રોલ નંબર – ૧૧

     - અજય ઓઝા

    રોલ નંબર અગિયાર..

     ‘યસ સર..’ દરવાજે ઊભેલા એક મોટી ઉંમરના છોકરાએ જવાબ આપ્યો. એ મારા વર્ગનો નહોતો.

     ‘અરે વિશાલ..? તુ ? કેમ અત્યારે ?’ હું તેને ઓળખી ગયો. મારો જૂનો વિદ્યાર્થી.  હા, એ વખતે એનો નંબર પણ અગિયાર જ હતો. મેં પૂછ્યું, ‘બોલ ને. કેમ આ બાજુ ?’

     ‘બસ મારા મોટા ભાઈના બાબાને મૂકવા આવ્યો હતો. અહિથી નિકળ્યો ને તમે મારો રોલ નંબર બોલ્યા એટલે થયું કે હાજરી પૂરાવતો જાઉં !’ કહેતા એ હસી પડ્યો.

      ‘સારુ ભાઈ, ભણવાનું બરાબર ચાલે છે ને ? હવે તો પતંગમાં બહુ જીવ નથી રહેતો ને ?’ મેં હસતા હસતાં પૂછ્યું.

     એની આંખો પહોળી થઈ ને કાન પકડીને બોલ્યો, ‘અરે હોય કંઈ? હવે તો પતંગમાં જરાય નહિ હો, હું એ દિવસ ભૂલ્યો નથી.’

      મને ખબર હતી એ દિવસ તે ભૂલી નહિ શકે. મને પણ એ દિવસ બરાબર યાદ હતો. હું ત્યારે પણ આમ જ હાજરી પૂરતો હતો, ‘રોલ નંબર અગિયાર..?’

      કોઈ બોલ્યું નહિ. મેં જોયું તો સતત છેલ્લા ચાર દિવસથી એ ગેરહાજર રહેલો. એટલે મેં તપાસ કરી તો બીજા વિદ્યાર્થીઓએ કહ્યું કે, એ તો પતંગ ઊડાડતો હોય છે. મને ખ્યાલ આવ્યો કે પતંગના દિવસોમાં એ નિશાળ પણ ભૂલી જાય છે.

     એ દિવસે હું બાળકોને કામ આપીને નીકળી ગયો. વિશાલના ઘેર પહોંચ્યો ત્યારે એ ઘરે નહોતો. ઘરકામ કરી રહેલા એના મમ્મી કહે, ‘ક્યારનો પતંગ ઊડાડે છે, કોઈનું માનતો નથી, નીચે ઊતરતો જ નથી. તમે સમજાવો હવે તો.’

      મેં પૂછ્યું, ‘કોની અગાસી ઉપર છે ?’ વિશાલના મમ્મી કહે, ‘અગાસી કોને છે, એ તો આ ઉપર છાપરે ચડ્યો છે.’ એમણે છાપરા તરફ ઈશારો કર્યો. હું ખખડધજ છાપરાને જોતો રહ્યો.

     ‘ક્યાંથી જવાશે ?’ મેં પૂછ્યું.

       ‘ઈવડો ઈ તો આ ટાંકી ઉપરથી હડેડાટ ઠેકડો મારે;  પણ તમે...’

      ‘તમે એનું દફતર તૈયાર કરો.’ કહી હું ઉપર ચડવા તૈયાર થયો.

     

    હું હિંમત કરીને ટાંકી પરથી બાથરુમના પતરા ઉપર ને એની ઉપરથી ખોરડા ઉપર ચડી ગયો. ખોરડું ઊંચા ઢાળવાળું અને એટલું લાંબું હતું કે, વિશાલ મને ક્યાંય દૂર દેખાયો. પણ ધીમી ચાલે નળિયા ખખડાવતો હું જાળવીને એની પાસે પહોંચ્યો તોયે એને ખબર ન રહી એટલો એ પતંગ ઊડાડવામાં વ્યસ્ત હતો.

      એટલી વારમાં તો ફળિયામાં બીજા પાડોશીઓ પણ ભેગા થઈ જોવા લાગ્યા કે, આ માસ્તર પતંગ લૂટવા ચડ્યા કે શું! પણ વિશાલ તો એના પતંગના આકાશમાં જ ખોવાયેલો અને મશગુલ.  આસપાસની પરિસ્થિતિ સાથે એને કશી લેવાદેવા નહોતી. એ એકલો હોવા છતા બરાડા પાડતો હતો. હુ એની સાવ લગોલગ ઊભો રહ્યો પણ એને એની ખબર જ નહિ.

       વિશાલના પતંગનો પેચ કોઈ સાથે લાગ્યો હતો  અને બરાબર એ જ વખતે દોરો નળિયામાં ફસાયો. એ ખરેખરો અકળાયો. એ એટલો વ્યાકુળ બનવા લાગ્યો કે, મને થયું કે મારે જલ્દી એની મદદ કરવી જ પડશે. પરિણામે હું એને નિશાળે લઈ જવા આવ્યો છું; એ વાત ઘડીભર વિસરાઈ ગઈ.

      મેં તરત જ ઝડપથી ફીરકી પકડી લીધી ને દોરો સરખો કરી આપ્યો. ફીરકીમાંથી છૂટો દોર પતંગ તરફ અનુકૂળ થઈ દોડવા લાગ્યો. મારી સમયસૂચકતાને કારણે એની મજા જળવાઈ રહી. બીજી જ મિનિટે એણે એ પૅચ કાપ્યો ને રાડો પાડતો કૂદવા લાગ્યો.

     નળિયા ખૂંદતો, કૂદતો એ મારી બાજુ ફર્યો કે, તરત જ મે હાથ લાંબો કર્યો, એણે મને ખુશી માં ને ખુશીમાં તાળી આપી દીધા પછી મારા ચહેરા સામે જોયું. એના  હાથમાંથી દોરો મૂકાઈ ગયો, કૂદકા મારવામાં તૂટેલા નળિયામાં એક પગ ફસાઈ ગયો, સાજોસમો ઉડી રહેલો પતંગ કપાઈ ગયો. એના છોભીલા ચહેરાને જોયા પછી ન મને કશું કહેવાની જરૂર લાગી -  ન એને કશું સમજવામાં વાર લાગી.

      મેં એને હાથ પકડીને નીચે ઉતાર્યો. તેની મમ્મીના હાથમાં એનું દફતર તૈયાર જ હતું. મેં તેનો હાથ પકડીને કહ્યું, ‘ચાલ હવે નિશાળે, હું તને લેવા જ આવ્યો છું.’

       એને બહુ સંકોચ થયો. આજે પણ એ વાત યાદ કરતા શરમના એવા ભાવ ઉપસી જ આવ્યા, જેવા એ સમયે મેં એના ચહેરા પર જોયા હતા. પણ ત્યારે એકઠું થયેલું આખુંય ફળિયું અમારા જોડાયેલા હાથોમાં સમાયેલી દોસ્તીની અદેખાઈ પણ કરી જ રહ્યું હશે. આજે પણ!

     આજના અગિયાર નંબરની ગેરહાજરી ટેબ્લેટમાં મૂકાઈ ગઈ. કદાચ એને પણ કોઈ છાપરેથી ઉતારવા મારે જવું જ પડશે.


નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.

-- --

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *