ગુરુ અને શિષ્ય

- કુમારપાળ દેસાઈ

ગુરુ અને શિષ્ય ગહન જ્ઞાાનચર્ચામાં ડૂબી ગયા હતા.

     ગુરુ ગ્રંથોનું રહસ્ય સમજાવતા હતા અને શિષ્ય એક ધ્યાને એ જ્ઞાાનામૃતનું પાન કરતો હતો. ગુરુમાં જ્ઞાાન આપવાની વૃત્તિ હતી અને શિષ્યમાં જ્ઞાાન ઝીલવાની તત્પરતા હતી.

 

     સમય વીતતો ગયો, સૂર્યે અસ્તાચલ પરથી વિદાય લીધી. ચોપાસ રાતનું અંધારું પથરાવા લાગ્યું. મધરાત પણ વીતી ગઇ અને ગાઢ અંધકાર ફેલાઇ ગયો.

       જ્ઞાાનચર્ચા પૂર્ણ થતાં શિષ્યએ ગુરુની વિદાય માગી અને કહ્યું, ''ગુરુદેવ, કૃપા કરીને મને એક દીપક આપો, કે જેને કારણે હું આસાનીથી આ  રાતના ઘનઘોર અંધકારમાં એના અજવાળે રાતમાં મારી કુટિર સુધી પહોંચી શકું.''

     ગુરુએ દીપક પ્રગટાવ્યો અને શિષ્યના હાથમાં મૂક્યો. શિષ્યે વિદાય લીધી તો ગુરુ એની પાછળ જાણે એના પડછાયાની  જેમ ચાલવા લાગ્યા.

      શિષ્યને પારાવાર આશ્ચર્ય થયું. શા માટે ગુરુ આ રીતે પોતાની પાછળ-પાછળ આવી રહ્યા છે ? શિષ્ય એની કુટિરથી થોડેક દૂર હતો, ત્યાં જ એની પાછળ ચાલ્યા આવતા ગુરુએ આગળ આવીને જોરથી ફૂંક મારીને દીપક બુઝાવી નાખ્યો.

      શિષ્યને અપાર આશ્ચર્ય થયું. શા  માટે ગુરુએ  આવું કર્યું ?

      એણે પૂછ્યું, ''ગુરુદેવ ! આપે જ દીપક પ્રગટાવીને આપ્યો હતો અને આપે જ એને બૂઝાવી નાખ્યો ?''

      ગુરુએ કહ્યું, ''વત્સ, થોડે સુધી મેં પ્રગટાવેલા દીપકના અજવાળે તું ચાલે, તે બરાબર છે. પણ આગળના માર્ગને પ્રકાશિત કરવા માટે તારે સ્વયં દીપક પ્રગટાવવાનો રહેશે. બીજાએ પ્રગટાવેલી દીપકના અજવાળે આખી જિંદગી ચાલવાનું ન હોય.''

     શિષ્યે પૂછ્યું, ''પોતે જ પોતાનો દીપક પ્રગટાવે તો શું થાય ?''

      ગુરુએ કહ્યું, ''એ દીપક એવો હશે કે જે કોઇ છીનવી શકશે નહીં અને બૂઝાવી પણ શકશે નહીં. પોતાનો દીપક એ જ પોતાના સાધનામાર્ગનું સર્વોત્તમ  પાથેય છે.''

     શિષ્ય ગુરુનાં  વચનનો સંકેત પામી ગયો.

મૂળ સ્ત્રોત
ગુજરાત સમાચાર, ૧૭/૧૦/૨૦૧૮ માં પ્રકાશિત
ઝાકળ બન્યું મોતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.