વાત અમારા ગ્રેગરીની

   -   શૈલા મુન્શા

   

1-વાત અમારા ડેવિડની!

અમેરિકામાં સ્કૂલમાં બાળકોના એડમિશન ગમે ત્યારે થતાં હોય, કારણ નોકરીની બદલી, ઘરની બદલી આ બધી સહજ વાતો કહેવાય અને પબ્લિક સ્કૂલમાં  એ અરિયામાં રહેતા બાળકોને ના નપાડી શકાય.

સામાન્ય ક્લાસમાં નવું બાળક આવે એને ગોઠવાતા બહુ વાર ન લાગે, પણ જ્યારે માનસિક રીતે વિકલાંગ બાળકો આવે ત્યારે ફક્ત એમને જ નહિ, બીજાં બાળકોને અને શિક્ષકને પણ સમય લાગે.

અમારા “life skill” ના  ક્લાસમાં હમણા એક નવો છોકરો આવ્યો છે. નામ એનુ ડેવિડ. માનસિક રીતે ઘણો જ મંદ. આ બાળકોની એક ખાસિયત હોય છે. આ બાળકોના ચહેરા ગોળ હોય અને લગભગ બધા સરખા જ લાગે. આપણી ભાષામાં કહીએ તો આ બાળકોમાં ગાંડપણનુ પ્રમાણ વિશેષ હોય. આવા ચહેરાવાળા બાળકો મોંગોલિયન બાળક તરીકે  ઓળખાય. આ ડેવિડને જોઈ સાત આઠ વર્ષ પહેલા મારા ક્લાસનો બીજો ડેવિડ યાદ આવી ગયો.

આજે વાત  મારે બીજા ડેવિડની કરવાની છે. થોડા વર્ષો પહેલા હું “life skill” ના ક્લાસમાં ભણાવતી હતી. પહેલા ધોરણથી માંડી પાંચમા ધોરણ સુધીના બાળકો મારા ક્લાસમાં. વિવિધતાનો જાણે થાળ ભરેલો! કંઈ કેટલાય અનોખા અવનવા બાળકો હાથ નીચેથી પસાર થઈ ગયા.

મન પણ કેવું અજાયબ છે, આ બાળકોના મનમાં શું ચાલતું હશે એ તો સમજની બહાર છે પણ એમની કોઈ અનોખી વાત વર્ષો પછી પણ યાદ આવે ત્યારે ક્યારેક મનોમન હસવું પણ આવે અને ક્યારેક મન ગ્લાનિથી પણ ભરાઈ જાય.

ડેવિડ જ્યારે આવ્યો ત્યારે લગભગ દશ વર્ષનો હતો, ગોળ ચહેરો, ઉંચો અને વજન ખાસ્સું. જ્યારે જુઓ ત્યારે હસતો જ હોય. ટુંકા વાળ અને ચમકતા દાંત! બોલે કાંઈ નહિ પણ જાણે ગીત ગણગણતો હોય એવું લાગે. ક્લાસમાં થોડા નાના બાળકો પણ ખરાં, એમની પાસે ડેવિડ કદાવર લાગે.

ડેવિડના મગજની કઈ ચાવી ક્યારે ખોટા તાળામાં લાગે તે ખબર ન પડે. જેમ કોમ્પ્યુટર પર કોઈ વારતાં લખતાં હોઈએ અને સેવ કરીએ તે પહેલા કોઈ ખોટું બટન દબાઈ જાય ને પળમાં બધું ભુસાઈ જાય તેમ આ બાળકોના મનની પાટી ઉપર જે અંકાયું હોય તે કઈ ઘડીએ અને કયા કારણે ભુંસાઈ જાય એ સમજવું અઘરૂં પડે.

સામાન્ય રીતે તો ડેવિડ હમેશા ખુશમિજાજમાં હોય પણ ક્યાંક કમાન છટકે તો તાંડવ મચી જાય.

અમારા ક્લાસમાંબે મોટી બારી, જેના કાચ ઉપર કરી બારીની બહાર જઈ શકાય. ડેવિડને નાની વાર્તાની બુકમાં પ્રાણીઓના ફોટા જોવા ગમે, સાથે હાથમાં જો ક્રેયોન કલર પેન્સિલ આવે તો બુકમાં લીસોટાં કરવા ગમે.

ડેવિડ એવું કરે ત્યાં સુધી તો ઠીક, પણ એનુ જોઈ બીજા બાળકો પણ એમ કરે! મોટાભાગે તો અમે કલર પેન્સિલ સહેલાઈથી ડેવિડના હાથમાં ન આવે એનુ ધ્યાન રાખીએ, પણ જો બોક્ષ એના હાથમાં આવી ગયું તો પછી પાછું લેવું મુશ્કેલ.

એકવાર આવી જ કોઈ બાબતમાં ના પાડી, અને હજી કાંઈ વિચારીએ તે પહેલા તો ડેવિડ બારી ખોલી બહાર ભાગી ગયો. બીજાં બાળકો બેબાકળાં થઈ ડેવિડના નામની બુમ પાડવા માંડ્યા. તરત અમે ઓફિસનુ બઝર દબાવી જાણ કરી કે એક બાળક અમારા ક્લાસમાંથી બહાર નીકળી ગયો છે, અને ત્યારે મીસ હોપેક તરત બહાર નીકળીડેવિડને પાછો લાવવા ગઈ.

શાળાની ચારેતરફ લોખંડની ફેન્સ છે અને દિવસ દરમ્યાન કોઈપણ વિધ્યાર્થી સ્કૂલની બહાર ન જઈ શકે, પણ ડેવિડને પકડવો જરૂરી હતો. મીસ હોપેકે જોયું કે ડેવિડ તો ભાગીને સ્કૂલના નાનકડાં પાર્કમાં મન્કી બાર પર રમતો હતો.

ખરી મઝા તો એ દિવસે આવી જ્યારે મારું હસવું અને મારી ગભરામણ બન્ને રોક્યા રોકાતા નહોતા.

રાબેતા મુજબ અમે બાળકોને જમવા કાફેટેરિઆમાં લઈ જતા હતા. ક્લાસની બહાર બધાને લાઈનમા ઉભા રાખી હું આગળ વધી અને બાળકો મારી પાછળ ચાલવા માંડ્યા. સવારથી જ ડેવિડ ખુબ મુડમાં લાગતો હતો. હસતો હસતો જઈને બીજા બાળકોને કાંઈક અટકચાળો કરી આવતો.

અચાનક લાઈનમાંથી બહાર આવી ડેવિડે મને પાછળથી ઉંચકી લીધી. ક્ષણભર તો મને સમજ જ ન પડી અને ડેવિડ તો ગોળ ગોળ ફરતો ખડખડાટ હસતો હતો. “Devid please put me down, put me down” ની મારી વિનંતીને કોણ સાંભળે? એકબાજુ મને હસવું આવતું  હતુ ને બીજી બાજુ થોડો ડર પણ હતો, ક્યાંક એને કે મને વાગી ન બેસે!!

છેવેટે કલર પેન્સિલઆપવાની બાહેંધરીએ એણે મને નીચે તો ઉતારી, પણ આજે જ્યારે એ પ્રસંગ યાદ આવી જાય તો મારા ચહેરા પર હળવું હાસ્ય ફરકી જાય છે!

મનના પટારામાં આવા કેટલાય પ્રસંગો ગોપાયેલા છે!

શૈલા મુન્શા

2 - વાત અમારા ગ્રેગરીની

 Echolalia is a condition associated with autism.  A children with echolalia repeat noises and phrases that they hear. It’s meaningless repetition of another person’s spoken words as a symptom of psychiatric disorder.

આનો અનુભવ  અમને પણ થયો.

“Echolalia” શબ્દ મેં પહેલીવાર અમેરિકામાં સ્પેસીઅલ નીડ વાળા બાળકો સાથે કામ કરતાં સાંભળ્યો. શબ્દ કાંઈ નવો ન હતો, પણ કદાચ એવી કોઈ જરૂર ન પડવાને કારણે વધુ ઊંડા ઉતરવાનુ થયું નહિ.

ગ્રેગરી જેવો બાળક પહેલી વાર અમારા ક્લાસમા આવ્યો.
ત્રણ વર્ષનો ગ્રેગરી આંખે ઓછું જુવે છે. ગોરો ગોરો રેશમી સોનેરી જુલ્ફાવાળો ગ્રેગરી જોતાની સાથે જ કોઈની પણ આંખમા વસી જાય. છે ત્રણ વર્ષનો પણ બૌધિક સ્તરે હજી જાણે ભાંખોડિયા ભરતું બાળક. મમ્મી હમેશ એને તેડીને ફરે એટલે ચાલવાનો ચોર. અમારી સામે પણ હાથ લાંબો કરી ઊભો રહી જાય. ખાવામાં બેબી ફુડ અને દુધની બોટલ. ચકોર એટલો કે ઘડીભરમા ક્યાં થી ક્યાંય પહોંચી જાય. પુરૂ દેખાય નહિ પણ ઊઠતો, ગબડતો આખા ક્લાસમા ફરી વળે. ભુખ લાગે ત્યારે ભેંકડો તાણે અને પળભરમાં ખાવાનું જોઈએ. એ સિવાય એટલો ખુશમિજાજ કે પરાણે લાડ કરવાનુ મન થાય.
સ્કુલમા બધા એને જોઈ રમાડવા ઉભા રહી જાય અને મજાકમા કહે સમન્થા તું એની મા અને મીસ મુન્શા એની દાદી.
ગ્રેગરી બે ચાર દિવસમા જ અમારો હેવાયો થઈ ગયો. અમે હાથ પકડીને ચલાવી તો સરસ ચાલવા માંડ્યો. અમારી સાહિરા તો જાણે એની મોટી બેન હોય તેમ એટલું બધુ એનુ ધ્યાન રાખે.
ગ્રેગરીની જોવાની તકલીફ અને માનસિક વિકાસના ઓછપનુ કારણ એની મમ્મીના બોયફ્રેન્ડે  જ્યારે એ માંડ બે વર્ષનો હતો, ત્યારે પછડ્યો હતો, કારણ એનુ રડવાનુ બંધ નહોતું થતું. ઉગતી જુવાનીનુ   જાતીય સુખ, અને પરિણામ સ્વરૂપ બાળક. આ પછડાટના કારણે ગ્રેગરીની મગજની એક નસ દબાઈ, અને એની અસર આંખ અને મગજ પર થઈ.

ધીરે ધીરે ગ્રેગરીનુ બોલવાનુ શરૂ થયું. શરૂઆતમાં તો બધાને એની કાલી ભાષા સાંભળવી ખુબ ગમતી. હમેશ હસતું રહેતું બાળક કોને ન ગમે?

અમારા બધા બાળકોને સ્પીચ થેરાપી મળતી હોય, જે એમની વાચાનો વિકાસ કરવામાં મદદરૂપ થાય. એક બીજાના સહવાસે બાળકો જલ્દી બોલતાં શીખે.

એકાદ વરસ પછી અમારી સ્પીચ થેરાપિસ્ટના ધ્યાનમાં આવ્યું અને અમે પણ જોયું કે  જે અમે બોલીએ તે ગ્રેગરી બોલવાનો પ્રયાસ કરે છે. “મોનિકા બેસી જા” એ વાક્ય પુરું થાય ત્યાં તો ગ્રેગરીનો અવાજ સંભળાય,”બેસી જા”

શરૂઆત તો નાના શબ્દોથી થઈ. ધીરે ધીરે કોઈ નર્સરી રાઈમની પંક્તિ આખો દિવસ ગવાતી ગઈ. ખરી મજા તો ત્યારે આવી કે ઘરમાં પણ મમ્મી એની સાથે જે વાત કરતી હશે તેનું પુનરાવર્તન ક્લાસમાં થવા માંડ્યું.

ગ્રેગરીને નાની એક વર્ષની બેન છે. ગ્રેગરી કદાચ બેબીને હેરાન કરતો હશે અને દરેકની મમ્મી જેમ કહે કે બેબીને અડ નહીં, તારા રુમમાં જા, આ સારું ના કહેવાય (don”t touch baby, go to your room, it is not nice) એ બધું ગ્રેગરી ક્લાસમાં આવી રમતાં રમતાં પોતાની ધુનમાં બોલતો હોય, અને જે લહેકામાં મમ્મી બોલતી હોય એ જ લહેકામાં બોલતો હોય. મમ્મીએ જો ગુસ્સામાં કાંઈ કહ્યું હોય તો ગ્રેગરીનો લહેકો પણ એવો ગુસ્સાવાળો જ!

અરે ! ક્લાસમાં પણ નાના શબ્દોમાંથી વાક્યોમાં પુનરાવર્તન થવા માંડ્યું. અમે જે  બોલીએ એનો પડઘો તરત પડ્યો જ હોય, ” એમીલી તારૂં નામ લખ”, એટલું બોલીએ ત્યાં  તો પાછળ અવાજ સંભળાયો જ હોય. અમે બે શિક્ષકો એકબીજા સાથે વાત કરતા હોઈએ અને ગ્રેગરીને કાને કોઈ શબ્દ પડે તો એનો પડઘો પડ્યો જ સમજો. એકબાજુ હસવું આવે અને બીજી બાજુ બોલતાં પહેલાં ચાર વાર વિચારવું પડે. એ સાથે ગ્રેગરીનો ગુસ્સો પણ વધ્યો, અને ગુસ્સામાં હોય ત્યારે ઘણુ બધું સાથે બોલી કાઢે.

સામાન્ય રીતે દરેક બાળક બોલતાં શીખે ત્યારે મોટાઓનું અનુકરણ બોલવામાં કરતું હોય, પણ સ્પીચ થેરાપિસ્ટે અમને સમજાવ્યું કે માનસિક રીતે મંદ બુધ્ધિવાળા બાળકોમાં આ પ્રતિક્રિયા વધુ જોવા મળે જેને Echolalia કહેવામાં આવે.

“Echolalia is a condition associated with autism.”

કેવા અનોખા આ બાળકો અને કેવી અનોખી એમની વાતો !!!

તેમનો બ્લોગ અહીં....

One thought on “વાત અમારા ગ્રેગરીની”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.