રોલ નંબર – ૧૦

     ‘યસ સર.’ દસ નંબર બોલી..

      એનું નામ રાધિકા, અલ્લડ પણ એવી જ, નામ પ્રમાણે ગુણ. આટલી નાની ઉંમરમાં એ આટલી ઠરેલ હશે, એ તો હજી મને થોડા દિવસ પહેલા જ ખ્યાલ આવ્યો. ગયા અઠવાડિયે હું વર્ગમાં ગ્રામપંચાયતનો પાઠ ભણાવી રહ્યો હતો ત્યારે એનું ધ્યાન ક્યાંક બીજે જ હતું. હુ ગુસ્સે થયો એટલે સૌથી પહેલા ઊભી કરી એને જ સવાલ પૂછ્યો, ‘ચાલ બોલ જોઉં, ગ્રામપંચાયતની જવાબદારીઓ સમજાવ મને.’

      એ અવાચક મૌન. ન કંઈ બોલે, ન કંઈ ચાલે. મને ખબર હતી, એણે પાઠમાં ધ્યાન જ નહોતું આપ્યું તો ક્યાંથી આવડે ? મેં કહ્યું, ‘કાલે તારે ગ્રામપંચાયતની જવાબદારીઓ પાંચ વાર લખીને પાકી કરી લેવાની.’

       એણે ડોકું ધૂણાવ્યું. પણ મને ભરોસો નહોતો. બીજે દિવસે તો એ આવી જ નહિ. બધાનું લેસન તપાસતો હતો ત્યારે યાદ આવ્યું કે એણે લેસન કર્યું જ ન હોય, એટલે ક્યાંથી આવે? છોકરાંવને પૂછ્યું કે, એને ઘરેથી બોલાવી આવો, પણ છોકરાંવ કહે કે, એ તો એના મમ્મી-પપ્પા સાથે મંદિરના મેળામાં પહોંચી ગઈ છે. હું ધૂંધવાયો, એને મેળામાંથી પકડી લાવવાનો મનસૂબો ઘડી કાઢ્યો.

   રિસેસ પડતાં જ હું નીકળી પડ્યો મંદિર તરફ. ત્યાં જઈ જોયું તો મોટો મેળો ભરાયો હતો. સૂરજ બરાબર માથે તપી રહ્યો હતો. આટલી બધી ભીડમાં એને કેમ શોધવી ? છોકરાઓએ કહેલું કે એના મમ્મી-પપ્પા ત્યા ફૂગ્ગા વેચવા જાય છે, એટલે ફૂગ્ગાઓ શોધતાં મને બહુ વાર ન લાગી. મેં દૂરથી જોયું કે એક જગ્યાએ ઊભા રહી એ લોકો ફૂગ્ગા વેચતા હતા. રાધિકાની મમ્મી ફૂગ્ગામાં હવા ભરી રહી હતી અને એના પપ્પા બાળકોને વેચી રહ્યાં હતા. તેની આસપાસ પણ ભીડ હતી, બન્ને જણા વેપારમાં એટલા વ્યસ્ત હતા કે મારા અવાજનો જવાબ દેવાનો એને સમય નહોતો.

      મેં આસપાસ જોયું તો નજીકમાં જ ખોળામાં પોતાના નાના ભઈલાને સૂવરાવતી રાધિકા બેઠી હતી. આજુબાજુમાં ક્યાંય છાંયો નહોતો એટલે આટલા સખત તડકામાં એ આમ પોતાના ભાઈને ખોળામાં લઈ બેસેલી. ભઈલો જરા જરા વારે તડકાને કારણે રડતો હતો. એટલે રાધિકા પોતાના વાળથી એને છાયો કરી આપતી હતી.

      દૂરથી હું બધુ નિહાળી રહ્યો. ધીરે ધીરે તેના ભઈલા પર તડકો વધી રહ્યો હતો એટલે રાધિકા એને પોતાના હાથથી છાયો આપવા માંડી. પછી પણ એને સંતોષ ન થતા એ પોતાની ફાટેલી ઓઢણીથી એના પર છાયો કર્યો. તો પણ ભઈલો શાંત નહોતો પડતો એટલે એ મુંઝાણી ને એના મા-બાપ તરફ દયામણે ચહેરે જોવા લાગી. એ થાકેલી જણાતી હતી, કદાચ એને પણ ભૂખ લાગી હોય.

   એનાં મા-બાપ તો ફૂગ્ગાના વેપારમાં એટલા વ્યસ્ત હતા કે એ વખતે એ આવી કોઈ વાત પર ધ્યાન આપી શકે એવું મને લાગ્યું નહિ. રાધિકાને પણ એ સમજાયું કે વેપાર પર તો રોજીરોટી છે; એટલે એમને બોલાવવાનું માંડી વાળી તેણે ભઈલાને પોતાના ખોળામાં જ ઊંધો સૂવડાવ્યો અને એને સહેજ પણ તડકો ન લાગે એમ પોતે આખી તેના પર નમીને બેઠી. પછી એટલા વહાલથી એને થપથપાવવા લાગી કે થોડી જ વારમાં શાંત પડીને મારી નજર સામે જ એ સૂઈ ગયો.

      હું એ દૃશ્ય જોઈ ઘણું સમજી ગયો. એટલે એને શાળાએ લઈ જવાનું માંડી વાળી એને આપવા માટે એક વેફરનું પેકેટ લઈને એની પાસે ગયો.

      મને જોઈ એ ઓઝપાઈ, ‘સર.. તમે.. ? મેળામાં ?’

       હું કંઈ બોલી શક્યો નહિ. વેફરનું પેકેટ એના તરફ લંબાવતા કહ્યું, ‘લે, તનેય ભૂખ લાગી હશે, લાવ હું ખોલી આપું.’

        અચાનક એણે ઈશારાથી ના પડતા ધીમા અવાજે કહ્યું, ‘હમણા રહેવા દો સર, પ્લાસ્ટિકના અવાજથી ભઈલુ જાગી જશે તો.., હું પછી ખાઈ લઈશ.’

      મને એની કાળજી પર લાગણી થઈ આવી. હું તેને જોઈ જ રહ્યો. એ બોલી, ‘આજે લેસન થયું નથી સર, કાલે ગ્રામપંચાયતની જવાબદારીઓ લખીને પાકી કરીને લેતી જ આવીશ.’

      મેં કહ્યું, ‘રહેવા દે હવે, તારે એ શીખવાની ક્યાં જરૂર છે ! જવાબદારી કોને કહેવાય એ તો હું તારી પાસેથી શીખીને જાઉં છું !’

      એ કદાચ કંઈ જ સમજી નહોતી કે એણે મને એવું તે શું સમજાવ્યું ! પણ હું વેફરનું પેકેટ એની પાસે મૂકીને ભઈલો જાગી ન જાય એમ ચુપચાપ દબાતા પગલે મારા વર્ગના રાહ જોઈ રહેલા બાળકોને ......

જવાબદારી કોને કહેવાય એ શીખવવા પાછો ફર્યો.

 - અજય ઓઝા

નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.

-- --

2 thoughts on “રોલ નંબર – ૧૦”

  1. બહુ મહત્વની વાત કહી ! પણ એક શંકા થાય છે: શું આજે પણ દેશમાં બાળ મજૂરી ચાલુ છે?

    1. NEW DELHI — Seventy years ago last week, India gained independence. The country has since created one of the world’s largest economies. But despite its wealth, 33 million children from ages 5 to 18 are working — and almost one third of this group are under 15 according to Save the Children India, making India home to one of the highest concentrations of child workers in the world.

      Ref
      https://www.washingtonpost.com/news/wonk/wp/2017/08/21/child-labor-the-inconvenient-truth-behind-indias-growth-story/?utm_term=.a82fa999af93

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *