બાળકોની સાથે સાથે-૨

- જયશ્રી મર્ચન્ટ

      આજે મને યાદ આવે છે એક બીજી મજા-મસ્તીની વાત, જે આપ સહુની સાથે વહેંચવા માંગુ છું. મિત્રો, તમને તમારા ભાઈબહેનો સાથે એકમેક પર આરોપ મૂકવાનું, અનેક નામે (જે બહુ સારા ન હોય – જેને અંગ્રેજીમાં “નેઈમ કોલિંગ” કહે છે) ચિડવવાનું, ઝઘડા અને મીઠ્ઠી મારામારી કરવાનું ગમે છે?

      હું જ્યારે મોટી થતી હતી ત્યારે મને પણ બહુ ગમતું. આજના સમયમાં તો બે કે ત્રણ ભાઈ-બહેનો હોય તો બસ થઈ ગયું પણ, અમે નવ ભાઈબહેનો હતાં! હું સૌથી નાની હતી. મારા બે ભાઈઓ અને બે બહેનો બહુ નાની ઉંમરમાં મૃત્યુ પામ્યાં હતાં. બચપણમાં મારી અને મારાથી અઢી વર્ષ મોટા ભાઈ વચ્ચે ખેલકૂદમાં હંમેશાં કઈં ને કઈં તકરાર થતી ને અમે ખૂબ ઝઘડતાં પણ ખરાં.

     એક વખત, અમે આઠેક છોકરા-છોકરીઓ નારગોળિયોની રમત(આઠેક સપાટ પથ્થરોની થપ્પી કરીને દડાથી મારવાની રમત  ***) રમતાં હતાં.

***  અહીં એ વિશે વિગતવાર જાણો

 હું અને મારો ભાઈ સામસામી ટીમમાં હતાં. મારો વારો આવ્યો ત્યારે હું જોઈએ એ પ્રમાણે દોડી ન શકી. અમારી ટીમ હારી ગઈ.

     અમારી ટીમના એક છોકરાએ મારા તરફ ફરીને કહ્યું, “તું જાડી છે એટલે દોડી ન શકી અને આપણે હારી ગયાં.” મારા ભાઈએ આ સાંભળ્યું અને તરત જ અમારા તરફ આવીને પેલા છોકરાને કહ્યું, “તારે જો એમ કહેવું હોય કે ‘તું દોડી નહીં બરાબર એટલે આપણે હાર્યા’, એ બરાબર છે. પણ, મારી બહેનને જાડી કહેવાની તારી હિંમત થઈ જ કેમ? તને એ હક આપ્યો કોણે?”

     મારો ભાઈ ઊંચો અને કસરતી શરીર ધરાવતો હતો. પેલો છોકરો કદાચ ડરી ગયો અને માફી માંગીને જતો રહ્યો. હું ત્યારે નવ વરસની હતી. મારા બાળ માનસને ત્યારે શું સમજાયું હતું એ તો આજે એકસઠ વરસો પછી યાદ નથી. પણ, આજે સિત્તેર વર્ષની ઉંમરે, જ્યારે હું મારા પૌત્રોને અંદર અંદર ઝઘડતાં જોઉં છું તો જ્યાં સુધી એ બેઉ એકેમેકને કોઈ ઈજા ન પહોંચાડે ત્યાં સુધી વચ્ચે નથી પડતી.

     એમના મમ્મી-પપ્પાએ એકવાર વાતવાતમાં મને પૂછ્યું, કે, "હું મારા પૌત્રોને એકમેક સાથે આમ રમતરમતમાં ઝઘડતાં કેમ રોકતી નથી?" તો હું હસીને એટલું જ કહેતી રહું છું કે એ બેઉ ભલે એકમેક સાથે ઝઘડે. અન્ય કોઈ એક કે બેઉ સાથે લડવા આવે તો, બેઉ એકમેક માટે ઊભા થાય તે માટે એમનું આમ એકબીજા સાથે લડવું-ઝઘડવું ખૂબ જરૂરી છે.

     એના પછી મેં મારા બાળકોને આજથી ચાળીસ વર્ષ પહેલાં, ભારતમાં, મુંબઈ શહેરમાં, હું મારા બાળકોને ઉછેરી રહી હતી ત્યારનો એક પ્રસંગ કહ્યો, જે અહીં આપ સહુ સાથે “શેર” કરતાં મને ખૂબ જ આનંદ થાય છે.

       આ વાત, મારી દિકરી ત્યારે પાંચ વરસની અને દિકરો ચાર વરસનો હતો, ત્યારની છે. અમારા બેઉ બાળકો વચ્ચે ઉંમરનો તફાવત ઓછો હતો આથી બેઉ સાથે રમતાં ઘણું અને એક નાના કાગળના ટુકડા માટે ઝઘડતાં પણ ખૂબ. તમને થોડી મજાકની વાત કરું તો ત્યારે અમારા કુટુંબમાં બધાં જ કહેતાં “બે દુશ્મન દેશોમાં પેદા થવા વાળા, એક દેશમાં પેદા થયાં છે.”

     હું અને મારા પતિ પણ સાથે હસી લેતાં. એક વખત, મારા પતિ, મારી દિકરીના જન્મદિન નિમિત્તે, રમકડાનો પિયાનો લઈ આવ્યા. અમારા બિલ્ડિંગમાં રહેતી, સાત-આઠ વર્ષની એક બીજી છોકરી પણ ત્યારે અમારા ઘરમાં, મારી દિકરી સાથે રમી રહી હતી. મારી દિકરી પિયાનો જોઈને ખૂબ ખુશ થઈ.

     એ છોકરીએ મારી દિકરીને કહ્યું, “હું પહેલાં આ પિયાનો વગાડું અને તું તાળી વગાડ. મારું થઈ  રહેશે, પછી તું પિયાનો વગાડજે અને હું તાળીઓ વગાડીશ.”

     મારી દિકરીએ ખુશીથી એને પિયાનો વગાડવા આપ્યો અને મારી દિકરી પોતે, કોઈ પણ તાલ કે લય કે સૂર વિના વાગતાં પિયાનો સાથે, એટલા જ તાલ, લય કે સૂર વિનાની તાળીઓ વગાડતી રહી! એ બેઉની આ રમત લગભગ પંદરેક મિનિટ ચાલી.

      પછી, પેલી છોકરી કહે, “હવે હું ઘરે જાઉં છું. તું એકલી આ પિયાનો સાથે રમ.” હું પણ ત્યાં જ સોફા પર બેસીને કોઈ તો બુક વાંચી રહી હતી અને બધું જ સાંભળી રહી હતી. મારા દિકરાને પિયાનો સાથે રમવામાં કોઈ જ રસ નહોતો એટલે એ પણ એની રમકડાની કાર લઈને, બેઉ છોકરીઓની આજુબાજુ રમતો હતો.

     મારી દિકરી રડી પડી અને કહે, “તેં કહ્યું એમ, મેં તાળી વગાડી અને તેં પિયાનો. હવે જ્યારે મારો વારો પિયાનો વગાડવાનો આવ્યો તો તું જતી રહે છે, એ સાચું નથી.” પેલી છોકરી તોયે ઊભી થઈને બહાર જવા લાગી તો મારો દિકરો, એની રમત છોડીને આડો ઊભો રહ્યો અને કહે, “તું ક્યાં જાય છે? હું સાંભળતો હતો જ્યારે તેં કહેલું કે તારો પિયાનો વગાડવાનો વારો પતી જશે પછી મારી બહેન પિયાનો વગાડશે અને તું તાળી વગાડીશ. તું હવે તાળી વગાડવા નહીં રહે તો હું બધાંને કહીશ કે તું ચીટર છે..!”

      પેલી છોકરી મારા દિકરાને ધક્કો મારવા ગઈ તો મારા દિકરાએ એને રોકી. મારી દિકરી કહે, ”ભાઈ, જવા દે એને. મારે હમણાં પિયાનો વગાડવો જ નથી.” તો મારો દિકરો કહે, “પણ મારે વગાડવો છે. અને હું વગાડીશ ત્યારે એ તાળી પાડશે.”

     હું ત્યાં બુક વાંચતાં, ધ્યાન પણ રાખતી હતી કોઈ કોઈને ઈજા ન પહોંચાડે કે એલેફેલ ન બોલે, પણ, મારે કઈં બોલવું જ ન પડ્યું. અંતે, પેલી છોકરી કમને બેઠી. મારી દિકરી તો એની બુક લઈને વાંચવા બેસી ગઈ હતી. મારા દિકરાએ પાંચેક મિનિટ પિયાનો માંડ વગાડ્યો, પણ, એણે એ છોકરી પાસે તાળીઓ પડાવી પછી જ જવા દીધી!

      બાળ મિત્રો, કોઈને પણ હાનિ પહોંચાડ્યા વિના ભાઈઓ કે ભાઈ બહેનો ઝઘડશે નહીં તો, એકમેકને એટલો પ્રેમ કરતાં કેમ શીખશે જેથી એકબીજા માટે અને એકમેક સાથે ઊભાં રહી શકે?    


નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.

-- -- --

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *