હોબી – ૨, નૃત્ય

 - જિગીષા પટેલ

વ્હાલા બાળમિત્રો,

   જ્યારે તમે બહુજ ખુશ થઈ જાઓ છો ત્યારે તમે શું કરો છો? તમારી ખુશી બતાવવા તમે નાચવા માંડો છો. કૂદવા માંડો છો - બરાબર ને? તો આજે આપણે વાત કરીએ છીએ નાચવાની એટલેકે નૃત્યકલાની, નાટયકાર કે સિનેમાના એકટર બનવાની.

     દરેક માણસની અંદર એક એકટર છુપાએલ છે, અને તે પોતાના આનંદ, સુખ, દુ:ખ નૃત્ય દ્વારા અભિવ્યક્ત કરે છે. (બતાવે છે.) આ અભિવ્યક્તિને જુદા જુદા દેશ,રાજ્ય અને પ્રાંતોએ પોતાની આગવી રીત અને આગવી પરંપરાથી સામાન્ય લોકોમાં પ્રચલિત કરી છે. તેને તે રાજ્ય કે પ્રાંતનું લોકનૃત્ય કહે છે.   લગ્નપ્રસંગે,મેળામાં,હોળી ,નવરાત્રિ જેવા તહેવારોમાં મિત્રોને કુટુંબીજનો ભેગા મળી પોતાના હૈયાનો આનંદ આ લોકનૃત્ય કરીને વ્યક્ત કરે છે.

     ગુજરાતીઓ ભેગા થાય તો ગરબા કરે. રાજસ્થાનીઓ ઘુમ્મર કરે,  મહારાષ્ટ્રિયન લાવણી કરે,પંજાબી ભાંગડા કરે, ઉત્તરપ્રદેશમાં રાસલીલા કરે, કાશ્મીરમાં રૌફ કરે તો છત્તીસગઢમાં રાઉટ નાચ કરે.  આ સિવાય ડાંગના આદિવાસીઓ  માથામાં પીંછાનો મુગટ પહેરી આદિવાસી નાચ કરે અને સૌરાષ્ટ્રના કાઠિયાવાડી પુરુષો કેડિયું પહેરી સ્ત્રી પુરૂષો  સાથે રાસ રમે. આમ દરેક પ્રદેશનાં નાચ સાથે પહેરવેશ અને લેઝીમ, લાકડી ને દાંડિયા જેવી અલગ અલગ વસ્તુ પણ હોય.

     આ ઉપરાંત દરેક પ્રાંતની શાસ્ત્રીય નૃત્યની પણ એક આગવી શૈલી હોય છે. તેના માટે તમારે તે નૃત્યકલામાં પારંગત ગુરુ પાસે છ થી સાત વર્ષ ધીરજ અને ખંત પૂર્વક તાલીમ લેવી પડે.  તો જ તમે તેમાં પારંગત થાઓ.  દરેક પ્રાંતની ભિન્ન ભિન્ન નૃત્યકલા જુદા જુદા નામે ઓળખાય અને તેની રજૂઆત પણ એકદમ અલગ હોય. તામિલનાડુની નૃત્યશૈલી ભારતનાટ્યમ્ તરીકે ઓળખાય. ઉત્તર ને પૂર્વ ભારતમાં કથ્થક, કેરલમાં કથકલી,આંધ્ર અને તેલંગાણામાં કુચીપુડી,ઓરિસ્સામાં ઓડીસી, આસામમાં સત્તારિયા અને મણીપુરમાં મણીપુરી નામે  ઓળખાય.

     આમ આપણો ભારતદેશ વિવિધ કળા અને સંસ્કૃતિથી છલકાતો દેશ છે.  આપણી કલા અને સંસ્કૃતિ આખી દુનિયામાં અતિ પ્રાચીન છે. દરેક નૃત્ય સાથે તેનું પોતાનું ગીત, સંગીત અને વાજિંત્ર હોય છે - તે જે તે લોક નૃત્ય કે શાસ્ત્રીય નૃત્યને ચાર ચાંદ લગાવી દે છે. ઢોલ સાથે ગરબા રમવાની મઝા બધા ગુજરાતીએ માણી જ હોય ને?

     તમારી અંદર પણ નૃત્ય કરવાની મજા છૂપાએલી જ છે.  તે તમારે શાસ્ત્રીય કે તમારા પ્રાંતનો નાચ શીખીને જાણવું છે કે નહીં - તે તમારા પર આધાર રાખે છે.  નૃત્યમાં સંગીત છે, પ્રભુ પ્રાર્થના છે.  તે કરીનેજ તમે તે અનુભવી શકો ને?

     સિનેમાના કે નાટકના એકટર બનવાની વાત હવે પછી....

-- -- -- -- --
-- -- -- -- --

3 thoughts on “હોબી – ૨, નૃત્ય”

  1. વાહ રે વાહ! માહિતી સભર લેખ અને અત્યુત્તમ દશ નૃત્યોની વિડિઓ ! બીજા બધી વિડિઓ પણ સરસ છે .. લેખને નૃત્ય કરી ડોલાવે છે!!

  2. મજાનો લેખ. વીડિયો ક્લિપ્સ પણ ઉત્કૃષ્ટ… અભિનંદન!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.