સર જમશેદજી જીજીભાઈ

 -પી. કે. દાવડા   

      જમશેદજીનો જન્મ પારસી કુટુંબમાં ૧૭૮૩માં નવસારીમાં થયો હતો. સર જમશેદજી જીજીભાઇ નું નામ મુંબઈના પરોપકારી, દાનેશ્વરી, પારસી વેપારીઓમાં પ્રથમ હરોળમાં આવે.

    જમશેદજી જીજીભાઈએ  પોતાનાં વહાણો ખરીદી ઠેઠ ચીન સુધી વ્યાપાર  વિકસાવ્યો અને મુંબઈના પહેલા લખપતિઓમાં સ્થાન મેળવ્યું. જમશેદજી જીજીભાઈએ ઉદાર સખાવતો કરી અને મુંબઈ શહેરમાં સમાજકલ્યાણનાં કાર્યો કર્યાં, એમના દાનથી મુંબઈમાં જે. જે. હોસ્પિટલ તથા જે.જે. સ્કૂલ ઓફ આર્ટ શરૂ થઈ.

     ૧૭૯૯માં સોળ વર્ષના જમશેદજી તેમના મામા ફરામજી નસરવાનજી બાટલીવાલા પાસે મુંબઈ આવ્યા, અને તેમના ખાલી બાટલીની લે-વેચના ધંધામાં જોડાયા. એકાઉન્ટન્ટથી મેનેજર સુધીની જવાબદારી શીખતાં શીખતાં જમશેદજીએ ચીન સાથે વ્યાપારમાં ઝુકાવ્યું. અંગ્રેજોના ઉત્તેજનથી તે સમયે હિંદુસ્તાનમાં મોટા પાયે અફીણ ઉગાડાતું અને તે ભારે પ્રમાણમાં ચીનમાં મોકલાતું.  અંગ્રેજોની નીતિનો લાભ લઈ ઘણા ભારતીય વેપારીઓ અફીણના વેપારમાં ખૂબ કમાયા. તેમણે ચીનથી રેશમની આયાત કરી લખપતિ બની ગયા.

      જમશેદજી જીજીભાઈનાં વહાણો પૂર્વમાં ચીન સુધી અને પશ્ચિમમાં ઇજિપ્ત સુધી ખેપ કરવા લાગ્યા. ચાઇનિઝ, અંગ્રેજ અને અમેરિકન વેપારી પેઢીઓ સાથે તેમના સંપર્કો બન્યા.

     લાખો રૂપિયા કમાઈને જમશેદજીએ સમાજસેવામાં ઉદાર સખાવતો શરૂ કરી. મુંબઈમાં જમશેદજીએ બોમ્બે સેંટ્રલ સ્ટેશન નજીક વૃદ્ધ પારસીઓ તથા સર્વ ગરીબો માટે ધર્મશાળા ઊભી કરી. બેલાસિસ રોડ (ભાયખલા) પરની આ સર જે જે ધર્મશાળા નિવાસ, ભોજન, વસ્ત્રો અને દવાઓ મફતમાં આપતી દેશની પ્રથમ સંસ્થા હતી.

      વર્ષ ૧૮૪૫માં મુંબઈમાં પ્રથમ મેડિકલ કોલેજ ગ્રાંટ મેડિકલ કોલેજ શરૂ કરવામાં જમશેદજીએ રસ લીધો. ગ્રાંટ મેડિકલ કોલેજ સાથે સંલગ્ન હોસ્પિટલ ઊભી કરવા રૂપિયા બે લાખનું દાન આપ્યું. આમ, મુંબઈની સર જે જે હોસ્પિટલ શરૂ થઈ જે ગ્રાન્ટ મેડિકલ કોલેજ સાથે સંકળાયેલ છે.

      જમશેદજીના રૂપિયા એક લાખના દાનથી ફાઇન આર્ટસના વિકાસ માટે વર્ષ ૧૮૫૭માં મુંબઈમાં સર જમશેદજી જીજીભાઈ સ્કૂલ ઑફ આર્ટ શરૂ કરવામાં આવી. મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાયલી સર જે જે સ્કૂલ ઓફ આર્ટ આજે તો જે જે સ્કૂલ ઓફ આર્કિટેક્ચર અને જે જે સ્કૂલ ઓફ એપ્લાઇડ આર્ટ જેવી મોટા વટવૃક્ષ સમાન બની ચૂકી છે. આ ઉપરાંત ચર્ની રોડ પાસે ગૌચરની જમીન ખરીદવામાં તથા બાંદ્રા – માહિમ વચ્ચે માહિમની ખાડી પર માહિમ કૉઝવે બાંધવામાં પણ તેમનું યોગદાન રહ્યું છે. મુંબઈ, પૂના, નવસારી, સુરત આદિ શહેરોમાં સર જમશેદજી જીજીભાઇએ દાન આપી કૂવા, ટાંકી, શાળાઓ, હોસ્પિટલ અને આશ્રયસ્થાનો બનાવ્યાં.

       ૧૮૪૦માં ઇસ્ટ ઇંડિયા કંપનીએ મુંબઈની પહેલી બેંક ‘બેંક ઓફ બોમ્બે’ની શરૂઆત કરી. આ બોમ્બે બેંકમાં એક માત્ર ભારતીય ડાયરેક્ટર જમશેદજી જીજીભાઈ હતા. હિંદુસ્તાનમાં પ્રથમ રેલવે સેવા મુંબઈમાં ૧૮૫૩માં શરૂ થઈ. તેમાંના બે ભારતીય ડાયરેકરોમાં એક જમશેદજી હતા (બીજા ભારતીય ડાયરેક્ટર જગન્નાથ શંકર શેઠ હતા).

      ૧૮૫૩ના એપ્રિલની ૧૬મી તારીખે બપોરે પ્રથમ ટ્રેન મુંબઈના બોરીબંદર થી થાણે જવા ઉપડી ત્યારે તેમાંના એક ‘વીઆઇપી’ પેસેંજર જમશેદજી જીજીભાઈ હતા. બ્રિટીશ સરકારે જમશેદજીને ૧૮૪૨માં ‘નાઇટહૂડ’થી સન્માન્યા હતા. ૧૮૫૮માં ઇંગ્લેન્ડના મહારાણી વિક્ટોરિયાએ જમશેદજી જીજીભાઇને ‘બેરોનેટ’નો ખિતાબ આપ્યો હતો.

    ૧૮૫૯ માં સર જમશેદજી જીજીભાઈ નું અવસાન થયું.


નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.

જે.જે. સ્કુલ ઓફ આર્ટ્સ, મુંબઈ
જે.જે. હોસ્પિટલ, મુંબઈ
--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *