સારા વ્યક્તિત્વના સાત દુશ્મનો

ડૉ. સંજય કોરિયા

     વ્યક્તિત્વના વિકાસની આડે ઘણી વખત આપણી અમુક ટેવો અને નકારાત્મક સ્વભાવ આવતા હોય છે. જો વ્યક્તિ સાચા દિલથી આ નકારાત્મક ટેવો પર વિચાર કરે અને તેમાંથી મુક્ત થવા પ્રયત્ન કરે તો તે જરૂર પોતાના  વ્યક્તિત્વને નિખારી શકે છે. જો વ્યક્તિ પ્રામાણિકપણે પોતાનું મૂલ્યાંકન કરે અને પોતાની નબળી ટેવોને સ્વીકારવાની તૈયારી રાખે તેમજ તેમાંથી મુક્ત થવા પ્રયત્ન ચાલુ રાખે તો તે ચોક્કસ પોતાના  વ્યક્તિત્વને સુંદર બનાવી શકે છે. માટે આ નકારાત્મક ટેવોને નજીકથી ઓળખો.

ઉતાવળો સ્વભાવ. 

         જો તમે અતિ ઉતાવળા સ્વભાવના હશો તો ઘણી વખત તમે જાતે જ તમારા વ્યક્તિત્વને નુકસાન પહોંચાડો છો. ઉતાવળા સ્વભાવથી વિચાર્યા વિના અને ઝડપથી નિર્ણય લો છો અને પછી પસ્તાવું પડે છે. લોકો સાથે વગર વિચારે બોલીને સંબંધ બગાડી નાંખો છો. ઉતાવળને કારણે ખોટી ખરીદી કરી નાંખો છો અને પછી તે વસ્તુ બદલાવવા દુકાનના ધક્કા ખાવો છો. દુકાનદાર સાથે સંઘર્ષમાં ઊતરો છો અથવા અપમાનિત થાવો છો. ઉતાવળમાં સામી  વ્યક્તિ પર આંધળો વિશ્વાસ મૂકો છો અને વ્યક્તિને ઓળખવામાં ભૂલ કરો છો. ઉતાવળમાં વગર વિચારે વચનો આપી દો છો અને પછી જાતને તકલીફમાં મૂકો છો. આમ, ખોટી ઉતાવળ દરેક રીતે નુકસાનકારક સાબિત થાય છે. તમે ચપળ હોવા જોઈએ, પરંતુ ઉતાવળા નહીં. ખોટી ઉતાવળ એ ચપળતા નથી.

આળસ

     વ્યક્તિમાં જ્યારે આળસ ઘર કરી જાય છે ત્યારે તે પોતાની શક્તિઓને વેડફી નાંખે છે. જ્યારે આપણાં કામમાંથી આપણો રસ ઊડી જાય ત્યારે આપણે આળસુ બની જઈએ છીએ. પરિણામે કાર્યને અવગણવા લાગીએ છીએ અથવા વેઠ ઊતારીએ છીએ. રૂટીનથી કંટાળો આવે એ સ્વાભાવિક છે. પરંતુ  જગતના દરેક કાર્ય રૂટીન પર આધારિત જ હોય છે. હકીકતનો સ્વીકાર કરી, આનંદિત રહીને કાર્ય કરી, દિવસને સરસ રીતે પસાર કરી, જિંદગીને શા માટે ચેતનવંતી ના બનાવીએ? ‘આળસુ’નું લેબલ લાગેલું હશે તો તમારું વ્યક્તિત્વ નકારાત્મક બની જશે. કલાકો સુધી ટી.વી. પર અર્થવિહીન કાર્યક્રમો જોયા કરવા, અર્થવિહીન રમતો રમ્યા જ કરવી, હદ ઉપરાંત ખા-ખા કરવું, બેડ પર પડ્યા જ રહેવું કે હલકી કક્ષાનું વાચન કર્યા કરવું, . . . આવી ટેવો વ્યક્તિને આળસુ બનાવી દે છે. અર્થવિહીન ગપસપ અને ચર્ચા માણસને નિષ્ક્રિય બનાવી દે છે. આળસથી આપણે જાતે જ નિષ્ફળતાને આમંત્રણ આપીએ છીએ. આળસ ખંખેરી પ્રવૃતિમય જીવન જીવવાથી જ વ્યક્તિત્વ ખીલી ઊઠે છે.

ક્રોધ 

     યોગ્ય કારણથી, યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિ સાથે અને યોગ્ય પ્રમાણમાં ક્રોધ આવે તે વ્યાજબી છે, પરંતુ જ્યારે ક્રોધ માનવીનો સ્વભાવ બની જાય છે ત્યારે પોતાને જ નુકસાન પહોંચાડે છે. જ્યારે વ્યક્તિ ક્રોધ કરે ત્યારે તેનું બ્લડપ્રેશર વધે છે અને હ્રદયને નુકસાન પહોંચે છે. આમ શારીરિક અને માનસિક નુકસાન થાય છે. ઘણી વખત ક્રોધની અસર કલાકો સુધી રહેતી હોવાથી ટેન્શન ઉત્પન્ન થાય છે. આના પરિણામે કાર્ય પણ બરાબર કરી શકતા નથી. તમને ક્રોધમાં ખોટું પગલું લેતા ફકત બે મિનિટ લાગે છે. પરંતુ તેના પરિણામમાંથી મુક્ત થવા ઘણો સમય જતો રહે છે. જ્યારે ગુસ્સો આવે ત્યારે તે જગ્યાએથી થોડો વખત અન્ય જગ્યાએ જઈને બેસો અને મગજને શાંત થવા દો. તમને જ્યાં ખરેખર અન્યાય થતો હોય ત્યાં નિડરતાથી અને મક્કમતાપૂર્વક તમારી વાત રજૂ કરો. પરંતુ ક્રોધને કાબૂમાં રાખો. દલીલબાજીથી દૂર રહો. સમસ્યાનો ઉકેલ આવી ગયા પછી તે વાતને ભૂલી જઇ સંબંધોમાં પ્રેમની મીઠાશ લાવો. કોઈક વખત આપણે હારીને પણ જીતી જતાં હોઈએ છીએ. ક્યારેક ભૂલ થઈ હોય તો સ્વીકારી પણ લો.

નિરાશાવાદી વલણ

      જ્યારે વ્યક્તિ દરેકને નકારાત્મક રીતે જૂએ છે ત્યારે તે જીવનની મોજ માણી શકતો નથી. આવી વ્યક્તિઓ હંમેશા દુ:ખી અને નિરાશ હોય છે. ડાયાબિટીસની વાતો કરતાં કરતાં મીઠાઈઓ ખાતા હોય છે. વળી તેને ડાયાબિટીસ હોતો પણ નથી. આવી વ્યક્તિઓ નકારાત્મક વાતો અને અન્યની ફરિયાદો કરી બીજાને કંટાળો આપતી હોય છે. તેઓ વર્તમાનમાં જીવી શકતા નથી. આપણે વર્તમાનમાં જીવતા શીખવું જોઈએ. જીવનની ઉજળી બાજુ જોઈ આનંદમાં રહેતા શીખો. નિરાશાવાદી વલણને દૂર કરી હકારાત્મક અભિગમ અપનાવી ખુશ રહીએ. 

અતિભાવુકતા

      અતિલાગણીશીલ વ્યક્તિઓ નાની મુશ્કેલી સામે પણ નાસીપાસ થઈ જાય છે. નાની અને અર્થવિહીન બાબતોમાં પણ ખોટું લગાડે છે અને બીજાની સાથે અનુકૂલતા સાધવામાં તકલીફ અનુભવે છે. કાલ્પનિક વિચારોથી તમે  દુ:ખી થતાં હોય તો તમે વધારે પડતાં ભાવુક છો. આપણી લાગણી ઘવાય તો આપણને ન ગમે. પરંતુ બીજી રીતે વિચારીએ તો વાસ્તવિક્તાનો ખ્યાલ આવે. સામેની વ્યક્તિ તમારી અવગણના કરતી હોતી નથી, પરંતુ સંજોગોને કારણે એમ બન્યું હોય. ભાવુકતા છોડી વાસ્તવવાદી બનો અને વાત-વાતમાં ખોટું ના લગાડો.

સ્વચ્છતાનો અભાવ

     ઘણી વ્યક્તિઓમાં સામાન્ય સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળે છે. આજે પાન અને મસાલાના કલ્ચરમાં વ્યક્તિ ગમે ત્યાં થૂંકે છે. મોંઘી મોટર અથવા સ્કૂટર ઉપર જનાર પાનની પિચકારી મારે છે. બીજાઓના કપડાં કે વાહન ગંદા થશે તે વિચારતો નથી. આવી વ્યક્તિઓ ઘણી વખત એજ્યુકેટેડ હોવા છતાં આવું મેનરલેસ બિહેવિયર કરી બેસે છે. ચોખ્ખાઈ વ્યક્તિના વ્યક્તિત્વ સાથે જોડાયેલી હોવી જોઈએ. મન ફાવે ત્યાં થૂંકવું, કચરો ફેંકવો, નાક સાફ કરવું વગેરે અસભ્યતા છે. આ બધી બાબતો સારા વ્યક્તિત્વને નુકસાન પહોંચાડે છે. 

નિર્ણય કરવાની અશક્તિ

     અમુક વ્યક્તિઓ પોતે નિર્ણય લઈ શકતી નથી. કોઈ નાના કાર્યમાં પણ નિર્ણયશક્તિનો અભાવ હોય છે. જિંદગીની અમુક ગંભીર બાબતોમાં અનુભવીની સલાહ કે મદદ લેવી જોઈએ. પરંતુ જિંદગીની નાની-નાની વાતમાં વ્યક્તિ પોતે નિર્ણય ના લઈ શકે તો તેને હંમેશા બીજા પર જ નિર્ભર રહેવું પડે છે. ઘણા નિર્ણયો વાસ્તવિકતાને બદલે લાગણી અથવા આકર્ષણના આધારે લેવાય છે. આવા નિર્ણયો પણ નુકસાન કરતાં હોય છે. તમારી શક્તિઓને, તમારી પોતાની રસ, રુચિ નો વિચાર કરી નિર્ણય લેતા શીખો. તમને સ્પર્શતી વાતો માટે નિર્ણય લેવાનું શરૂ કરો. તમારા બધા નિર્ણય સાચા ન પણ હોય. અનુભવથી તમે સાચા અને યોગ્ય નિર્ણય લેતા શીખી શકશો. અમુક બાબતોમાં અનુભવીની મદદ લઈ, યોગ્ય દિશામાં વિચારતાં શીખો. છતાં નિર્ણય જાતે લો. વિચારશક્તિને હકારાત્મક બનાવવાથી તમારી નિર્ણયશક્તિને તમે ખીલવી શકશો.

    ફ્રેન્ડસ, અહીં દર્શાવેલાં સારા વ્યક્તિત્વના દુશ્મનો તથા નકારાત્મક ટેવોને ઓળખી તેના પર વિજય મેળવો અને તમારા વ્યક્તિત્વને ખૂબ જ સુંદર બનાવો તેવી શુભેચ્છાઓ .

 પ્રેરકબિંદુ :

 “ક્રોધ એ નિર્બળતાની નિશાની છે”.

– સ્વામી દયાનંદ સરસ્વતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *