રોલ નંબર – ૧૨

     - અજય ઓઝા

     "રોલ નંબર બાર."

     :યસ સર.." આ નિરવ. સખત ધમાલિયો અને તોફાની. કોઈને ગાંઠે જ નહિ. ભણવામાં તો ચિત્ત જ નહિ. લેશન નહિ કરવાનું. ચોપડી જ ખોલવાની નહિ.  આમ તો એ આ વર્ષથી જ મારા વર્ગમાં આવેલો. જૂઓ ને, તાજેતરનો જ જાડા કાચવાળા ચશ્મામાં એનો ફોટો પણ કેવો આવ્યો છે!

     મારી પાસે આવ્યો ત્યારે કંઇ પણ વાંચવાનું એને આવડે નહિ. ક્યારેક બળજબરીથી કંઈ વંચાવીયે તો એકાદ મિનિટ ક...ચ...ટ..ત... આડું અવળું બોલે ને પછી આંખો એકદમ જીણી કરતો કહે, ‘સાહેબ... બહુ માથુ દુઃખે છે.’

    એના પપ્પાને બોલાવ્યા, તો એણે પણ આમ જ જણાવ્યું, "બે મિનિટથી વધુ વાંચવું લાટસાહેબને ગમતું નથી, ને રોજ માથું દુખવાની ફરિયાદ કરીને લેશનમાંથી છટકી જાય.   તમે જ કંઈ કરો તો ઠીક બાકી મારે એને હવે બહુ ભણાવવો જ નથી. "

    એના પપ્પા તો બધું મારા પર છોડી મુક્ત થઈ ગયા. હવે, મારે એને ભણાવવો કે, એનું માથુ દુખતું મટાડવું એ નક્કી કરવામાં કેટલાક દિવસો પસાર થઈ ગયા. જો એને વાંચતા પણ નહિ આવડે તો ગુણોત્સવથી ડરતા બીજા શિક્ષકોની જેમ મારે પણ ડરવું પડશે. ને છેવટે એનો દુખાવો મારા માથાનો દુખાવો બની જાય. એટલે શિક્ષક હોવા છતા ડોક્ટર બની એના દુખાવાનો ઈલાજ શોધવા હું મજબૂર બન્યો.

     શાળામાં આંખના ડૉક્ટર આવ્યા એટલે સૌથી પહેલા નિરવની આંખોની તપાસ કરાવી. આશ્ચર્ય વચ્ચે તેને એક આંખમા નવ અને બીજી આંખમાં અગિયાર નંબર નિકળ્યા! ડૉક્ટર કહે, "આ બાળકને ચશ્મા વગર ચાલી જ ન શકે. કંઈ પણ જોવે તો એને ધૂંધળું જ દેખાય. ચશ્મા ફરજિયાત."

    હું બધું સમજી ગયો. એમ થયું કે હું જીતી જ ગયો. ઉપાય મળી ગયો. તેને ચશ્મા આવી જશે એટલે વાંચતા લખતા શીખવવામાં કેટલી વાર?

     થોડા દિવસમાં તેને માટે નવા જાડા કાચના ચશ્મા આવી ગયા. એટલે પહેલે જ દિવસે મેં એને બોલાવ્યો, ‘ચાલ હવે આજે આ વાંચ જોઉં.’

     મને એમ હતું કે હવે મારી ચિંતા ટળી છે, પણ એવું બન્યું નહિ. બે-ચાર અક્ષરો વાંચ્યા ને પાછો કહે, ‘માથું દુખે છે.’

      આ છોકરો મારું માથું દુખાવ્યા વિના રહેશે નહિ એને મને ખાતરી થઈ ગઈ. પણ આમીરખાનનો પેલો ડાયલોગ મને યાદ રહી ગયેલો, "મૈં અપને કમજોર સ્ટુડન્ટ કા હાથ કભી નહિ છોડતા."

      હવે આ સમસ્યા કોને કહેવી? આચાર્યસાહેબે પણ હાથ ઊંચા કરી દીધા. બીજું કોણ મદદ કરે? - એના વિચારોમાં કેટલાક દિવસો ગયા હશે ત્યાં જ એકવાર શાળામાં વિકલાંગ બાળકોના એક શિક્ષક પધાર્યા.

      મોટેભાગે તો વિકલાંગ બાળકોના ખાસ શિક્ષક માત્ર ‘કેસ’ શોધવા જ આવતા હોય છે. અને સપ્તાહમાં એક વિઝીટ કરી પોતાની રૂટીન ડાયરી ભરી જતા રહેતા હોય છે. પણ આ હમણાં જ નવા નિમાયેલા એટલે વળી મારા વર્ગ સુધી આવ્યા અને મારે પરિચય થયો. મારા વર્ગની વાત કર્યા પછી મને થયું કે,  'લાવ, આમને પણ નિરવની વાત કરી જોઉં, કદાચ કોઈ રસ્તો મળે પણ ખરો.'

      સાચું કહું તો એ શિક્ષકને ખરેખર નિરવ માટે ભગવાને જ મોકલ્યા હશે. મેં વાત કરી એટલે તરત જ બોલ્યા, ‘નિરવને આ પ્રકારની તકલીફ છે;  તો સૌથી પહેલા મને જ કહેવાનું હોય ને?  એ છોકરાની જવાબદારી મારી જ કહેવાય."

     મને આશાનું કિરણ ફૂટતું જણાયું, "પણ એને ચશ્મા કરાવ્યા છતા માથાનો દુખાવો મટતો નથી, સાચું બોલતો હશે ? શું લાગે છે ?"

     નિરવ સાથે થોડી વાતચીત કર્યા પછી એમણે મને કહ્યું, "હા, એ સાચું જ બોલે છે. કારણ કે આંખની આ તકલીફ એને બાળપણથી હોવી જોઈએ અને દિવસે દિવસે વધતી ગઈ હોય. મજૂર મા-બાપ બહુ આંખની તકલીફને ગંભીર ગણે નહિ ને બાળકને તો પોતાનું વિઝન નબળું છે એની સમજ જ હોય નહિ. એને તો એમ જ લાગે કે સૌને આવું જ દેખાતું હશે."

   "પણ ચશ્મા આવ્યા પછી પણ... ?" મને સમજાયું નહિ.

     ‘જૂઓ સાહેબ, આટલા વરસો સુધી એને આમ જ વાંચન કરતી વખતે માથુ દુખ્યા કર્યું હોય, તો એ તકલીફ આમ ચશ્મા આવ્યાના થોડા દિવસોમાં દૂર થાય એ સંભવ નથી."

  "તો.. મારે રાહ જોવી ? કોઈ ઉપાય ?"  મેં પૂછ્યું.

   "હા, એક રસ્તો છે. દૃષ્ટિમંદ બાળકો માટે આપણી પાસે ‘લાર્જ પ્રિન્ટ’ પાઠ્યપુસ્તકો આવે છે. એ હું તમને લાવી આપીશ. તમે માત્ર એનો ફોટો અને મેડીકલ સર્ટી તૈયાર રાખો, હું કાલે આવું છું."  કહી એ શિક્ષક જતા રહ્યા.

     બીજે દિવસે એ દેવદૂત સમાન શિક્ષક આવીને પાઠ્યપુસ્તકની લાર્જપ્રિન્ટ આપી ગયા. એ જમ્બો સાઈઝના પુસ્તકો સાચવવા મેં એક મોટો થેલો પણ લાવી આપ્યો. વર્ગમાં આવડા મોટા પુસ્તકોને સાચવવા કબાટનો એક કોર્નર નિરવને ખાલી કરી આપ્યો.

      હવે એ ખુશ રહે છે. બીજા કરતા લગભગ ત્રણ ગણી સાઈઝના પુસ્તકનું એને ગૌરવ અનુભવાય છે. એને પુસ્તકો ખોલીને ભણવામાં વર્ગની સારી એવી જગ્યા ફાળવવી પડે છે, ને એ જમીન પણ જાણે એના નામે થઈ હોય એમ એ રાજી થઈને પુસ્તકો ખોલી બેસી જાય છે. પુસ્તકોમાં ચિત્રો અને સરળ વાક્યો વાંચવામાં એને રસ પડે છે.

      જોકે, અત્યારે તો માત્ર એના માથાના દુખાવાની ફરિયાદ થી જ છૂટકારો મળ્યો છે. એને વાંચતા શિખવવાનું તો હજી બાકી જ છે, મારો દુખાવો અને મારું કામ હજી પુરું નથી થયું.


નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.

-- --

One thought on “રોલ નંબર – ૧૨”

  1. વાહ! દરેક શિક્ષક જો આટલું ઝીણવટથી ફક્ત આવા બાળકનું આવું ધ્યાન રાખે તો ગુણોત્સવ રાખવાની પણ જરૂર ન પડે. તમે તો અમીર ખાન બની ગયા. અભિનંદન. આનંદ છે કે આવા શિક્ષકો પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.