દાદા અને પૌત્ર

  -   નિરંજન મહેતા

પૌત્રને પ્રશ્ન થયો હતોઃ મારે મારા માટે જીવવું જોઇએ કે અન્યો માટે?

મધુવનની મહેકઃ ડો. સંતોષ દેવકર

      ‘ચાલોને દાદા થોડી મજાક કરીએ.’ પૌત્રએ મજાકના ટોનમાં દાદાને કહ્યું.

‘?’

‘આ બૂટ સંતાડી દઈએ. આપણે જોઈએ તો ખરાં એ શું કરે છે?’

‘બેટા, આવી મજાક ન થાય. એ માણસ ગરીબ છે તો શું થયું?’

‘પણ… દાદા…. આ તો ખાલી મસ્તી જ. આપણે કયાં બૂટ લઈ લેવા છે?’ પૌત્રએ ખુલાસો કરતાં કહ્યું.

      દાદા અને પૌત્ર શનિ-રવિની રજાઓમાં ગામડે આવ્યા હતા. ખેતરના શેઢે ચાલતાં ચાલતાં તેમણે એક ખેડૂતને ખેતરમાં મજૂરી કરતો જોયો. તેણે સાઈડ પર પોતાના બૂટ કાઢીને મૂક્યા હતા. ત્યાંથી થોડેક દૂર ખેતરમાં કામ કરી રહ્યો હતો. પૌત્રને મજાક કરવાનું મન થયું.

‘દાદા, તમે કેમ ના પાડો છો?’ પૌત્રએ આગ્રહ કર્યો.

‘અરે, પણ…’ દાદાનું મન નહોતું માનતું. ‘સારું, તારે મજાક જ કરવી છે ને તો લે આ સિક્કા. તેને બૂટમાં મૂકી દે.’

‘સિક્કા? કેમ ?’ પૌત્રએ આશ્ચર્ય વ્યકત કર્યું.

‘બન્ને  બૂટમાં સિક્કા મૂકી દે પછી જોઈએ શું થાય છે.’ દાદાએ મજાક માટે છૂટ આપી.

     દાદા અને પૌત્ર ખેડૂતના બંને બૂટમાં   ૧૦ રૂ.ના  કેટલાક સિક્કા મૂકીને બાજુની ઝાડીમાં લપાઈ ગયા. તેઓ જોવા માગતા હતા કે, ખેડૂત શું કરે છે?  પૌત્રના મનમાં ભારે ઉત્સુકતા હતી.

     

      ખેડૂતનું કામ પૂરું થતાં તે ઘરે જવા તૈયાર થયો. તે બૂટ પહેરવા જાય છે ત્યાં કશુંક નક્કર તેના પગે અથડાયું. જોયું તો કેટલાક સિક્કા હતા. તેને આશ્ચર્ય થયું. આજુ બાજુ નજર નાખી પણ કોઈ જણાયું નહીં. તેણે સિક્કા હાથમાં લઈ ભગવાનનો આભાર માન્યો. બીજો બૂટ પહેરવા જતાં ફરી વધુ સિક્કા મળ્યાં. ખેડૂતની આંખમાં ઝળઝળિયાં આવી ગયા.

      તેણે આકાશ તરફ્ નજર નાખી અને કહ્યું, “હે પ્રભુ, તું કેટલો દયાળુ છે. હે પરવરદિગાર, તું આ સૃષ્ટિનો સર્જનહાર છે. તને બધાની ચિંતા હોય છે, બધી જ ખબર હોય છે. હું સવારથી ટેન્શનમાં હતો કે મારી બીમાર પત્નીની દવા કેવી રીતે કરાવીશ? મારા બાળકો માટે ભોજનની શી વ્યવસ્થા કરીશ? પણ હે કૃપાળુ, હે દીનાનાથ, તેં મારી સમસ્યા હલ કરી દીધી. ધન્ય છે પ્રભુ, ધન્ય છે. તારી કૃપા અપરંપાર છે.”

       દાદા અને પૌત્ર ઝાડીમાં સંતાઈને આ સંવાદ સાંભળી રહ્યા હતા. ખેડૂતના મુખ પર અલૌકિક પ્રકારનો આનંદ છવાઈ ગયો હતો. દાદાએ પૌત્ર સામે જોયું. પૌત્ર તો ન ધારેલી ઘટના બનવાથી દંગ થઈ ગયેલો. દાદાને શું જવાબ આપવો કશું સૂઝયું જ નહિ.

      ત્યારે દાદાએ તેના ખભા પર હાથ મૂકી કહ્યું, “બેટા, કોઈને મદદ માટે લંબાવેલો હાથ, કયારેક તેના માટે આશીર્વાદ બની જતો હોય છે. જાણે-અજાણે થઈ ગયેલી મદદનું મૂલ્ય અસાધારણ હોય છે.”

     જીવનમાં મજાક મસ્તીની ના નથી, પણ કોઈની ગરીબાઈ કે શારીરિક મર્યાદાની મજાક ન કરવી જોઈએ. આપણું જીવન બીજાને કેવી રીતે ઉપયોગી થઈ શકે એ માટે જ જીવન ખર્ચી નાખનારા લોકોથી ભારતદેશ અને તેની સંસ્કૃતિ મઘમઘી રહ્યાં છે. 

      મારા જીવનમાં મને મળેલી ક્ષણેક્ષણ (સમય) અને મને મળેલો કણેકણ (રૂપિયા) લોકોને ઉપયોગી બને તેની મથામણમાં જીવનારા લોકોનો આપણે ત્યાં તોટો નથી. તમારી પાસે અઢળક માલ-મિલકત ભલે હોય, પરંતુ ક્ષણ કે કણની નહિ પણ તમે કરેલા કર્મની જગત નોંધ લેતું હોય છે.

      જેની પાસે માત્ર પૈસો જ છે તેના જેવો ગરીબ આ જગતમાં બીજો કોઈ નથી. અને પુષ્કળ પૈસો હોવા છતાં પારકાની મદદ માટે હાથ ઊંચો ન કરી શકે તેના જેવો કમનસીબ બીજો કોઈ નથી. જમણો હાથ આપે ને ડાબા હાથને ખબર પણ ન પડે તેવાગુપ્તદાતાઓથી ભારતદેશ ઉભરાય છે.

      યોગ્ય જગ્યાએ, યોગ્ય વ્યકિતને, યોગ્ય સમયે, યોગ્ય વ્યકિત દ્વારા કરવામાં આવતી મદદ માનવીય સંબંધોનું આભૂષણ છે. ભગવાન એવા લોકો માટે કામ કરે છે, જેઓ પોતાની નહિ પણ પારકાની ચિંતા કરે છે.

     પૌત્રએ ગાંઠ વાળી કે, મારું જીવન મારા માટે નથી, પરંતુ અન્યની મદદ કરવા માટે છે. આજથી મારું દરેક કાર્ય બીજાને મદદરૂપ થવાનું હશે. અન્યના મુખ પર સ્મિત લાવવાનું મારા જીવનનું એકમાત્ર ધ્યેય હશે.

મિસરી

મદદ કરવી એ સેવા નથી પણ ફ્રરજ છે.

-સુરેશ સોની (સહયોગ)

સાભાર ‘સંદેશ’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.