નોટ રિટાયર્ડ ૭૭

←  મુખ્ય વિભાગોમાં જવા અને ઝટપટ ટચૂકડા આકર્ષણો
      માણવા આ બારી પર ક્લિકો!

સાભાર - શ્રી. હર્ષદ કામદાર 

      શિક્ષણ એ આજકાલ એક વ્યવસાય બની ગયો છે અને એક એવો વ્યવસાય કે જેમાં તમે જેટલું રોકાણ કરો તેનાથી વધુ આવક થાય અને ક્યારેય નુકસાન ના થાય. પણ આજના જમાનામાં પણ કેટલાય શિક્ષકો એવા છે કે જેઓ શિક્ષણને એક વિદ્યા તરીકે જ જુએ છે નહીં કે કમર્શિયલ બિઝનેસ તરીકે. આજે આપણે વાત કરીશું આવા જ એક પ્રિન્સિપાલ બ્યુલા ગ્રેબિએલની. 

     બ્યુલા ગ્રેબિએલનો કૉન્ટેક્ટ નંબર શોધવામાં જ જેટલી જહેમત પડી એ જોઈને જ અંદાજો આવી ગયો હતો કે તેમને પ્રસિદ્ધિનો જરાય મોહ નહીં હોય. પણ સેવાભાવી વ્યક્તિની સુવાસ દૂર સુધી પહોંચી જ જાય છે એ જ રીતે હૈદરાબાદથી છેક મુંબઈ સુધી તેમના સત્કાર્યોની ગંધ મારા નાક સુધી પહોંચી જ ગઈ. થૅન્ક્સ ટુ ટૅક્નોલોજી. થોડા ખાંખાખોળા કર્યા બાદ આખરે તેમનો નંબર મળ્યો અને બસ તરત જ મગજે આંગળીને આદેશ આપ્યો કે ‘હૈદરાબાદ મેં મિસિઝ બ્યુલા ગ્રેબિએલ કો ફોન લગાયા જાય...’ અને સામે છેડે મને એક એવી વ્યક્તિ મળી કે તેમની સાથે વાત કર્યા બાદ એક જ સવાલ થયો કે આજના સમયમાં પણ કોઈ આટલું નિ:સ્વાર્થ કઈ રીતે હોઈ શકે???

     ‘હું કોઈ બહુ મોટું કામ નથી કરી રહી, કે લોકોએ એની નોંધ લેવી પડે. પહેલાંથી જ ઍજ્યુકેશન સાથે મારે જૂનો સંબંધ રહ્યો છે અને એ સાડાસાત દાયકા કરતાં વધુ સમય બાદ પણ એટલો જ મજબૂત છે. ભણાવેલાઓને ક્યારેય ભણાવી ના શકાય, તેમના જ્ઞાનમાં માત્ર વધારો જ કરી શકાય.’ શબ્દો છે ૭૭ વર્ષના બ્યુલા ગ્રેબ્રિએલના. 

     બાળપણમાં જ બ્યુલાએ તેની માતા એમિલીને ગ્રામીણ બાળકીઓને ભણાવતી જોઈ હતી, જ્યારે પિતા લ્યૂઈસને કેટલાય લોકોને તેમનો ધંધો જમાવી આપવામાં મદદ કરતાં જોયા હતા એટલે એવું કહી શકાય કે સમાજ સેવા એ તો તેમના ડીએનએમાં જ છે. બાળપણમાં તેમના મગજમાં એક વાત ઘર કરી ગઈ હતી તે એટલે કે દુનિયામાં સૌથી શક્તિશાળી એ શિક્ષણ છે. જો ભણતર હશે તો કોઈ પણ મુસીબતનો સામનો કરવા માટે મનુષ્ય સક્ષમ બને છે.

     ૧૯૯૩નું વર્ષ હૈદારબાદના ગરીબ બસતીના રહેવાસીઓ ક્યારેય નહીં ભૂલે કારણ કે એ જ વર્ષે બ્યુલા ગ્રેબિએલે જોસેફ સેક્ધડરી સ્કૂલની શરૂઆત કરી હતી. સામાન્યપણે જ્યારે આપણે બાળકને શાળામાં એડમિશન અપાવવા જઈએ છીએ ત્યારે હવે બાળકની સાથે સાથે માતા-પિતાનો ઈન્ટરવ્યૂ પણ લેવામાં આવે છે અને સારી હાઈ-ફાઈ સ્કૂલમાં જો બાળકને ભણાવવું હોય તો તેની પહેલી શરત એ હોય છે કે બાળકના માતા-પિતા પણ એકદમ ભણેલા-ગણેલા હોવા જોઈએ. 

      પણ બ્યુલા ગ્રેબિએલ અને તેમના પરિવારે એક અલગ જ કૉન્સેપ્ટ સાથે શાળા શરૂ કરવાનો નિર્ણય લીધો અને એ નિર્ણય એટલે અભણ અને ગરીબ માતા-પિતાના બાળકોને ભણાવવાનો. એવા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બનાવવાનું બીડું ઝડપ્યું કે જેમના માતા-પિતાએ કોઈ દિવસ શાળા જોઈ જ ન હોય. 

      આજે તેમણે શરૂ કરેલી શાળાએ અઢી દાયકાની સફર ખેડી લીધી છે, પણ આ સફર સહેલી નહોતી. ઘણા બધા સંઘર્ષ અને મુશ્કેલી વેઠીને આ શાળા આજે જે મકામ પર છે ત્યાં પહોંચી છે. આ સંઘર્ષ અને મુશ્કેલી વિશે વાત કરતાં બ્યુલા જણાવે છે કે ‘એક સમય એવો પણ આવ્યો કે જ્યારે લાગ્યું કે વર્ષોથી જે સપનાને હું ઉછેરી રહી છું એ બસ તૂટી જ જશે અને તેનું કારણ હતું પૈસાની તંગી. શાળાની ઈમારતની લીઝ ભરવા બૅન્કમાં ફંડ નહોતું અને એવા સમયે મારી પાસે બે જ વિકલ્પ હતા એક તો કે હું મારા અને મારા પરિવારનો વિચાર કરું અને બીજો વિકલ્પ હતો કે પરિવારના ભવિષ્યને દાવ પર લગાવીને હું લોકોના બાળકોના ભવિષ્યનું ઘડતર કરું.’

      ફોન પર બંને છેડે એક શાંતિ પથરાઈ જાય છે... પણ એ શાંતિ બહુ લાંબી ટકતી નથી અને વાતનો દોર આગળ વધારતા બ્યુલા જણાવે છે કે ‘મેં બીજો વિકલ્પ પસંદ કર્યો.

    દીકરાએ ભેટમાં આપેલું મકાન વેચવાનો નિર્ણય લીધો, કારણ કે મકાન તો જીવનમાં બીજી વખત પણ બનાવી લેવાશે કે ખરીદી લેવાશે. જો એક વખત એ ગરીબ બાળકોના ભણતર પર બ્રેક લાગી જાત તો કદાચ તેમની આંખોમાં મેં ચણેલા સપનાઓનાં મહેલ તૂટી પડત...’

     વિચારી તો જુઓ કે કોઈના બાળકો માટે પોતાનું ઘર અને એ પણ એ ઘર કે જે તમને તમારા દીકરાએ ભેટમાં આપ્યું હોય એ ઘર વેંચનારા આ દુનિયામાં કેટલા? કદાચ આંગળીના વેઢે ગણી શકાય એટલા કે એનાથી ય ઓછા? બ્યુલાના શિક્ષાયજ્ઞમાં તેમનો પરિવાર પણ તેમને એટલો જ સહકાર આપે છે. ૨૨૦ બાળકોથી શરૂ થયેલી આ શાળામાં આજે ૩૦૦થી વધુ બાળકો પોતાનું ભવિષ્ય ઉજ્જ્વળ બનાવી રહ્યા છે. તેમની શાળામાં આવનારા મોટાભાગના બાળકોના માતા-પિતા ઘરકામ, ડ્રાઈવર, દાડિયા મજૂર, સિક્યોરિટી ગાર્ડનું કામ કરે છે. 

      શાળાના ફી સ્ટ્રક્ચર ખૂબ જ સામાન્ય છે. અન્ય શાળાની સરખામણીએ અહીંની ફી એકદમ નજીવી છે. અહીં ભણનારા ૫૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓને ફીમાં છૂટ આપવામાં આવે છે, જ્યારે ૧૦થી ૧૫ ટકા બાળકો કે જેઓ ફી ભરવા માટે સક્ષમ ન હોય તેમને મફતમાં ભણાવવામાં આવે છે. 

       બ્યુલા પોતાની શાળાના વિદ્યાર્થીઓની પ્રતિભા વિશે વાત કરતાં જણાવે છે કે ‘અહીં ભણનારા ૬૦ ટકા વિદ્યાર્થીઓ ડૉક્ટર, સૈનિક, એન્જિનિયર અને અધિકારી બનીને દેશની સેવા કરી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ તો આજે વિદેશમાં સારી નોકરી કરી રહ્યા છે. તેમનું બદલાયેલું જીવન જોઉં એ જ મારા માટે સૌથી મોટો એવૉર્ડ છે.’

      ગિરાર્ડ ગ્રેબિએલ (બ્યુલાના પુત્ર) તેમની માતાની આ પ્રવૃત્તિ વિશે વાત કરતાં જણાવે છે કે ‘દરેક બાળકને તેની માતા દુનિયાની બેસ્ટ મૉમ લાગે છે, પણ મારી મૉમ દુનિયાની સૌથી શ્રેષ્ઠ માતા છે જ. તેણે ભલે કોઈના દીકરાઓ મોટા પોતાનું ઘર વેંચ્યું. પણ એ સેંકડો દીકરાઓએ ભણતર મેળવીને તેમના માતા-પિતા માટે મકાન તો બનાવ્યા જ હશે ને?’

      ફ્યુચર પ્લાન્સ વિશે પૂછતાં જ ઉત્સાહથી બ્યુલા કહે છે કે ‘સેવા એ જ મારા જીવનનો ધ્યેય છે. આજે હું ભલે ૭૭ વર્ષની છું. પણ નિવૃત્તિ લેવાની મારી કોઈ જ ઈચ્છા નથી, કારણ કે હજી તો કેટલાય એવા બાળકો છે જેમના માટે મારે હજી ઘણું બધું કરવાનું બાકી છે.’

     ‘તમારા પત્રકારો જેવું સારું સારું અને ભારેભરખમ બોલતા તો નથી આવડતું. પણ પ્રયાસ કરું છું કે લોકોના જીવનમાં શક્ય એટલું પરિવર્તન લાવી શકું...’ સામે લાઈન પર રહેલાં બ્યુલાના અવાજમાંથી ટપકી રહેલી ભારોભાર નમ્રતા કોઈને પણ ગદ્ગદ્ કરી જવા સક્ષમ હતી!

કવર સ્ટોરી-દર્શના વિસરીયા

મુંબઈ સમાચાર  

( અહીં ક્લિક કરો )

આ લોગો પર ક્લિક કરો
ladki-thu-1_163345_1.jpg

2 thoughts on “નોટ રિટાયર્ડ ૭૭”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *