પહેલું શું – દૂરબીન કે આંખ?

     મારી સાથે અમરશી કરીને એક છોકરો ભણે. વર્ગમાં તેને કાંઈ આવડે નહીં. તેને અમે સૌ ઠોઠડો કહીએ. તે વખતે એવો રિવાજ હતો કે શિક્ષક કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન પૂછે. તેને તે ન આવડે તો તે પછીના જેને આવડે તે પહેલા વિદ્યાર્થીને ધોલ મારીને આગળ જાય. આ ભુંડા રિવાજ પ્રમાણે મેં પણ ઘણીવાર અમરશીને ધોલો મારી હતી. તે પણ પોતાને સાચે જ ઠોઠ સમજીને ધોલ સહી લેતો.  ખેડૂતનો છોકરો ને ભણવામાં ઠોઠ એટલે પાંચમા ધોરણથી જ તે ઊઠી ગયેલો.

      ઘણાં વર્ષો પછી હું મારે ગામ ગયેલો. ગામને મન તો હું એ ગાળામાં ઘણો આગળ નીકળી ગયેલો. એક સાંજે અમરશી મારી પાસે આવીને કહે, ‘મારે ત્યાં સાંજે જમવા આવશો ?’

      સાંજે જમવા ગયો. વાળુ કરતાં કરતાં તેણે કહ્યું,  ” ભગવાનની મારા પર મહેર છે. ભાઈએ  ભાગ પાડ્યા ત્યારે મારે ભાગે વીસ વીઘાં જમીન ને એક બળદ આવેલ. પહેલાં તો ગાડું ચલાવતાં મુશ્કેલી પડી; પણ ધીમે ધીમે મહેનત અને કરકસર કરી નવી જમીન લીધી, કુવો બંધાવ્યો; ઘર પણ બે સાલ પહેલાં ચણાવ્યું. આજ મારી પાસે પચાસ વીઘા જમીન છે,અને બે જોડી બળદ.”

      બહુ સ્વાભાવિકતાથી, કશીયે બડાશ વિના એક નરવા આત્મસંતોષથી અમરશી આ વાત કરતો હતો અને મારા અંતરમાં ચણચણાટી થતી હતી.’ આ અમરશીને અમે ઠોઠ કહેતા હતા ? નાઈલ નદીના મુખ આગળ કયું શહેર આવ્યું કે દરિયાઈ પવનો ક્યાંથી છૂટે છે અને ક્યારે છૂટે છે એ નહીં જાણવા માટે આને તમાચા મારતા હતા ? નાઈલ નદીનું મૂળ કે મુખ નહીં જાણવાથી તેનો ઘરસંસાર કઈ જગ્યાએ અટકી પડ્યો? ને ધારો કે મને જ એક બળદ ને વીસ વીઘાં જમીન મળ્યાં હોત તો હું તેમાંથી મારું ગુજરાન કાઢી,આ વાડી, આ ઘર વગેરે બાંધી શકત ખરો ? હું તો ભુખે મરી ગયો હોત—દુખી દુખી તો જરુર થાત. કોની પ્રાણશક્તિ ચડિયાતી ? મારી કે અમરશીની ? સમાજને મારા જેવાની વધુ જરુર કે અમરશી જેવાની ?

     તો પછી હોંશિયાર અને ઠોઠનો આપણો ગજ કઈ રીતે યોગ્ય ગણાય ? કહે છે કે, ઈન્ગ્લેન્ડમાં સાંજના ભોજન સમારંભમાં કોઈ કાળાં કોટ-પાટલૂન પહેરીને ન જાય તો બહુ અસંસ્કારી કહેવાય ને જોનારના નાકનાં ટેરવાં ચડી જાય. સંસ્કારિતાનો તેમનો ગજ કાળાં કોટ-પાટલૂન પર રચાયેલો છે, પણ વસ્તુત: સંસ્કારિતા, માણસાઈ કે પ્રાણશક્તિને કાળાં કોટ- પાટલૂન સાથે કશો સંબંધ નથી.

       જીવનના નિભાવ, વૃદ્ધિ અને સત્ત્વસંશુદ્ધિ માટે કઈ કઈ વસ્તુઓની વધારે જરુર છે, તેની આપણને સાફ સમજણ નથી. આથી આપણે ઘણી વાર નાનાને મોટું અને મોટાને નાનું સ્વરૂપ આપીએ છીએ. વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય તેથી તે જીવતરમાં નાપાસ થતો નથી - તે વાત ક્યારે સમજશું ?

      વસ્તુત: વિષયો તે સાધન છે. પણ સાધનનું મહત્ત્વ તેના વાપરનાર પર આધારિત છે. બહારવટીયાનો સામનો કરવા બંદુક લીધી હોય પણ બહારવટિયા આવીને હાકલ કરે ત્યારે છાતી બેસી જાય, ને બંદૂક કાંઈ ખપ ન લાગે.

   

      દૂરબીન ઘણું સારું સાધન છે પણ જેને આંખ જ ન હોય કે આંખે ઝામર હોય, ફુલું હોય તેને ગમે તેવું કિમતી  દૂરબીન ભેટ આપીએ તેથી શો ફાયદો થાય ? તેના પ્રત્યેનો આપણો પ્રેમ તો તેનો ઝામર પહેલાં ઊતરાવીને જ બતાવી શકીએ.

     

     પણ જ્યાં સુધી આપણે આંખને બદલે દૂરબીનને  જ અગત્યનું ગણ્યા કરીએ, ત્યાં સુધી આપણને સાચો રસ્તો કેમ સૂઝે ? સાધનની નિંદા નથી કરતો, પણ વાપરનાર કરતાં તે ગૌણ છે તેટલું જ કહેવા માગું છું.

   વિષયશિક્ષણે આજે વિદ્યાર્થીને હડસેલી દીધો છે. એટલું જ નહીં, વિદ્યાર્થી, તેનાં માબાપ, શિક્ષણનું જગત, સૌ પર તેણે સવારી કરી છે. ‘ Things are in the saddle.’ વસ્તુ સવાર થઈ છે, માણસ નહીં.  

 

 -    મનુભાઈ પંચોળી ‘દર્શક’

    “સર્વોદય અને શિક્ષણ” માંથી.  સૌજન્ય : કોડિયું  ફેબ્રુ. ‘ 07.

  - સાભાર -  જુગલકિશોર વ્યાસ

     લોક ભારતી વિશે અહીં ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *