તમારા બાળકને આટલું આવડે છે?

 -    છાયા ઉપાધ્યાય

(શિક્ષિકા, આનંદ કન્યાશાળા, ચિખોદરા, આણંદ)

     અડધી સદીની વાંચનયાત્રા' ભાગ-૧મા મહેન્દ્ર મેઘાણીએ "તમારા બાળકને આટલું આવડે છે?"(૧૫વર્ષના બાળક માટે) શિર્ષક હેઠળ લેખ મૂક્યો છે. યાદ શક્તિને આધારે તેના મુદ્દા જણાવું.

 • પડીકું વાળતાં
 • ફ્યુઝ બાંધતાં
 • ચાદર પાથરતાં /વાળતાં
 • શાક સુધારતાં
 • કપડાંને ગડી કરતાં

      મૂળ વાત એટલી કે "મેં દુઃખ વેઠ્યું તે મારા બાળકને ભાગે નહીં આવવા દઉં" એવી વેવલી માનસિકતા  હેઠળ મા-બાપ બાળકને રોજીંદા જીવનના કામ કરવા દેતા નથી, પડકાર લેવા તો દૂર રહ્યા. કેટલાક તો "તું તારે ભણ એટલે તારે આ કામ ‌કરવાની જરુર નહીં." એમ શિખવે.

      એ બાળક હૉસ્ટેલમાં કે પી.જી . તરીકે કેટલું ગંદુ/અણઘડ રહે છે તે બધાને ખબર હશે. વળી, તેને નાના કામનુ મહત્વ નહીં સમજાય. આવી રીતે ઉછરેલ છોકરો તેની પત્નીને માથે પડશે.  ઢોકળાના ખીરાને દૂધ સમજી ઊકળવા મૂકશે. છોકરી ટામેટા ઉપર બટાકા મૂકાવી જૉક માટે  પ્રેરણા આપતી અણઘડ ગૃહિણી બનશે. ‌જે ઘરમાં આવું વલણ હોય તે ઘરની સ્ત્રીની હાલત કેવી થતી હશે?

      બાળક વિકસી રહ્યું હોય ત્યારે તેનામાં કેટલાક કૌશલ ખીલવા જરૂરી છે. કેટલાક વલણ અને કૌશલ જો અમુક ઉંમરે ના કેળવાય તો "પાકે ઘડે કોઠા ના પાકે" એમ બાળ-વિશેષજ્ઞો પણ કહે છે. એમાંનુ એક કૌશલ તે હાથની કેળવણી. "હૈયું, મસ્તક, હાથ..." એકબીજામાં ગુંથાયેલી છે ત્રણેય કેળવણી. વ્યક્તિ કોઈ પણ કામ કરે, એની કેળવણી એમાં પડઘાય. વ્યક્તિ જેટલી વધુ કેળવાયેલી, તેનું કામ તેટલા પરિમાણ પડઘાવે. લોકો ચૉક્કસ જગ્યાએ ચા પીવા કે ચંપલ સંધાવા કે  ઓપરેશન કરાવવા અમસ્તા નથી જતા.

     છાપાવાળા તો બાળક સફાઈ કરે, પોતાની ડીશ સાફ કરે એનેય બાળમજૂરીમાં ખપાવવા ઉત્સુક છે. તેમને ખબર છે, "બાળકને દુઃખ નહીં" બ્રાન્ડ લોકો આવા સમાચારને વધાવી લેશે -  સ્વચ્છતા અભિયાનના સમયે પણ.  બાળકને મન તો બધું રમત છે, 'કામ' તો આપણે બનાવી આપીએ છીએ.

     નિબંધોમા લખાવાતું "હું મમ્મીને ઘરકામમાં મદદ કરું છું." વાક્ય ખતરનાક છે. ઘરનું કામ કરવું એ 'મદદ' નથી. 'ફરજ' પણ નથી. એ કરવાનું હોય, કારણો આપ્યા વગર. એ જ રીતે આપણા કાર્યક્ષેત્રનું કામ.

      હાથની કેળવણી પામેલ બાળક સમય પ્રમાણે બદલાતા કૌશલ પણ શિખી લેશે આપમેળે. કારીગરો આધુનિક કૌશલ ઝડપથી શીખતા નથી એનુ એક કારણ નાનપણમાં કાચી રહેલ "હૈયુ-મસ્તક-હાથ" કેળવણી પણ ખરું. એ ખોટ એમને બેકાર બનાવે છે.

       વળી, સ્ત્રી-પુરુષ ભિન્નતાનો ય આવા કામમાં છેદ ઊડી જાય છે. નાની ઉંમરથી બધું કામ કરવાની ટેવ પડી હોય ત્યારે ખાસ. જોઈ લેજો આસપાસ.

     વાત પંચરની નથી. કેળવણીની છે.

--

2 thoughts on “તમારા બાળકને આટલું આવડે છે?”

 1. આપની વાત સાથે ૧૦૦% સમ્મ્મત
  અમે ઘરકામ કરતાં. અમને ઘરનાં કામ વહેંચેલાં હતાં. … અમારી વાત

 2. છાયાબહેનની વાત એકદમ સાચી છે. મને એ વાતનું ગૌરવ છે કે, ૧૯૦૦ ની સાલમાં જન્મેલ અમારા બાપુજી આ બાબતમાં સજાગ હતા. અમે પાંચ ભાઈ બહેન અને નીચલા મધ્યમ વર્ગનું કુટુમ્બ એટલે નોકર ચાકર માત્ર ખપ પૂરતા જ રાખી શકે. પણ અમે પાંચે જણ ઘરકામ કરતાં. અમને ઘરનાં કામ વહેંચેલાં હતાં. એ જમાનામાં પણ દીકરા-દીકરીઓ વચ્ચે ભેદભાવ એમણે કદી રાખ્યો ન હતો. બન્ને બહેનોને ટૂંકી આવક છતાં ઉચ્ચ શિક્ષણ અપાવ્યું હતું અને માસ્ટરની ડીગ્રી સુધી બન્ને બહેનોને ભણાવી હતી. આ લેખ અહીં પોસ્ટ કરતાં મને એમના માટે અનહદ માન અને ગૌરવ થાય છે.
  ———————–
  ઈ-વિદ્યાલયનો હેતુ કેવળ શિક્ષણ નહીં પણ કેળવણી છે. જીવનને સમુદ્ધ બનાવવાની દોડ માત્ર નહીં પણ તેને સભર અને અર્થપૂર્ણ શી રીતે બનાવવું એની ભાવિ પેઢીને કેળવણી આપવાનું આપણું ધ્યેય છે. આવા લેખ એ ધ્યેયને સાકાર કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.