બાળમજૂરી

  -   નિરંજન મહેતા

   ફ્ટાકડાની કાગળની ટોટીમાં દારૂ ભરી રહેલો,  સાત વર્ષનો સંજય  બારીની બહાર હતાશાથી નિહાળી રહ્યો હતો. બહાર શેરીમાં  ચાર છોકરાઓ લખોટીઓથી રમી રહ્યા હતા.

    'હાય રે! મારા નસીબમાં આમ રમવાનું ક્યાં? રવિવારની રજામાં ય એવો લ્હાવો મારા નસીબમાં ક્યાં? ઘર માટે બે ડોલ પાણી ભરવા કેટલે દૂર જવાનું? અને આવીને બાને ઘરના કામમાં મદદ કરવાની. એમ ન કરું તો ખાવા સૂકો રોટલો ય ક્યાંથી મળે?   બા- બાપુ કેવી કમરતોડ મજૂરી કરી, માંડ બધાંનું પેટ ભરી શકે છે?' સંજય ક્યાંય સુધી બારીની બહાર આમ નીરાશ વદને જોઈ રહ્યો હતો.

     "એ ય છોકરા, કામમાં ધ્યાન આપ; નહીં તો તારા પગારમાંથી રૂપિયો કાપી લેવા શેઠને કહી દઈશ." - સુપરવાઈઝર અમૃતલાલે આંખો લાલ કરીને ત્રાડ પાડી.  અને સંજય મણ ભરનો નિસાસો નાંખીને ફટાકડા બનાવવામાં જોટાયો. એમા દિલમાં તો સતત એટમ બોમ્બ જ ફૂટી રહ્યા હતા ને?

આ જ એની દિવાળી! 

   આજના સમાજ માટે બાળમજૂરી એ કોઈ નવો શબ્દ નથી. ચૌદ વર્ષથી નીચેની ઉંમરના બાળકો પાસે મજૂરી કરાવવી એટલે બાળમજૂરી. સૈકાઓથી આ દૂષણ ચાલ્યું આવ્યું છે અને ૨૧મી સદીમાં પણ તે ચાલી રહ્યું છે.

     જે સમયે બાળકે શિક્ષણ અને રમતગમતમાં વ્યસ્ત રહેવું જોઈએ તે સમયે તેને ન ગમવા છતાં મજબૂર થઈને મજૂરી કરવી પડે છે. શું છે આ મજબૂરી? મુખ્યત્વે તે છે આર્થિક સંકડામણ. ગરીબાઈમાં વસતા કુટુંબને બે ટંક ખાવાના સાંસા હોય ત્યારે તેને પોતાના બાળકને ભણાવવાને બદલે સ્વાભાવિક છે કે તેને તેની પાસે મજૂરી કરાવવાનો વિચાર આવે અને તેનો અમલ પણ કરે.

     જે પિતા પોતે શિક્ષણથી વંચિત છે તેને તેનું શું મહત્વ? તેનું બાળક શિક્ષિત બને અને યોગ્ય કમાણી કરે તેવો વિચાર તેને ક્યાંથી આવવાનો? તેમ છતાં તેને કોઈ આ બાબત સમજાવે તો પોતાની આર્થિક પરિસ્થિતિના રોદણાં રડીને પોતાની વાતને પકડી રાખશે. મજૂરી કરીને બાળક હાથલાકડી બને અને આર્થિક સહાય કરે તો તે ક્યા પિતાને ન ગમે?

     સરકારે આ બાબત કાયદા તો ઘડ્યા છે પણ આપણી કુંઠિત માનસિકતા આવા કાયદાને ઘોળીને પી જાય છે. 'કાયદાની ઐસી કિ તૈસી' - એવો અભિગમ જ્યાં સુધી નહીં દૂર થાય ત્યાં સુધી આ પ્રકારની પ્રથા પણ ચાલુ રહેવાની.

    સદીઓ પહેલા તો ગામમાં ખેતી એ એક જ વ્યવસાય હતો અને તેમાં કુટુંબના બધા સભ્યો જોડાઈ જતાં.  એમાં બાળકોનો પણ સમાવેશ થતો. ત્યારે ભણતર ચીજ શું છે તેની કોઈને ગતાગમ ન હતી. નીચલા વર્ગ માટે ભણવું એ અશોચનીય વાત હતી. પણ જ્યારથી સમાજે પ્રગતિ કરી અને ભણતરનું મહાત્મ્ય વધવા લાગ્યું ત્યારથી સમાજનું ધ્યાન આ બાળમજૂરીના દૂષણ પ્રત્યે જાગૃત થવા લાગ્યું. પણ જે વાત સમજાવવાથી નથી અટકતી તે માટે કાયદાનો આશરો લેવો પડે છે તે સર્વવિદિત છે. પરંતુ તેનો અમલ કેવો અને કેટલો તે આજે પણ એક પ્રશ્ન બનીને ઊભો છે.

     શહેરી વિસ્તારોમાં ઉદ્યોગોની સ્થાપના સાથે સસ્તા મજૂર મેળવવાના પ્રયત્નો થવા લાગ્યા અને તે માટે નીચલી કક્ષાના લોકો હાથવગા હોય. તેમનો અને તેમના બાળકોનો સહેલાઈથી ઉપયોગ થવા લાગ્યો. આને કારણે શોષણવૃત્તિ પણ ભાગ ભજવવા લાગી જેથી ઓછી કિંમતે મળતાં બાળમજૂરો એના શિકાર બનવા લાગ્યાં,

    'ઓછી મજૂરી એટલે વધુ નફો.' -  આવા ઉદ્યોગપતિઓની એ નેમને કારણે બાળમજૂરી અટકાવવું આસાન નથી બનતું. આ માટે અનેક સંસ્થાઓ પોતાનાથી બનતી મહેનતે આ દૂષણને અટકાવવાના પ્રયત્નો કરે છે અને કાયદાનો સાથ પણ લે છે. પણ જ્યાં સુધી નફાની માનસિકતા નહીં બદલાય ત્યાં સુધી આ અભિયાનમાં જોઈતી સફળતા મળવાની શક્યતા કેટલી?

    આપણે જ આ વિષે વિચારવું રહ્યું જેથી  ઊગતી પ્રજા ભણતરથી જ નહીં , પણ તેમના બાળપણથી પણ વંચિત ન રહે અને તેમનું ભવિષ્ય ઉજળું બને.

આ ચિત્ર પર ક્લિક કરી થોડાક ઉકેલ વિશે જાણો

   નીચે ઉમેરેલા વિડિયો આ દૂષણને છતું કરે છે.

--
--

2 thoughts on “બાળમજૂરી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *