મુંબઈનો વિકાસ

     મુંબઈની આધારભૂત માહિતી ૧૫૩૫ અને ત્યાર બાદની મળે છે. એક વાયકા પ્રમાણે મુંબઈના મૂળ રહેવાસી માછીમાર વારલી જાતીના લોકોની દેવી મુંબાદેવી ઉપરથી આ ટાપુઓના બનેલા શહેરનું નામ મુંબઈ પડ્યું. બોમ્બે નામ પોર્ચ્યુગીઝ લોકોએ પાડેલું, કારણ કે “બોમ બાહિયા”નો અર્થ સુંદર અખાત થાય છે.

     છેક ૧૭૫૦ સુધી પણ અંગ્રેજ અધિકારીઓ મુંબઈ આવવા ઈચ્છતા ન હતા. ૧૭૭૭માં સુરતની વસ્તી ચાર લાખની હતી ત્યારે મુંબઈની વસ્તી એક લાખની માંડ હતી. મુંબઈમાં ૧૦૦ ઈંચ જેટલો વરસાદ, અને સમુદ્રની ભેજવાળી હવાને લીધે મેલેરિયા, કમળો વગેરે રોગોનું પ્રમાણ વધારે હતું. સાત ટાપુઓ વચ્ચે માત્ર હોડી દ્વારા જ આવવું જવું શક્ય હતું.

     છેક અઢારમી સદીના અંતમાં વહાણો બાંધવામાં નિષ્ણાત પારસી લવજી નસરવાનજી વાડિયા સુરત શહેર છોડી મુંબઈ આવ્યા, તેથી વહાણવટાના ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું. ત્યાર બાદ ઘણાં પારસીઓ અને અન્ય ગુજરાતીઓ સુરતથી મુંબઈ આવ્યા. ગુજરાતમાં પાકતો કપાસ, મુંબઈ બંદરેથી ચીન અને અન્ય દેશોમાં જવા લાગ્યો, એટલે મુંબઈ વ્યાપારનું મથક બન્યું.

     ઈંગ્લેન્ડથી આવતા વહાણોને આફ્રિકાના દક્ષિણ છેડેથી ફરીને આવવું પડતું હોવાથી બહુ સમય લાગતો, પણ એ જ અરસામાં સુએઝ નહેર ખુલી ગઈ અને રસ્તો ઘણો ટુંકો થઈ જવાથી પણ મુંબઈનો વ્યાપાર ખૂબ જ વધી ગયો. ધીરે ધીરે મુંબઈની વસ્તી વધવા લાગી. લોકોની જીવન જરૂરિયાતોની વસ્તુઓ અનુસાર વ્યાપારના મથકો ખુલવા લાગ્યા. ભાંગ વેચતી દુકાનોવાળા વિસ્તારને ભાંગવાડી, શાકભાજી વેચતા વિસ્તારને ભાજીપાલા સ્ટ્રીટ, ચંદન વેચતા વિસ્તારને ચંદનવાડી, રૂના વેપાર કરતા વિસ્તારને કોટનગ્રીન વગેરે નામો આપવામાં આવ્યા.

      એ સમયે મુંબઈમાં તળાવો ઘણાં હતા. ૧૭૮૦ ની આસપાસ ૨૯૦ તળાવ હતા.  ધોબીઓને  કપડા ધોવા માટે અલગ તળાવ હતું એને ધોબીતળાવ નામ અપાયલું. પીવાના પાણી માટે કૂવા હતા.

      આજે મુંબઈના અલગ અલગ સાત ટાપુઓ વચ્ચેની છીછરી ખાડી પૂરી દઈ, મુંબઈને એક વિશાળ ભૂખંડ બનાવી દેવાયો છે. મુંબઈના લગભગ બધા જ તળાવ અને કૂવા પૂરી દેવામાં આવ્યા છે. મુંબઈના લોકો માટે પીવાનું પાણી ૧૦૦ કીલોમીટર દૂરના તળાવોમાંથી પાઈલ લાઈનો વાટે લાવવામાં આવે છે. આજે મુંબઈની વસ્તીનો આંકડો બે કરોડને આંબવા આવ્યો છે.

 -પી. કે. દાવડા

નોંધ - નીચેનાં કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.

   

-- --

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.