ચતુરાઈ

  -   નિરંજન મહેતા

      એક ગામમાં એક વાણિયા પાસે ૧૭ ભેંસ હતી. મરણપથારીએ હોવાથી તેણે એક કાગળ પર લખ્યું કે મારા મર્યા પછી આ ૧૭ ભેંસો એવી રીતે વહેંચજો જેથી મોટા દીકરાને કુલ ભેંસોમાંથી અડધી ભેંસો મળે, વચલા દીકરાને ત્રીજા ભાગની અને નાનાને નવમા ભાગની ભેંસો મળે.

      જ્યારે પિતાનું મૃત્યુ થયું ત્યારે ત્રણે દીકરાઓ પિતાના કાગળને લઈને વિચારવા લાગ્યાં કે ભેંસોનો ભાગ કેવી રીતે કરવો? કારણ ૧૭નો આંકડો તો અવિભાજ્ય છે તો ભેંસોની વહેંચણી કેવી રીતે થશે?

     બહુ વિચાર્યા પછી પણ કોઈ સમાધાન ન થયું એટલે ત્રણેયે વિચાર્યું કે ગામના કોઈ સમજદાર સજ્જન પાસે જઈએ અને આપણી મૂંઝવણ રજુ કરીએ જેથી આનો ઉકેલ થાય .આમ વિચારી તેઓ ગામના સરપંચ પાસે ગયા અને પિતાનો કાગળ આપી કહ્યું કે અમને પિતાજીની ઈચ્છા મુજબ વર્તવું છે પણ અમને નથી સમજાતું કે ૧૭ ભેંસોનો ભાગ કઈ રીતે કરવો. સરપંચે થોડો વખત વિચાર કર્યો અને કહ્યું કે ચાલો તમારે ઘરે. જતાં જતાં સરપંચે પોતાની સાથે પોતાની એક ભેંસ પણ લીધી. સરપંચે ભેંસ શું કામ લીધી તે ત્રણેય ભાઈઓ ન સમજ્યા પણ ચૂપ રહેવું ઉચિત સમજ્યું.

      ગામના અન્યોને પણ આ ત્રણેયની સમસ્યાની ખબર હતી એટલે રસ્તામાં કેટલાક લોકો પણ તેમાં જોડાઈ ગયા.

     તેમના ઘરે ગયા પછી સરપંચે તેમની ૧૭ ભેંસ જોડે પોતાની ભેંસ પણ ભેળવી એટલે હવે ત્યાં કુલ ૧૮ ભેંસ થઇ. તેમણે કહ્યું હવે ૧૮ ભેંસ છે તેનું અડધું એટલે કે ૯ ભેંસ મોટા દીકરાને આપી, ત્યાર બાદ વચલા દીકરાને ત્રીજા ભાગની એટલે કે ૬ ભેંસ આપી અને નાનાને નવમા ભાગની એટલે કે ૨ ભેંસ આપી. આમ ૯+૬+૨ = ૧૭ ભેંસો વહેંચી. આમ કરતા હવે એક ભેંસ બચી. સરપંચે કહ્યું કે આ હું લાવ્યો હતો એ મારી ભેંસ છે એટલે હું તે પાછી લઇ જાઉં છું.

      સરપંચના આ ઉકેલથી ન કેવળ ત્રણેય દીકરાઓ પણ હાજર રહેલા અન્ય ગ્રામવાસીઓ પણ ખુશ થયા અને સરપંચનું તાળીઓથી અભિવાદન કર્યું.

      દોસ્તો, કોઈ પણ સમસ્યાનો શાંતિથી અને સમજદારીથી વિચાર કરીએ તો કોઈને કોઈ ઉપાય મળી જ જાય

One thought on “ચતુરાઈ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *