વિક્રમ સારાભાઈ

ડો. વિક્રમ સારાભાઈ

અમદાવાદનું એક ધનાઢ્ય ઉદ્યોગપતિ પરિવાર, ઉનાળાની ગરમીથી બચવા સિમલામાં પોતાના મકાનમાં રહેવા જતું, અને ત્યાંથી એમના વ્યાપાર-ઉદ્યોગનો કારોબાર ચલાવવા જરૂરી સ્ટાફને પણ સાથે લઈ જતું.

એકવાર આખું કુટુંબ દોઢેક મહિના માટે સિમલા ગયેલું. ધંધાના કામકાજ અંગે રોજ એમને ઢગલાબંધ ટપાલ આવતી. કુટુંબના પ્રત્યેક સભ્ય પોતાની ટપાલ વીણી લઈ, પરબીડિયાં ખોલી અને વાંચતાં. કુટુંબનો એક નાનો છોકરો બધું જોતો. એના એકલાના નામની કોઈ ટપાલ આવતી નહિં. એક દિવસ એણે એના પિતાના સેક્રેટરીને કહ્યું, મને મારૂં નામ અને સરનામું લખેલાં, ટપાલ ટીકીટ ચોંટાડેલાં થોડાં પરબિડિયાં તૈયાર કરી આપો. સેક્રેટરીએ કરી આપ્યાં. પછી છોકરો રોજ પોતે પોતાને પત્ર લખી, પરબિડિયાંમાં નાખી, નજીકના પોસ્ટઓક્ષમાં નાખી આવતો. બધાની ટપાલ સાથે એની પણ ટપાલ આવવા લાગી. બધાની જેમ પણ પરબિડિયું ખોલી પોતાની ટપાલ વાંચતો.

એના પિતાએ બે-ત્રણ દિવસ જોયું, પછી એક દિવસ પૂછ્યું, “તને રોજ ટપાલ કોણ લખે છે?” બાળકે હકીકત સમજાવી, તો એના પિતા હસી પડ્યા.

બાળક એટલે ભારતના અવકાશ વિજ્ઞાની ડો. વિક્રમ સારાભાઈ. જાણીતા ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈ, અને સરલાદેવીના સુપુત્ર. મોટા થયા પછી એમને એટલી ટપાલ આવતી, કે ટપાલને નિપટાવવા એમને સેક્રેટરીઓ રાખવા પડેલા.

વિક્રમનો જન્મ ૧૨ મી ઓગસ્ટ ૧૯૧૯ ના અમદાવાદમાં થયેલો. સંજોગોવશાત દિવસ રક્ષાબંધનનો હતો. વિક્રમભાઈ કોઈ શાળામાં જઈને ભણ્યા હતા. એમના બંગલાના કંપાઉન્ડમાં એમના માટે શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી હતી. શહેરના ઉત્તમ શિક્ષકો એમને ભણાવવા આવતા. External વિદ્યાર્થી તરીકે એમણે મેટ્રીકની પરીક્ષા પસાર કરી. બે વર્ષ અમદાવાદની એક કોલેજમાં વિજ્ઞાન શાખામાં અભ્યાસ કરી, વધારે અભ્યાસ કરવા ઈંગ્લેન્ડ ગયા. ૧૯૩૯ માં ૨૦ વર્ષની વયે કેંબ્રિજ યુનિવર્સીટીમાંથી ગ્રેજ્યુએટ થયા. ત્યાં પોસ્ટ ગ્રેજ્યુએટનો કોર્સ શરૂ કર્યો ત્યારે બીજુ વિશ્વયુધ્ધ શરૂ થઈ જતાં એમને ભારત પાછા ફરવું પડ્યું. સ્વદેશ આવી તેમણે બેંગલોરની વિશ્વ વિખ્યાત Indian Institute of Science માં જોડાઈ, ભારતના મહાન વૈજ્ઞાનિક ડો. સી. વી. રામનના માર્ગદર્શન હેઠળ કામ કરવાનું શરૂ કર્યું. ૧૯૪૧ થી ૧૯૪૫ સુધી ત્યાં કામ કરી પોસ્ટ ગ્રેજ્યુએટ ડીગ્રી મેળવી. અહીં એમનો પરિચય ભારતના બીજા મહાન વૈજ્ઞાનિક ડો. હોમી ભાભા સાથે થયો.

વિશ્વયુધ્ધ પુરું થયું પછી વિક્રમભાઈ પાછા કેમ્બ્રીજ ગયા અને ત્યાં ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી. ની ડીગ્રી મેળવી ભારત પાછા ફર્યા. ભારતમાં આવી એમણેફીઝીકલ રીસર્ચ લેબોરેટરી (PRL)” ની સ્થાપના કરી.

એમના કુટુંબના કાપડ ઉદ્યોગને સહાયભૂત થવા એમણે અમદાવાદમાં ATIRA નામની સંસ્થાની સ્થાપના બીજા ઉદ્યોગપતિ કસ્તુરભાઈ લાલભાઈની સાથે મળીને કરી. અમદાવદમાં IIM (ઈન્ડિયન ઈનસ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ) જેવી રાષ્ટ્રીય કક્ષાની શિક્ષણ સંસ્થા શરૂ કરવામાં પણ વિક્રમ સારાભાઈનો હાથ હતા. આમ એક પછી એક આસરે ૩૦ જેટલી સંસ્થાઓની સ્થાપના માટે મહદ અંશે વિક્રમ સારાભાઈ જવાબદાર હતા.

૧૯૬૨ માં ડો. વિક્રમ સારાભાઈને અંતરિક્ષ વિભાગની જવાબદારી સોપવામાં આવી. એમની દોરવણી હેઠળ ISRC (Indian Space Research Center)ની સ્થાપના થઈ જે આજે આશ્ચર્યજનક પ્રગતિ કરી ચૂકી છે. ઉપગ્રહોની મદદથી ટી.વી.નું પ્રસારણ કરવાની દીશામાં પણ એમણે પહેલ કરેલી. ડો. વિક્રમ સારાભાઈ ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા હતા.

૧૯૭૧માં માત્ર બાવન વર્ષની નાની વયે અચાનક એમનું અવસાન થયું. જીવનની છેલ્લી ક્ષણ સુધી અવકાશી સંશોધનમાં વ્યસ્ત રહી ડૉ. વિક્રમભાઈએ આમ વિજ્ઞાન-જગતની ઉત્તમ સેવા કરી. ૧૯૭૨ માં ભારત સરકારે એમને મરણોત્તર પદ્મવિભૂષણ સન્માનથી નવાજ્યા હતા.

-પી. કે. દાવડા           

                               

-
--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.