માંદુ બાળક કોનું?

- ગીતા ભટ્ટ

     અમારાં ડે કેર સેન્ટરની પેરેન્ટ્સ હેન્ડબુકમાં લખ્યું છે:

     માંદા બાળકને બે વસ્તુની જરૂર હોય છે- હૂંફભર્યો પ્રેમાળ હાથ અને પૌષ્ટિક ખોરાક. 

      અને પછી સમજાવ્યું છે કે, કેવા કેવા સંજોગોમાં બાળકને ઘેર રાખવું જેથી એને હૂંફભર્યો યોગ્ય આરામ અને જોઈતું ન્યુટ્રીશન મળી શકે; અને સાજું  થઈને એ ઝડપથી સ્કૂલે આવી શકે.

     બાળકને તાવ હોય, ઝાડા ઉલ્ટી કે ચેપી પિન્ક આઈ જેવું કાંઈ હોય . વગેરે.. વગેરે.. તો બાળકને પ્રિસ્કૂલમાં લઇ આવવું નહીં.

     પણ વાત તમે માનો છો એટલી સરળ નથી. હા, આપણે ત્યાં એનાંથી કાંઈક જુદું હશે. આપણે પણ નાનાં હતાં,  માંદાય પડતાં અને ઘેર બાના હાથની રાબ, શિરો કે ખીચડી ખાઈને પછી તાજાં માજાં થઈને બીજે દિવસે વધારે ધિંગા મસ્તી કરવા નિશાળે પહોંચી જતાં. 

     જો કે હવે જમાનો બદલાઈ રહ્યો હશે.  પરિસ્થિતિ પણ બદલાઈ રહી છે ને ?   જુઓ , અમારાં બાલમંદિરમાં જેસિકાના કેસમાં શું બન્યું?

     ત્રણ - સાડા ત્રણ વર્ષની ફૂલ જેવી કોમળ અને પતંગિયાની જેમ કૂદતી ગાતી જેસિકા થોડા દિવસથી કજિયાળી બની ગઈ હતી. નાની નાની વાતમાં રડતી , કોઈ રમકડાંમાં પણ એને રસ નહીં, અને ખાવાનું પણ પૂરું ખાતી નહીં !   ‘કદાચ એને ઝીણો તાવ આવતો હશે’ મારુ બાલ માનસશાસ્ત્રનું જ્ઞાન એમ કહેતું હતું!

     'શિકાગોની સખત ઠંડીમાં ઘરમાં, સ્કૂલમાં અને ગાડીમાં હીટરની કૃત્રિમ ગરમી અને રસ્તા પરની સખત ઠડી, ગોદડાં જેવાં જેકેટ, સ્કાર્ફ, મોજામાં ઢબૂરાઈ હોવા છતાં આ બદલાતાં ગરમી ઠન્ડી ઉષ્ણતામાન તફાવતમાં એનાં શરીરની પ્રતિકાર શક્તિ ઓછી થઇ ગઈ હશે?  કદાચ તાવ આવતો હશે?'  મેં એની મમ્મીને મારી શંકા જણાવી .

      "ના રે! એ તો જરા થાકી જતી હશે.  તમે એને સ્કૂલમાં જરા વધારે સુવા દેજો." જેસિકાની મમ્મીએ કહ્યું.  પછી જરા ચિંતાથી કહ્યું કે, "અમારાં ઘરમાં કોઈ જેસિકાને સાચવવા વાળું નથી."

      "હું ઘેર રહીશ અને રજા પાડીશ તો મારી જોબ જતી રહેશે." જેસિકાની મમ્મીએ કહ્યું. "આમ પણ જેસિકા ખાવાની તો ચોર જ છે. ઘેર પણ એ બરાબર જમતી જ નથી. તમે તમારે એને ડે કેરમાં કોઈ જાતની ચિંતા કર્યા વિના રાખો! "- જેસિકાની મમ્મીએ સહજ રીતે વાત કરી .

     જોકે પ્રશ્ન તો હજુ એમને એમ જ ઊભો હતો. જેસિકા માંદી છે અને એણે ઘરે રહેવું જોઈએ - એમ મારુ મન કહેતું હતું. મને અમારા બાળપણના દિવસો યાદ આવ્યા. 

     બહારગામથી કોઈ મહેમાન ઘેર આવ્યાં હોય તો અમને ભાઈ બહેનોને મઝા આવી જાય.  ક્યારેક નિશાળે જવાનું મન ના થાય.  “મમ્મી, મને પેટમાં દુઃખે છે,” હું કહું.  પણ મમ્મી ધીમેથી પટાવીને અમને સ્કૂલે મોકલે. જો કે, એ પ્રાથમિક શાળાના દિવસો હતા. 

       જેસિકા ભાગ્યે જ સાડા ત્રણ વર્ષની, બાળમંદિરયણ હતી. અને એને ઝીણો તાવ હતો એવું મને છેલ્લા બે ચાર દિવસથી લાગતું હતું.  જો કે થર્મોમિટરમાં ટેમ્પરેચર  લગભગ નોર્મલ આવતું. પણ સિંગલ પેરેન્ટ એવી જેસિકાની મમ્મી એની નોકરી જવાના ડરથી ઘેર રહીને જેસિકાની કાળજી લેવા અસમર્થ હતી.

     

     પ્રિય વાચક મિત્રો! આવાં જ કોઈ અગમ્ય કારણથી જ તો હું આ બાલઉછેર ક્ષેત્રમાં આવી હતી ને? ! હા, એની વાત તો આગળ કરીશું, પણ જેસિકાના કેસમાં શું બન્યું તે જણાવું.

     આમ તો શિકાગો જે રાજ્યમાં છે તે, ઇલિનોઇમાં કાયદો છે કે, તાવવાળા બાળકો તાવ ઊતર્યા પછી ચોવીસ કલાક બાદ ડેકેરમાં જઈ શકે, તે પહેલાં નહીં.

     પણ આપણાં દેશમાં મારો ઉછેર થયો હોવાથી, જરા દયાભાવ અને લાગણી વગેરેને લીધે અને થર્મોમિટરમાં તાવ જણાતો ન હોવાથી મારાથી જેસિકાની મમ્મીને ખાસ કાંઈ કહેવાયું નહીં.

      બીજે દિવસે અમારાં ડે કેર સેન્ટરમાં જેસિકાની કલાસરૂમ ટીચરે જેસિકાને કલાસમાં આવવા દીધી. પણ કલાક પછી, બ્રેકફાસ્ટ સમયે જેસિકાને વધારે તાવ હોય તેમ લાગ્યું. અમે એનો તાવ માપ્યો અને તાવ વધારે હોવાથી ફર્સ્ટ એઇડ ચાલુ કરી. ભીનાં પોતાં મૂકવાં શરૂ કર્યાં અને એક ટીચરે પેરામૅડિક મદદ માટે ફોન કર્યો સાથે જેસિકાની ફાઇલમાંથી ઇમરજન્સી નંબરો ડાયલ કરવાં માંડ્યા.

     આ એ સમયની વાત છે,  જયારે મોબાઈલ ફોન એટલા પ્રચલિત નહોતા.  કમનસીબે એક પણ નંબર પર કોઈનો સંપર્ક ના થયો. પોલીસ , લાયબમ્બો- ફાયર ટ્રક -અને એમ્બ્યુલન્સ ગણતરીની મિનિટોમાં જ આવી ગયાં. જેસિકાને પ્રાથમિક સારવાર આપી ઇમરજન્સી રૂમમાં લઇ ગયાં. સાથે અમારાં સ્ટાફમાંથી એક બહેન પણ પોતાની ગાડીમાં ગઈ અને જેસિકાની મમ્મી પણ સીધી ત્યાં પહોંચી.

     જેસિકા તો સારી ટ્રીટમેન્ટ મળી એટલે દશ જ મિનિટમાં પછી હસતી રમતી થઇ ગઈ! પણ બ્લડ રિપોર્ટમાં આવ્યું કે એને ચાર પાંચ દિવસથી વધારે તાવ ઊતારવાની દવા આપવામાં આવી હતી.  જેસિકાની મમ્મી ઉપર કોઈ કાયદેસર કેસ તો ના થયો કારણ કે એ તેની મા હતી, પણ અમારી પાસે એ ખોટું બોલીને જેસિકાને સ્કૂલે મુક્વા આવતી હતી. એને આનો અફસોસ જરૂર થયો. એણે જે કર્યું હતું તે પોતાની નોકરી બચાવવા કરેલું.

     બીજે દિવસે એ ડે-કેરમાં આવી ત્યારે એણે સાચી પેટછૂટી વાત કરી.

      જો કે, ડિરેક્ટરની જવાબદારી માત્ર બાળક પૂરતી મર્યાદિત હોતી નથી. એમને માથે બીજી પણ ઘણી જવાબદારીઓ હોય છે. વાલીઓને  બાળ ઉછેર માટેની યોગ્ય માહિતી આપવી, સરકારના બાળક- મા બાપને લગતાં નવા લાભ - યોજનાઓ, નિયમોનો વગેરેથી માહિતગાર કરવાં વગેરે....

     “બહેન, નોકરી કરતાં આપણું બાળક શું વધારે મહત્વનું નથી? એટલે તો ગવર્મેન્ટ એકલ પેરેન્ટ્સને ઘણી આર્થિક સગવડો આપે છે; જેથી મા સ્વંતત્ર રીતે પોતાનું સંતાન ઉછેરી શકે.  આ નોકરી તો કાયમ રહેવાની જ છે.  યાદ રાખીએ કે હમણાં થોડા જ સમયમાં આ બાળક બાળક ન રહેતાં યુવાન બની જશે.  ત્યારે જેસિકાનેએનાં બાળપણની કેવી યાદો હશે? ફરીથી આ સમય પાછો નહીં આવે.  મહત્વનું શું છે?- તે પુખ્ત વયનાં આપણે જ નક્કી કરવાનું છે.”

     ત્યારે તો એ વાત ત્યાં જ પૂરી થઇ; પણ અમારાં ડે-કેરનું એ સૂત્ર બની ગયું :

     બાળકને સુંદર બાળપણ આપવાની પ્રત્યેક મા બાપની ફરજ છે, જેથી મોટી ઉંમરે બાળપણની મધુર યાદો તેમની પાસે કાયમ રહે.
     Childhood comes only once in a life time. Give children your very best. 

'બેઠક'  પર તેમના લેખ આ રહ્યા. 

નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.

શિકાગો
ઈલિનોઈ
--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *