજકીય સૂઝ. એ સાથે હૃદયની ઋજુતા.  પણ જુઓ, પંદર દિવસ પછી સરદાર સામેથી કહેવરાવીને દાલમિયાને ત્યાં ચા પીવા ગયા.

     શેઠ વાલચંદ હીરાચંદ સરદારના મિત્ર હતા. ધંધાકીય અને સામાજિક બાબતોમાં સરદારની સલાહ પણ લેતા.૧૯૩૪માં મહારાષ્ટ્રની ધારાસભાની ચૂંટણી હતી. સરદારે એક બેઠક માટે વી.એન. ગાડગીલ ઉપર પસંદગી ઉતારેલી. વાલચંદ શેઠને આ બેઠક ઉપર ઊભા રહેવું હતું. ગાડગીલ સરદારના વિશ્વાસુ સાથીદાર હતા. વાલચંદ શેઠને ધનિક વર્ગનો ટેકો હતો. આથી ઉદ્યોગપતિઓ વાલચંદ શેઠની વકીલાત કરવા સરદારને મળવા આવ્યા અને રજૂઆત કરે કે આ બેઠક જો વાલચંદ શેઠને અપાય તો ચૂંટણી ભંડોળમાં અમુક લાખ રૂપિયા આપવામાં આવશે. સરદારે સ્પશ્ટ શબ્દોમાં એ સોદાબાજીનો ઇનકાર કર્યો. એટલું જ નહીં, જો વાલચંદ શેઠ એ બેઠક પર અન્ય પક્ષ તરફથી અથવા અપક્ષ ઊભા રહેશે તો પણ પરાજિત થશે એવી ચેતવણી પણ ઉચ્ચારી અને ખરેખર એમ જ થયું. વાલચંદ શેઠ પરાજિત થયા. સરદારે બતાવી આપ્યું કે નાણાંના જોરે રાજકીય સોદાબાજીને એમના જીવનમાં સ્થાન નથી.

 (મહેન્દ્ર મેઘાણીના પુસ્તક 'આઝાદીકી મશાલ'માંથી સંકલિત)

One thought on “સરદારની ખુમારી”

 1. સરદારે બતાવી આપ્યું કે નાણાંના જોરે રાજકીય સોદાબાજીને એમના જીવનમાં સ્થાન નથી.
  .
  .
  .
  .
  .
  ખુમારીને સાદર વંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.