વિનોબા અને શિક્ષણ વ્યવસ્થા

     એક વખત વિનોબાજીને એક વિદ્યાર્થીએ પૂછ્યું,

    ‘શું ભૂદાન આંદોલનમાં જોડાવા માટે અમારે કૉલેજ છોડી દેવી જોઈએ ?’ વિનોબાજીએ જવાબ આપ્યો, ‘ભૂદાનમાં ન જોડાવું હોય તો પણ કૉલેજ છોડવી જોઈએ..’

     દુનિયામાં ઘણા લોકોના આખેઆખા જીવન કોઈ જ અર્થ વગર ગુજરી જાય છે. યુવાની પૈસા કમાવામાં અને પછીનું જીવન એ પૈસાને સાચવવામાં પૂરું થઈ જાય છે. પહેલાં ભણો પછી નોકરી કરી પૈસા ભેગા કરો પછી લગ્ન અને રિટાયર્ડ લાઈફ. હું માનું છું કે આ બધું જ મોટાભાગના લોકો માટે જરૂરી છે, પણ કદાચ અમુક લોકો માટે નહી. હું આ ચક્કરમાં બંધાતાં પહેલાં મારા પ્રશ્નોના ઉકેલ શોધવા માંગુ છું. મારા જીવનનો અર્થ શોધવા માગું છું. હું કયા કામ માટે આ દુનિયામાં આવ્યો છું તે જાણવા માગું છું. મારી આત્માના પોકારને સાંભળી તેને અનુસરવાની હિંમત બતાવવા માંગુ છું. તો જ તો હું ખરો યુવાન.

     મારા મનમાં સદાય પ્રશ્નો થાય, ‘આ માણસ, કે હવે તેને દરેકના વિકલ્પો શોધવા પડયા ? ન્યાય તંત્રના વિકલ્પો, રાજનીતિના વિકલ્પો, જીવનપદ્ધતિના, શિક્ષણપદ્ધતિના વિકલ્પો, શુદ્ધ હવાના વિકલ્પો…’જયારે તે આ વિકાસની દોડમાં ભાગતો હતો ત્યારે તેને આ બધાંનું કશું જ ભાન ન રહ્યું ?

      કોઈક જગ્યાએ આત્મહત્યાઓ થાય છે; કોઈક જગ્યાએ આતંકવાદી હુમલા, ક્યાંક ભૂખમરો છે તો ક્યાંક નિરક્ષરતા… આ બધી જ સમસ્યાઓ આપણી સમાજવ્યવસ્થાનું સાચું ચિત્ર આપણી સામે ખડું કરે છે. આ બધું જ, આપણે જ બનાવેલી સિસ્ટમમાં થાય છે. હા, આપણે બનાવેલી – કારણ આપણે તો લોકશાહીમાં જીવીએ છીએ અને આપણી પાસે તો હ્યુમન રાઇટ્સ છે ને !

     ઉપરની દરેક સમસ્યાને લોકો પોતપોતાની રીતે ઉપર ઉપરથી હલ કરવાનો પ્રયત્ન કરે છે. પણ મારા મતે સમસ્યાનો ઉકેલ મૂળિયાંમાં છે. મૂળિયાં એટલે સમાજ વ્યવસ્થા – જે માણસ ઘડે છે. અને માણસ ઘડાય છે ‘શિક્ષણ દ્વારા’, ‘કેળવણી’ દ્વારા. કેળવણી જ માણસને બદલી શકે, તેનું હૃદય પરિવર્તન કરી શકે અને વિશ્વશાંતિનો સંદેશ ફેલાવી શકે.

     ભારતમાં ગાંધીજી, રવીન્દ્રનાથ ટાગોર, સ્વામી વિવેકાનંદ, જ્યોતિબા ફૂલે, વગેરે મહાનુભાવોએ કેળવણીનું દર્શન આપ્યું છે. જે માનવજાતને વિશ્વશાંતિ તરફ લઈ જવા સક્ષમ છે.

      ગુજરાતમાં લોકભારતી અને દક્ષિણામૂર્તિ જેવી સંસ્થાઓ તથા શિક્ષણના ભેખધારી હજારો કેળવણીકરો છેવાડાના માનવી સુધી પહોંચી એક નવી સમાજ વ્યવસ્થાના પાયા નાખી રહ્યા છે…

      ચાલો આપણે તેમના જીવનસંગીતને જાણીએ… અને તેમાંથી પ્રેરણા લઈએ…


વિનોબાજી કહેતા કે, 'આઝાદી પછી તરત આપણે શિક્ષણવ્યવસ્થા બદલવામાં ચૂકી ગયા.'

  -     જુગલકિશોર વ્યાસ

લોક ભારતી વેબ સાઈટ અહીં ...


વિચારકણિકા -

      મને લાગે છે કે આપણે એવાં જ પુસ્તકો વાંચવાં જોઈએ જે આપણને ઘાયલ કરે,  આરપાર વીંધી નાખે. આપણે વાંચતાં હોઈએ તે પુસ્તક મસ્તક ઉપર ધડ દઈને ફટકો મારી આપણને જાગ્રત કરી દેતું ન હોય, તો પછી આપણે તે વાંચીએ જ છીએ શીદને, ભલા ? આપણને તો એવાં પુસ્તકોની જરુર છે, જે કોઈ મોટી હોનારત જેવી  અસર આપણી ઉપર કરે, ઉંડી વેદનામાં આપણને ડુબાડી દે, જેને આપણી જાત કરતાં વધારે ચાહ્યું હતું તેવા કોઈ પ્રીયજનના મૃત્યુની જેમ માનવી માત્રથી દુર દુરનાં

    જંગલોમાં આપણને દેશનિકાલ કરી દે; પુસ્તક તો આપણી અંદર થીજી ગયેલા  હીમસાગરને કાપનાર કુહાડો હોવું જોઈએ.” 

મુળ લેખક : ફ્રાંઝ કાફ્કા. અનુ.: મહેન્દ્ર મેઘાણી

2 thoughts on “વિનોબા અને શિક્ષણ વ્યવસ્થા”

  1. કોલેજ કે શાળા છોડવાની વાત કે, લોક ભારતી જેવી સન્નિષ્ઠ સંસ્થામાં તાલીમ લેવાની વાત કદાચ બહુ જન સમાજ માટે શક્ય ન હોય, પણ સામ્પ્રત શિક્ષણ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તનની જરૂર તો ચોક્કસ છે જ. એ માટે ભાગ્યે જ બે મત હશે
    ઈ-વિદ્યાલય એ માટે વિચાર વલોણું – એક સ્વાયત્ત , બિન સરકારી પ્લેટ ફોર્મ બની રહે – એ અમારું સપનું છે. આશા રાખીએ કે, આવા વિચારોના સહારે અને પ્રતાપે એ સપનું આકાર લે.
    અસ્તુ ।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *