અનાથનું એનિમેશન , ભાગ -૧

     -     સુરેશ જાની

      પરેશ! તને તો ક્યાંથી યાદ હોય કે, તું અધુરા માસે જન્મ્યો હતો? – સાવ સુકલકડી- મરવાના બદલે જીવી ગયેલો. અને જન્મ સાથે જ તારી સગી માતાએ તને રસ્તા પર છોડી દીધેલો. કેવો હશે તે બિચારીનો માનસિક પરિતાપ? સાત મહિના પેટમાં તમે ઉછેરેલો હશે; ત્યારે એના મનના વિચાર કેવા હશે? ધિક્કાર છે; એ સમાજને જે, એક તરફ માતૃત્વના ગૌરવનાં ગીતો ગાય છે અને બીજી તરફ કુંવારી માતાને પથ્થર મારતો રહે છે.

    ખેર, એ તો વર્ષો પહેલાંની ભુલાઈ ગયેલી ઘટના હતી. પણ વિધાતાએ તારા લેખ કાંક અવનવા જ લખ્યા હતા. અનાથાશ્રમના બારણેથી વહેલી સવારે તારી સવારી એ આશ્રમની અંદર પહોંચી ગઈ; અને તારા જીવન આશ્રમની શરૂઆત થઈ ગઈ. તને જીવતો રાખવા એ ભલા માણસોએ તને તરત હોસ્પિટલ ભેગો કરી દીધો હતો. સમયસર મળેલા એ કૃત્રિમ શ્વાસોચ્વાસે તારા હૃદયને ધબકતું રાખ્યું હતું.

      માંડ ત્રણ જ મહિના વીત્યા, ન વીત્યા… અને એક ખાનદાન, નિઃસંતાન દંપતીએ તને દત્તક લઈ લીધો. તારાં પુનિત પગલાંથી અને તારા આક્રંદ અને કિલકારીઓથી એમનું ઘર ભર્યું ભર્યું થઈ ગયું. તારા પાલક માતા પિતાના બધા કુટુમ્બીઓએ પણ તેમના સમાજમાં બાળક દત્તક લેવાના આ પહેલા જ અવસરને ઉમંગભેર વધાવી લીધો. તારા એ નવા ઘરમાં એ સૌએ આપેલી ભેટોથી એ ઘર ચમકી ઊઠ્યું.

     સમયને જતાં કાંઈ વાર લાગે છે? ક્યાં છ વર્ષ પસાર થયાં તેની ખબર જ ના પડી. તને નિશાળમાં દાખલ કરવામાં આવ્યો; અને હવે તારા જીવનનાં આકરાં ચઢાણોની બીજી સફર શરૂ થઈ ગઈ.

   પુરા સમય કરતાં વહેલાં થયેલા જન્મ અને જન્મ સમય પહેલાંની ગર્ભ પાડી નાંખવાની કોશિશોને કારણે તારા શરીર અને મગજ પર વિપરિત અસર પડી હતી. શરીરનો નબળો બાંધો; અને જીવનના નવા નવા પાઠો શીખવામાં તને પડતી મુશ્કેલીઓ હવે તને નિશાળમાં નડવા લાગી. માંડ માંડ ઉપર ચઢાવવાના પ્રતાપે, ચાર ધોરણ સુધી તો તું પહોંચી જ ગયો; પણ માધ્યમિક શિક્ષણની કોઈ જાણીતી શાળા તને દાખલ કરવા તૈયાર ન હતી. હવે તને પોતાને પણ તારી નબળાઈઓ સમજાવા લાગી જ હતી ને? તું એ માનસિક તાણનો છુટકારો ઘરની દિવાલો પર આડા અવળા લીટા પાડીને મેળવતો હતો. માબાપ વઢે; તો ચોરી છુપીથી ખૂણે ખાંચરે તારી કલા પર તું ગર્વ લેતો થઈ ગયો.

   આગળ અભ્યાસ માટે મ્યુનિ, શાળા સિવાય તારે માટે કોઈ બીજો વિકલ્પ ન હતો. ત્યાંના શિક્ષકોની બેદરકારી અને શિક્ષણનાં નીચાં ધોરણો તારી નબળાઈઓને વકરાવતા જ રહ્યા. અને એનો પડઘો તારાં ચિત્રોમાં પડતો રહ્યો. તને હમ્મેશ ઘેરા, શોગિયા રંગો જ ગમતા. અને ચિત્રોના વિષયોમાં પણ કોઈ ફૂલ કે ઝાડ નહીં. રાતના ડિબાંગ અંધારાથી ભરેલા આસમાનમાં ચમકતા તારા – એ તારા ચિત્રોનો સૌથી વધારે ગમતીલો વિષય રહેતો.

    એટલે જ તો પાંચમા ધોરણમાંથી માંડ માંડ ઉપર ચઢાવતી વખતે વર્ગ શિક્ષકે રિપોર્ટમાં લખ્યું ન હતું,”ભણવામાં કાચો છે; પણ ચિત્રો સારાં દોરે છે.”

   તારાં પાલક માબાપ પણ ક્યાં આર્થિક રીતે બહુ સદ્ધર હતાં? છતાં પેટે પાટા બાંધીને તેમણે છઠ્ઠા ધોરણથી જ તારા માટે ટ્યુશનની વ્યવસ્થા કરી દીધી. આમ ને આમ શામળશાહના વિવાહ વખતના ગાડાની જેમ તારું રગશિયું ગાડું, મેટ્રિકના દરવાજા લગણ તો પહોંચી ગયું.

  અને જ્યારે દસમા ધોરણનું પરિણામ બહાર પડ્યું; ત્યારે તું ચાર વિષયમાં નાપાસ થયો હતો; અને એમાંનો એક તો ગુજરાતી ભાષાનો!  છ છ માસે લેવાતી બીજી બે પરીક્ષાઓના અંતે અભિમન્યુનો એ કોઠો તેં પાર તો કર્યો; પણ કુલ માર્ક માંડ ૪૫ ટકા આવ્યા હતા!

  અને એક સોનેરી સવારે સુબોધ ભાઈ નામના તારા પિતાના એક સંબંધી તમારે ઘેર મળવા આવ્યા. સ્વાભાવિક રીતે તેમણે તારા પિતા અને તેમના મશિયાઈ ભાઈને પુછ્યું,” કેમ, અવિનાશ! પરેશનું દસમાનું શું પરિણામ આવ્યું.”

     અવિનાશ,” શું કહું? માંડ માંડ ધક્કા મારીને પાસ તો થયો છે; પણ શહેરની કોઈ કોલેજમાં એને એડમીશન મળવાનું નથી. આર્ટ્સની કોલેજ માટે પણ બાજુના નાના શહેરમાં એને ભરતી કરાવવો પડશે.”

  ઘરના દિવાન ખંડની દિવાલ પર બે ચિત્રો લટકતા હતા. સુબોધે એ ચિત્રો જોઈ પુછ્યું, “આ ચિત્રો કોણે દોર્યા છે? “

    અવિનાશ,” આ કાળમુખાએ જ તો. એ સિવાય એને બીજું ક્યાં કશુંય આવડે છે? નાનો હતો ત્યારની ભીંતો બગાડવાની એની કુટેવ હજી ગઈ નથી.”

    સુબોધ,” અવિનાશ! એમ ન કહે. આટલા સરસ ચિત્રોને તું લીંટા કહે છે? કોઈ પ્રદર્શનમાં મુકે તો ઈનામ લઈ આવે.”

  અવિનાશ” ધૂળ અને ઢેફાં!  એમ ચિતરામણ ચીતરે કાંઈ પેટ ભરાવાનું છે? આજકાલ મોંઘવારી પણ કેટલી બધી વધી ગઈ છે? મારી નોકરી બંધ થાય પછી, મારી બચતમાંથી જ ઘર ચલાવવું પડશે. એ અક્કરમી થોડો જ કમાઈ લાવવાનો? ”

   સુબોધ,” અવિનાશ! તને ખબર નથી. હવે તો કલાકારોની નવી ટેક્નોલોજીમાં બહુ જરૂર હોય છે. મારે ઘેર એને લઈને આવજે. હું તમને કોમ્યુટર પર ચિત્ર કરવાના સોફ્ટવેર બતાવીશ.”

  અને અઠવાડિયા પછી, તમે પપ્પા મમ્મીના હાઉસન જાઉસન સાથે સુબોધ ભાઈના ઘેર પહોંચી ગયા. સુબોધે તમને કોમ્પ્યુટર પર ચિત્ર શી રીત બનાવવું એનો સહેજ ખ્યાલ આપ્યો; અને પછી બન્ને મશિયાઈ ભાઈઓ, મમ્મી અને કાકી દિવાન ખંડમાં વાતે વળગ્યા.

  થોડી વારે તમે દિવાન ખંડમાં ગયા અને પુછ્યું,” કાકા, બીજું ચિત્ર દોરવું હોય તો શું કરવાનું?” તારું ચિત્ર જોઈને સુબોધ ભાઈ બોલી ઊઠ્યા,” અલ્યા અવિનાશ! આ જો તારા રાજકુમારની કોમ્પ્યુટર પર પહેલી જ કરામત. હું તને હાથ જોડીને કહું છું કે, પરેશને આર્ટ્સનો ડિપ્લોમા કરાવ અને સાથે સાંજના વખતે કોમ્પ્યુટરના કોર્સમાં દાખલ કરાવી દે.”

    આ સાંભળી પરેશ! તમારી આંખો ચમકી ઊઠી ન હતી?

   એક અઠવાડિયા પછી, તમારા પપ્પાએ સુબોધભાઈને ફોન કર્યો,” સુબોધ! મેં તપાસ કરી. પરેશને એ ડિપ્લોમા કોર્સમાં એડમીશન   તો મળી જાય એમ છે. પણ એના ભવિષ્યનું શું? કોણ આ ચિતારાને નોકરી રાખશે? આપણા બધા સંબંધીઓ પણ આ પ્લાનનો સજ્જડ વિરોધ કરી રહ્યા છે; અને મને કહે છે,’ દિકરાને ખાડામાં નાંખવો છે?’

   સુબોધે શું કહ્યું, એ તો તમે સાંભળી ન શક્યા; પણ કપાળ કૂટીને તમારા પપ્પાએ તમને કહ્યું,

       ” લે! આ તારો કાકો તને ચુલામાં નાંખવાનું કહે છે – તો તું જાણે અને એ. કાલે મારી નોકરી નહીં હોય; ત્યારે ભીખ માંગવાની તાલીમ લેવા પણ એની પાસે જજે.”

    -    તેમનો બ્લોગ 

One thought on “અનાથનું એનિમેશન , ભાગ -૧”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *