દુનિયાની સફર – ૪

     -    કલ્પના દેસાઈ

મૂળ સ્રોત

https://menaribo.com/2013/12/16/lebanon-top-5-weird-lebanese-laws/http://www.storypick.com/celebrities-bad-habits/

લેબનોનની વિચિત્રતાઓ

      ૧) લેબનોનના કોઈ મકાનમાં ઉપરના માળે રહેવાનો ઠાઠ ભોગવવા જેવો નથી. જો તમે એકદમ(એટલે વધારે પડતાં નહીં) તંદુરસ્ત હો, દોડીને બબ્બે પગથિયાં સાથે ચડી જવાની તાકાત અને હિંમત રાખતાં હો, તો બેશક ચાહે તે માળ પર ફ્લેટ લઈ શકો.

    કારણ બીજું તો  કંઈ નહીં, પણ પાવર કટનો અહીં મોટો પ્રોબ્લેમ હોવાથી લિફ્ટ ક્યારે ચાલે ને ક્યારે થાકીને ઊભી રહી જાય તે કહેવાય નહીં. કાં તો રાહ જોઈને બેસી રહો ને સરકારને ભાંડતાં રહો અથવા તો ફટાફટ દાદર ચડીને ઘરમાં દાખલ થઈ જાઓ, સિમ્પલ!

      ૨) ઓફિસમાં કામ કરતી વખતે તમને કૉફી કે સિગારેટ પીવાની અદમ્ય ઈચ્છા વારંવાર થાય છે? નો પ્રોબ્લેમ. ચાહો તો દસ કૉફી બ્રેક લો ને પંદર કશ–બ્રેક લો, પણ પછી રાત ભર જાગીને કામ કરવું પડશે!

     ૩) કશે શૉપિંગ કરવા જાઓ તો એવા ખોટા ભ્રમમાં ના રહેતાં, કે તમને ‘યસ સર કે યસ મૅડમ’ કહીને વારંવાર એમની વસ્તુઓ લેવા આગ્રહ કરાશે. સારી સર્વિસની આશા ઠગારી પણ નીવડે. ‘લેવું હોય તો લો, નહીં તો હેંડતા થાઓ.’ એવું એમના મોં પર દેખાય તો હેંડતા જ થજો.

     ૪) અહીંની જમીનનો એક કાયદો તો ખાસ્સો વિચિત્ર છે. જો જમીન કોઈ ‘ક’ ભાઈની હોય, એમાં જો બીજા કોઈ ‘ખ’ભાઈ ખેતી કરતા હોય અને ત્રીજા કોઈ ‘ગ’ભાઈને એ જમીન લેવી હોય તો, ‘ગ’ભાઈએ બન્ને માલિકની પરવાનગી લેવા સાથે બન્નેને જુદા જુદા ભાવ ચૂકવવા પડે! જમીનનો માલિક જુદો તેવો ખેતીનો માલિક પણ જુદો! આ તો માથાં જ દુખવવાનાં ને? આપણે ત્યાં તો આવા કિસ્સામાં ક્યાંય કોઈ ચોપડે, ખેતીની ને જમીનની લે–વેચ થઈ જાય તે મૂળ માલિકને અણસારેય ન આવે! આમાં તો ભાઈલોગનું કામ. તડ કે ફડ થઈ જાય ને પળવારમાં ફેંસલો.

     ૫) કાર પાર્કિંગ? અ બિગ પ્રોબ્લેમ!

      રખે ભૂલમાં રહેતાં, કે અહીં જગ્યાની ખેંચ છે કે પછી વસતી વધારે છે એટલે પાર્કિંગના કોઈ પ્રોબ્લેમ્સ હશે. અહીં તો કાર પાર્ક કરવી એટલે આજુબાજુ નહીં પણ ઉપર જોઈને કાર પાર્ક કરવી પડે! રખે ને, કોઈ ભૂલમાં કે જાણી જોઈને કોઈ છત કે અગાસી પરથી તમારી કાર પર પડ્યું અને મર્યું તો તમે મર્યાં એમ સમજી લેજો. જેની કાર હોય તે ખૂનના ગુનામાં સંડોવાય એવો વિચિત્ર ને જમાના જૂનો કાયદો અહીં ચાલે છે!.

દુનિયાભરના પ્રિય સ્ટાર્સની વિચિત્ર આદતો

      આ બધા સ્ટાર્સની જાતજાતની આદતો જો જાણીએ તો એમ થાય કે, સ્ટાર્સ પણ દૂરથી જ સોહામણા!

      ૧) આ પેલો  બ્રેડ પિટ. અઠવાડિયાઓ સુધી નાહતો નથી, કોઈ માને? આ ગંદી આદત જાણ્યા પછી એની પાછળ ઘેલાં કાઢીને એને હગ કરવા કે એની પાસે ઓટોગ્રાફ લેવા કોણ જશે?

       એવું તો નહીં જ હોય ને, કે એને ત્યાં પાણીની ખેંચ હશે, કે એને ત્યાં ચોખ્ખું કે વિશાળ બાથરૂમ નહીં હોય અથવા તો એના ઘરમાં પાંચ મિનિટથી વધારે જો કોઈ બાથરૂમમાં રહે તો ફલાણં–ઢીકણું થશે એવો કોઈ નિયમ હશે? ના ભઈ ના, એ એટલો બધો બિઝી રહે છે કે એને નાહવાનો ટાઈમ જ નથી મળતો.

    બોલો! બિચારા સાથી કલાકારો!

      ૨) જેસિકા સિમ્પસન એટલી સુંવાળી છે, કે એની જે સ્માઈલ પર દુનિયા ફિદા છે એને સાચવી રાખવા એ ફક્ત અઠવાડિયામાં ત્રણ જ વાર બ્રશ કરે છે! બાકીના દિવસોમાં રૂમાલ કે ટિશ્યૂથી દાંત લૂછી નાંખે. ચાલો, વધુ એક સ્ટારથી દૂર રહેવાનું સોલિડ કારણ.

      ૩) રોબર્ટ પેટિન્સનના સુંદર વાળનું રહસ્ય? લોકો શોધી શોધીને ઊંધા વળી જશે તોય આનો તાગ નહીં પામી શકે. વાળને તે વળી ઘડી ઘડી ધોવાતા હશે? જો સેટ કરેલા જ રાખવા હોય તો પાંચ/છ અઠવાડિયા સુધી વાળને પાણી બતાવવાનું નહીં. આ જ છે સદાબહાર હીરોના સુંદર વાળનું અદ્ભૂત રહસ્ય!

      ૪) ઓલી એન્જેલિના જૉલી તો જીવડાં ખાય છે! અરર! કેમ, તે એને ખાવાનું નથી મળતું? લો, એ તો એને જીવડાં ભાવે છે એટલે એ જીવડાં ખાય છે, એમાં આપણે કેટલા ટકા? અને એનાં બાળકો? એ લોકો પણ નાસ્તામાં જીવડાં ખાય છે! જવા દો, આપણે શું? જેને જે ભાવે તે ને જે ખાવું હોય તે ખાવાની છૂટ છે. આપણે ન ખાઈએ એટલે બીજાએ પણ ન ખાવાનું?

     સેવ મમરા જોઈને કે એનો કચડાવાનો અવાજ સાંભળીને એ અરર કરે તો?


નોંધ -  નીચેના કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી નવી વિન્ડોમાં મોટું જુઓ. ફરી ક્લિક કરી અહીં પાછા આવી જાઓ.

લેબેનોન
રોબર્ટ પેટિન્સન
બ્રેડ પિટ્ટ
જેસિકા સિમ્પસન
એન્જેલિના જોલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *