કહેવત કથા – ૩

લાલો લાભ વગર ન લોટે

     જુના જમાનાની આ વાત છે. એક ગામમાં એક ડોશીમા અને તેનો દીકરો રહે. દીકરાને ડોશીમા લાડમાં લાલો કહે.  એક દિવસ લાલાને લાડવા ખાવાનું મન થયું એટલે તેણે પોતાની ઈચ્છા માને કહી. લાડવા બનાવવા ઘીની જરૂર પડે જે પેટે પાટા બાંધીને સંસાર ચલાવતી માને પોસાય તેમ ન હતું. તેમ છતાં દીકરાનું મન રાખવા દસ પૈસાનો સિક્કો આપી (ત્યારના જમાનામાં ઘી સસ્તુ હતું) ઘી લેવા મોકલ્યો.

     

    ઘી લઈને પાછા ફરતા લાલાએ રસ્તામાં એક રૂપિયાનો સિક્કો જોયો. લાલો આની કિંમત સમજતો હતો પણ જો તે એકદમ નીચો વળી તે ઉઠાવે તો પકડાઈ જાય. એટલે તેણે લપસી જવાનો ઢોંગ કર્યો અને તે સિક્કા પર ઘી ઢોળ્યું. ત્યાર પછી ઘી લોટામાં ભરવાને બહાને સાથે સાથે તે સિક્કો પણ ઉઠાવી લીધો.

     

       ઘરે ગયા પછી માએ જ્યારે ગંદુ ઘી જોયું ત્યારે લાલાનો ઉધડો લીધો કારણ તે હવે કોઈ કામનું ન હતું એટલે દસ પૈસા પણ વેડફાઈ ગયા. ત્યારે હસતા હસતા લાલાએ લોટો ખાલી કર્યો અને પેલો સિક્કો દેખાડ્યો અને કહ્યું કે, "લાલો લાભ વગર ન લોટે." માને સમજ ન પડી એટલે પૂછ્યું કે તું શું કહેવા માંગે છે? લાલાએ વિસ્તારથી હકીકત કહી એટલે મા પણ ખુશ થઇ ગઈ.

    આ જ વાત થોડી જુદી રીતે પણ કહેવાય છે કે જ્યારે લાલો લપસી ગયો ત્યારે તેના એક પાડોશીએ આ વાત લાલાની માને કહી. મા સમજી ગઈ કે જરૂર કોઈ કારણ હશે જેથી લાલો લપસ્યો. એટલે માએ પાડોશીને કહ્યું કે, "લાલો લાભ વગર ન લોટે."

  -  નિરંજન મહેતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *