એક પાકીટનું ઇનામ

  -   નિરંજન મહેતા

સત્યઘટનાત્મક વાર્તા

     રેલવેની પ્લેટફોર્મ ટિકિટ લઈ હું ઉતાવળે ચાલતો હતો, કારણ કે મારી પાછળ એક સાત આઠ વર્ષનો ભિખારી જેવો બાળક ”એ સાહેબ….એ સાહેબ…’’ કહી પાછળ દોડતો હતો.

     હું મારી સ્પીડ વધારતો જતો હતો તેમ તે બાળક પણ “ઓ, ઓ સાહેબ, ઉભા તો રહો.’’ કહી બૂમ પાડે જતો હતો.

      હું મનમાં ખીજાતો ગાળો આપતો હતો, ’આ ભિખારીની જાત, એક ને આપો તો દસ પાછળ પડે.'  હું થાકી ને ઊભો રહી ગયો અને જોરથી બોલ્યો, ‘’ચલ અહીંથી જાય છે કે પોલીસને બોલાવું? ક્યારનો સાહેબ સાહેબ કરે છે. લે આ દસ  રૂપિયા. હવે જતો રહે.’’

      મેં પોકેટમાંથી પાકીટ કાઢી દસની  નોટ કાઢવા પ્રયત્ન  કર્યો. પાકીટ ગાયબ. હું તો મૂંઝાઈ ગયો. 'હમણાં જ ATMમાંથી ઉપાડેલ વીસ હજાર રૂપિયા, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, બધું અંદર. '

     ‘’સાહેબ’’ પેલો બાળક બોલ્યો.

     ‘’અરે, સાહેબ સાહેબ શું કરે છે ક્યારનો?’’ મેં ઊંચા અવાજે કહ્યું.

    બાળકે એક હાથ ઊંચો કર્યો. તેના હાથ તરફ મારી નજર ગઈ, પછી તેની નિર્દોષ આંખો  તરફ. બે ઘડી તો મને મારી જાત ઉપર, મારા ભણતર ઉપર, મિથ્યા અભિમાન અને આધ્યત્મિક જ્ઞાન ઉપર નફરત થઈ ગઈ.

      માણસ પોતાનો સ્વાર્થ હોય ત્યારે જ આંખ મેળવીને વાત કરે છે, બાકી તો આંખ મિચોલી કરી રસ્તો બદલીને ભાગી જનાર વ્યક્તિઓ પણ સંસારમાં છે.

     એ બાળકની નિર્દોષ આંખો અને હાથ ઉપર નજર નાખતાં ખબર પડી કે, મારૂં ખોવાયેલ પાકીટ તેના નાજુક હાથમાં હતું !

     ‘’લો! સાહેબ, તમારૂં પાકીટ. સાહેબ ટિકિટ બારી ઉપર પાકીટ ખિસ્સામાં મુકતાં.. પાકીટ.... સાહેબ!....તમારૂં નીચે પડી ગયું હતું.’’

     મારી આંખો ભીની થઈ ગઈ. રેલવે સ્ટેશન ઉપર ગોઠણ ઉપર બેસી એ બાળકના માથે હાથ ફેરવ્યો. ’’બેટા, મને માફ કરજે. આ જુલમી સમાજ ગરીબ માણસને હંમેશાં ચોર અને ભિખારી જ સમજે છે. આજે પાકીટ આપતો તારો હાથ ઉપર છે, મારો હાથ નીચે છે. સાચા અર્થમાં ભિખારી કોણ? આજે મને સમજાયું ઈમાનદારી એ ફક્ત રૂપિયાવાળાની જાગીર નથી. બેઈમાનીના રૂપિયાથી ધરાઈને ઈમાનદારીનું નાટક કરતા બહુ જોયા છે પણ ભૂખ્યા પેટે અને ખાલી ખીસ્સે ઈમાનદારી બતાવનાર તું પહેલો નીકળ્યો. બહુ સહેલી વાત નથી બેટા! લક્ષ્મીજી જોઈ ભલભલાની વૃત્તિ અને એની નીતિઓ બદલાઈ જાય છે. બેટા!  હું ધારૂં તો આ પાકીટ તને ઇનામમાં આપી શકું તેમ છું. હું એક વખત એવું સમજી લઈશ કે કોઈ મારૂં ખિસ્સું કાતરી ગયું. બેટા, તારૂં ઈમાનદારીનું ઇનામ તને જરૂર મળશે. તારા મમ્મી પપ્પા ક્યાં છે?’’

     મમ્મી પપ્પાનું નામ સાંભળી તે બાળકની આંખમાં આસું આવી ગયાં.

     હું તેના ચહેરા અને વ્યવહાર ઉપરથી એટલું સમજી ગયો હતો કે આ વ્યવસાય તેનો જન્મજાત નહીં હોય. ચોક્કસ કોઈ હાલતનો શિકાર આ બાળક બની ગયો છે.

     મેં તેનો હાથ પકડ્યો. “ચાલ બેટા, આ નર્કની દુનિયામાંથી તને બહાર નીકળવા કુદરતે મને સંકેત કર્યો છે.’’

     હું સીધો નજીકના પોલીસ સ્ટેશને ગયો અને બધી હકીકત જણાવી.

     પોલીસ ઇન્સ્પેક્ટરે સવાલ કર્યો,’’આપને કોઈ સંતાન છે?’’

      મેં કહ્યું, “છે પણ USAમાં છે. અહીં મારો પોતાનો બિઝનેસ છે. આ બાળકને ઘરે લઈ જવાની વિધિ સમજાવો તો આપનો આભાર. મારી પત્ની પણ ખુશ થશે, સાથેસાથે અમે તેને ભણાવી એક તંદુરસ્ત સમાજનો હિસ્સો બનાવશું. અમે કોઈ મંદિર કે આશ્રમમાં રૂપિયા કદી આપ્યા નથી. એક સત્કાર્ય અમારા હાથે થશે. કોઈ રસ્તે રખડતા બાળકની જીંદગી બની જશે તો એક મંદિર બનાવ્યા જેટલો જ આનંદ અમને થશે.’’

      પોલીસ ઇન્સ્પેક્ટર પણ ખુશ થતાં બોલ્યા, ‘’સાહેબ, ધન્ય છે તમારા વિચારોને. તમારી કાયદાકીય પ્રોસેસ હું પુરી કરી આપીશ. હું પણ એક સારૂ કાર્ય કર્યાનો આનંદ લઈશ. કોઈ લુખ્ખા તત્વો બાળકનો કબજો લેવા આવે તો મને ફોન કરી દેજો.’’

     આજે આ બાળક ભણી ગણીને સરકારની ટોપ કેડેરની IPS કક્ષાની પરીક્ષા પાસ કરી મને પગે લાગી રહ્યો છે.

દોસ્તો…

     કોઈ જન્મજાત ભિખારી, ચોર કે ડોન નથી હોતું. સંજોગો, અન્યાયનો શિકાર બનેલા લોકો કોઈ વખત રસ્તો ભટકી જાય છે. તેને હાથ પકડી ફરીથી સંસ્કારી સમાજ વચ્ચે મુકવાની જવાબદારી સમાજ અને સરકારની છે.

      મેં કહ્યું, ‘’બેટા, હું સમજુ છું તારા મા બાપ આજે હાજર હોત તો ખૂબ ખુશ થાત. પણ અમે ખુશ છીએ તારા અકલ્પનીય પ્રોગ્રેસથી. બેટા અહીં મારા “એક પાકીટનું ઇનામ” પુરૂ થાય છે તેવું સમજી લેજે.

     એ બાળકનું નામ અમે સંજય રાખેલ અને એ એટલું જ બોલ્યો..

त्वमेव माता च पिता त्वमेव ।

त्वमेव बन्धुश्च सखा त्वमेव ।

त्वमेव विद्या द्रविणम् त्वमेव ।

त्वमेव सर्वम् मम देव देव ॥

      ‘’તમે મને કોઈ વાતની કમી રહેવા નથી દીધી. મેં નથી ભગવાનને જોયા કે નથી મારા મા બાપને. મારા માટે આપ જ સર્વ છો. તમારૂં ઇનામ પુરૂ થાય છે ત્યાંથી મારી ફરજ ચાલુ થાય છે. પહેલાં તમે જ્યાં જતા ત્યાં હું આવતો, હવે હું જ્યાં જઈશ ત્યાં તમે હશો.’’

      સંજયે પગ પછાડી પહેલી સેલ્યુટ અમને કરી બોલ્યો, ‘’પાપા, આ સેલ્યુટના ખરા હક્કદાર પહેલા તમે છો.’’

     આને કહેવાય લેણદેણના સંબંધ.

સાભાર -  શ્રી વલ્લભ ભક્તા- (વોટ્સેપમાંથી)

મૂળ લેખક - અજ્ઞાત 

3 thoughts on “એક પાકીટનું ઇનામ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.