ક્રિસની વાત

- ગીતા ભટ્ટ

 ના , મારી જાતે ચાલીશ 

     એક ફેન્સી રેસ્ટોરન્ટના વેઇટિંગ એરિયામાં અમે અમારું નામ લખાવીને ઊભાં હતાં. થોડી વારમાં એક ઉંચો, પાતળો, પાણીદાર આંખો અને સ્મિતવાળો, મેનેજર જેવો લાગતો, પ્રભાવશાળી નવયુવાન અમારી પાસે આવ્યો અને એક સરસ રીતે સેટ કરેલા ટેબલ તરફ લઇ ગયો. અમે જરા અમારી જગ્યાએ ગોઠવાયાં એટલે એણે પછી પૂછ્યું : “Do you recognize me, l am Chris ! Remember me ? On my first day at our school you walked with me?

    મને ઓળખ્યો ? હું ક્રિસ!”

    “ ઓહો? એ ક્રિસ તે તું?” એક જ સેકન્ડ માં મને વર્ષો પહેલાંનો એ પ્રસંગ યાદ આવી ગયો. 

    ક્રિસ ડાહ્યો અને હોશિયાર છોકરો હતો. અમારા ડે કેર સેન્ટરમાં ‘બિફોર અને આફ્ટર સ્કૂલ’ પ્રોગ્રામમાં આવતો.  એનાં મા બાપ, અશ્વેત હતાં. પણ અહીંના આફ્રિકન અમેરિકન કુટુંબોમાં બહુ ઓછું જોવા મળે તેવાં -  ભણેલાં, પરણેલાં અને જીવનમાં આગળ વધવાના ઉચ્ચ ધ્યેયવાળા હતાં. એનાં મા બાપ રજીસ્ટ્રેશન કરાવવાં આવ્યાં ત્યારે સ્પષ્ટ કહ્યું હતું કે 'અમે ખુબ રિસર્ચ કરીને આ ડે કેર પસંદ કર્યું છે: અમારું સંતાન કાળી પ્રજા અને ધોળી પ્રજાના ભેદભાવ અને ઝગડાઓમાં આત્મવિશ્વાસ ના ગુમાવે અને એ એક સામાન્ય બાળકની જેમ ઉછરે તે અમારી મુખ્ય માંગ છે.  અમારે એને એક નોર્મલ જિંદગી આપવી છે.'

     કેવી અસામાન્ય અપેક્ષા? ! એ લોકો સાદા શબ્દોમાં કહેતાં હતાં, “અમારા બાળકને માનથી રાખજો, ચામડીનો રંગ જોઈને એને ઊતારી પાડશો નહીં!”

     હા, આ નેબરહૂડ( વિસ્તાર)માં એ વર્ષોમાં મોટા ભાગે સફેદ અને મેક્સિકન લોકો રહેતાં હતાં.

     એ લોકોએ મને પેટછૂટી વાત કરી;

     “ અમારી (બ્લેક )કમ્યુનિટીમાં રોલ મોડલ શોધવા જઈએ તોયે મળવા મુશ્કેલ છે. કોઈ સારું ભણેલું ગણેલું હોય અને વ્યવસ્થિત ઘર લઈને રહેતું હોય અને કોઈને સારા કમ્યુનિટી એવોર્ડ મળ્યા હોય તેવાં વીરલાઓ મળવા મુશ્કેલ છે. ”

     આ અશ્વેત પ્રજાનો ઇતિહાસ આપણને ખબર છે; અને તેથી હિંસા, મારામારી, ગાળાગાળી અને અન્ય હરકતો અને વ્યસનથી એ લોકો ઘેરાયેલાં હોય છે.

   “અમારા ક્રિસને તમે પ્રેમથી રાખજો!” એમણે ભાવવિભોર થઈને કહ્યું.

    પણ પહેલે જ દિવસે મુશ્કેલી ઉભી થઇ. એની પ્રાથમિક શાળા છૂટી એટલે અન્ય બાળકોને લેવાં ગયાં ત્યારે ક્રિસે સાફ સાફ શબ્દોમાં બધાંને કહી દીધું, “ હું મોટો છું, જવાબદાર છું અને આ વૅનમાં નહીં બેસું ! મને સ્કૂલેથી ડે કેર સેન્ટરનો રસ્તો ખબર છે. મારાં પેરેન્ટ્સ સાથે ગઈ કાલે હું ચાલીને જ આવેલો ! તો આજે પણ હું ચાલીને મારી જાત્તે આવીશ !”

     “ એ શક્ય નથી !” અમે બે સ્ટાફ મેમ્બર્સ એને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં; “ જો બેટા, તું બીજા બધાં છોકરાઓ સાથે ગાડીમાં બેસી જા! આપણે ડે કેર પહોંચવામાં ખાસ્સું મોડું થઇ ગયું છે” અમે એને સમજાવતા કહ્યું ; એને મનાવવા કોશિશ કરી. પણ એ માનવા તૈયાર જ નહોતો. 

  ( શા માટે?  જવાબ પણ આમાં છુપાયેલો જ છે, પણ એ અજ્ઞાત કારણની વાત આગળ ઉપર ક્યારેક કરીશું )

      પણ પછી આગલા દિવસે એનાં માબાપ સાથેની મુલાકાત વગેરે યાદ આવ્યાં.સામાન્ય સંજોગોમાં મા બાપને ફોન કરીને બોલાવવામાં આવે છે. મા બાપને ફોન કરવાને બદલે બીજી જવાબદાર વ્યક્તિ સાથે એ ચાલીને ડે કેર સેન્ટર આવ્યો! અમારું સેન્ટર માત્ર બે બ્લોક જ દૂર હતું.

     જો કે આ પહેલો અને છેલ્લો પ્રસંગ હતો. કોઈએ આવી જીદ કરી હોય એવું મને યાદ નથી!

     હું અને મારા પતિ સુભાષ આ બનાવ ને યાદ કરતા કરતા ક્રિસને જોઈ રહ્યા. એ કહે; “ તે દિવસે કાયદેસર ઘણું કરી શકાય તેમ હતું. પણ તેં પ્રેમ અને સમજણથી રસ્તો કાઢ્યો; જે આજના ઝડપી યુગમાં ભુલાઈ રહ્યો છે.“

     “ બાળકને એમ થાય કે કોઈ મારી વાત સાંભળે છે, મને સમજે છે; એનાથી વધારે બીજું કાંઈ જોઈતું હોતું નથી.  એક વખત એને વિશ્વાસ બેસી ગયો એટલે આપોઆપ એ સામેની વ્યક્તિને માન આપવા માંડે.” મેં કહ્યું .

     “તેં એવો અહોભાવ પેદા કર્યો એનું આ પરિણામ આજે જોઈ શકાય છે. “સુભાષે કહ્યું

    હા, કાયદા માણસને મદદ કરવા ઘડાયા છે, પણ તેનીયે ઉપર સમજણનો કાયદો છે.

      આજે ક્રિસ એક મોટો મેનેજર બની ગયો છે.  તે માટે તેના માબાપ જેટલું ગૌરવ આજે આપણે પણ અનુભવીએ છીએ. 

     ત્યાં તો ક્રિસ ડિઝર્ટ કેક લઈને અમારા ટેબલ પર આવ્યો અને એ દિવસોનાં મીઠાં સંસ્મરણો વાગોળતા એણે કહ્યું, “મને જે પ્રેમ આપને ત્યાં મળ્યો હતો, એણે મારાં બાળપણના દિવસોમાં સાચા અર્થમાં હૂંફ અને પ્રેમનું કામ કર્યું છે. આ કેક આપને મારા તરફથી. ”

      અને વાત્સલ્યભાવની એક નાજુક કૂંપળ એક વેલ બની મને વીંટળાઈ રહી!

***

It is easier to build strong children than repair broken men!

જેલમાં correction centersમાં ગુનેગારોને સુધારવાં કરતાં નાનાં બાળકોને યોગ્ય દિશામાં વાળવાં સહેલાં છે!

'બેઠક'  પર તેમના લેખ આ રહ્યા. 

One thought on “ક્રિસની વાત”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *