બાળકો મારાં શિક્ષક

- ગીતા ભટ્ટ

      મહાસાગરમાં અનેક રત્નો પડ્યાં છે,  પણ એ મેળવવા એમાં ડૂબકી મારવી પડે. 

      બાળકો સાથે કામ કરવું એટલે વિશાળ બાળમાનસના મહાસાગરમાં ડૂબકી મારવા જેવું કહેવાય.  એમાં જો તમે ધ્યાનથી ઊંડા ઉતરો તો મહામૂલાં રત્નો લાધે, નહીં તો એ દરિયામાં પલળ્યાનો આનન્દ તો મળે જ. બાળકોયે સ્પંજ જેવાં તરસ્યાં હોય.  જે જુએ તે બધું ગ્રહણ કરી લે.

      છેલ્લાં સાડા ત્રણ દાયકામાં ઘણું ઘણું અમૂલ્ય જ્ઞાન આ બાળકો પાસેથી મને લાધ્યું છે.  જાણે કે, તેઓ મારાં શિક્ષક ના હોય? 

     વર્ષો પહેલાં બનેલો એ પ્રસંગ આજે પણ મને બરાબર યાદ છે.

     ત્રણ ચાર વર્ષનાં બાળકો અમારાં ઘરમાં રમકડાંથી પ્લે એરિયામાં રમી રહ્યાં હતાં. એક ચિત્તે બાળકો પ્લે ડો ( રમવાની માટી ) થી મશગૂલ થઈને રમતાં હતાં. એક બાળકીએ નાનકડું ઘર બનાવ્યું હતું. એની મમ્મી આવી એટલે મેં બારણું ખોલ્યું. ત્યાં તો એ બાળકીએ પોતે બનાવેલ ઘર (કે મહેલ)  મમ્મીને બતાવીને તરત જ એ બધું ભેગું કરી ને પાછું ડબ્બામાં ભરી દીધું.  હુંઆશ્ચર્યથી જોઈ રહી. કેટલી બધી ઝીણવટથી મહેનત કરીને એણે એ ઘર બનાવેલું.  પણ તોડવામાં જરાયે રંજ નહીં. 

     “તેં એ ઘર કેમ તોડી નાખ્યું? કેવું સરસ હતું? ” મેં એને પૂછ્યું.

     જો કે એમ પૂછવા પાછળનો મારો ઈરાદો કાંઈક જુદો હતો. એ દિવસે બપોરે મારાથી અમારું કિચન બ્લેન્ડર તૂટી ગયું હતું. એ મારુ ગમતું મિક્સર મશીન હતું. રોજ હું એ રસોડાની વાનગીઓ બનાવવામાં ઉપયોગમાં લેતી. એ દિવસે શિકાગોમાં જરા ગરમી હતી. હું બપોરે બધાં બાળકો માટે મિલ્ક શેક બનાવતી હતી અને ટી વી માં ઇન્દિરા ગાંધીની હત્યાના સમાચાર સાંભળ્યા.  વાત સાંભળવા ટી વી નજીક ગઈ અને બ્લેન્ડરમાં વધારે બરફ મુકાઈ ગયો હતો એ વાત ધ્યાન બહાર રહીગઈ.અને પ્લાસ્ટિકના એ બ્લેન્ડરમાં તિરાડ પડી ગઈ. 

     “નવું લઇ આવશું, એમાં શું ?” મારે મારાં મનને મનાવવું જોઈતું હતું.  પણ મન એ વાત છોડવા તૈયાર જ નહોતું.  ફલાણાં સ્ટોરમાંથી લીધેલું, હજુ હમણાં જ તો ખરીદ્યું હતું -  એવા બિનજરૂરી માનસિક વાર્તાલાપમાંથી હું બહાર જ નીકળી શકતી ન હતી.

      પેલી છોકરી 'શાના'એ જે રીતે ઘર બનાવેલું અને તોડીને બધું સમેટી લીધું -  એ બધું મને કાંઈ સમજાવવા જ બન્યું હોય તેમ મને લાગ્યું. પેલી ચાર વર્ષની શાનાએ ઠાવકાઈથી મને કહ્યું ; “આવતી કાલે હું એનાથી પણ સરસ મોટો મહેલ બનાવીશ. અત્યારે મમ્મી સાથે ઘેર જઈને મઝા કરીશ. ”

      શાના અને બીજાં ચાર પાંચ બાળકો અમારે ઘેર ત્રણ ચાર વર્ષ આવ્યાં. અને તે દરમ્યાન આ દેશને સમજવાની, અહીંના સમાજને ઓળખવાની અને આ સંસ્કૃતિને પિછાણવાની સારી એવી તક મળી.એ અનુભવો જ તો મને આ દેશમાં મારું પોતાનું બાલમંદિર અને બાલકેન્દ્ર શરૂ કરવા પ્રેરવાનાં હતાં. 

     શાનાની મમ્મી આઈરીશ - આયર્લેન્ડની શ્વેત હતી, પણ શાનાનો બાપ આફ્રિકન અમેરિકન હશે એટલે શાના શ્યામ હતી અને એનાં વાળ પણ વાંકડિયા અને ભરાવદાર હતાં. અમારે ઘેર બધાં એક કુટુંબના સભ્યોની જેમ જ રહે. પણ એક વખત બાળકો સાથે સર્કલ ટાઈમ રમત રમાડતાં મેં બધાં બાળકોને એક બીજાનાં હાથ પકડવા કહ્યું. એક છોકરાએ શાનાનો હાથ પકડવા ઇન્કાર કર્યો. “હું શાનાનો હાથ નહીં પકડું. એ મારી મિત્ર નથી.“

     હું કાંઈ સમજવું તે પહેલા શાનાએ પોતે જ એને સમજાવતાં કહ્યું; “કોઈ તારો હાથ ના પકડે તો તને કેવું લાગે? જોકે હું તો તને મારો મિત્ર જરુર ગણવાની છું. અને મિત્રના વર્તનનું ખોટું લગાડવાનું ના હોય. ”

     આપણે ત્યાં દેશમાં ન્યાત જાતના ભેદભાવ છે અને જ્ઞાતિવાદ પણ ભારે છે. ત્યારે શાનાના આ શબ્દો યાદ આવે.  બાળકોની નિખાલસ વૃત્તિથી હું કાયમ આશ્ચર્ય પામું છું. ગમા અણગમા અને મનની વાત તરત જ કેટલી નિખાલસતાથી કહી દે.  કોઈએ કોઈનું રમકડું લઇ લીધું હોય કે બનાવેલ સર્જન તોડી નાખ્યું હોય તો પણ બે મિનિટમાં બધું ભૂલી જઈને પાછાં ભેગાં થઈને રમે તે બાળકો.  કેટલું જલ્દી એ સામેવાળી વ્યક્તિને માફ કરી દે છે? 

     ચાર્લી ચેપ્લિને કહ્યું છે તેમ: "જે દિવસે આપણે હસીએ નહીં, એ દિવસને મિથ્યા ગયો એમ સમજજો. " અમારે તો ઘરમાં ગોકુલ અને ઘરમાં જ વૃંદાવન. હા , નિશ્ચિત હતાં એ દિવસો. ત્યારે જે હતું તેનો આનંદ  ઝાઝો અને શોક ઓછાં હતાં.  ઘરમાં એક માત્ર ટીવી હતું, જેમાં માત્ર બે જ ચેનલ આવતી હતી. એ ટી વી ને ઝાઝું મચડાય તેમ નહોતું!

     આમ તો શિકાગોમાં એ સમયે અમારાં વિસ્તારમાં ઝાઝા ઇન્ડિયન લોકો નહીં હોય, તેથી અમારાં સંતાનોને ડે કેરમાં ડિસ્ક્રિમિનેશન ની થોડી અસર હશે જ. અને તેથી જ તો હું બાળકો સાથે ઘેર રહી હતી. મેં એક ડે કેરમાં ત્રણ ચાર અઠવાડિયા વોલેન્ટિર તરીકે પાર્ટ ટાઈમ કામ કર્યું હતું. પણ એ વ્યવસ્થિત ના લાગતાં અમે બીજા ડે કેરમાં અમારાં ખેલનને મુક્યો હતો; જ્યાંથી એક દિવસ મેં ઘેર રહીને બેબીસિટીંગ શરૂ કર્યું હતું.  એ પ્રસંગને વરસ પૂરું થાય તે પહેલાં અમે અમારાં પોતાના ઘરમાં આવી ગયાં હતાં.

           કેટલાંક બાળકો સવારથી સાંજ સુધી આવતાં. હવે મોડી રાત સુધીના બાળકો લેવાનું બંધ કર્યું હતું, પણ અમુક દિવસો બે ભાઈ બેન મોડી સાંજ સુધી રોકાતાં હતાં. એક દિવસ એ બે ભાઈ બેન અમારે ત્યાં ઘર ઘર ( પ્રિટેન્ડ પ્લે હાઉસ) રમતાં હતાં.

     “ જો , હું નોકરી કરીને ઘેર આવું ત્યારે રસોઈ તૈયાર રાખજે. ” ચારેક વર્ષની છોકરીએ રોફથી કહ્યું ; “હું થાકી જાઉં છું. જોબ પર.”

      એનાથી થોડી નાની ઉમરના એના ભાઈએ એટલા જ રોફથી ના પાડતાં કહ્યું,  “ના, હું રસોઈ નહીં કરું. ”

     મને વાતમાં રસ પડ્યો. મને ખબર હતી કે, હમણાં બન્ને વચ્ચે ઝગડો શરૂ થશે . જરા હોંસાતુંસી અને ઝપાઝપીની શરૂઆત થાય તે પહેલાં મેં જાણે કે હું તેમની મહેમાન હોઉં તેમ પૂછ્યું ; “અરે! ભાઈ,  હું તમારી મહેમાન છું, મને જમવાનું મળશે ને?”

     તો પેલા નાનકડા ભાઈનો જવાબ સાંભળી હું સ્તબ્ધ બની ગઈ. “ના! છોકરાઓ રસોઈ ના કરે.  ભૂખ લાગી હોય તો પીઝા ઓર્ડર કરો. ”

      પાછળથી  સમય મળતાં , મેં એની મમ્મીને આ પ્રસંગની વાત કરી. એણે મને પેટછૂટી વાત કરી. એ લોકો ઇટાલિયન હતાં. (આપણે માફિયાની વાતો સાંભળી છે - એ દેશનાં) આ લોકોમાં પુરુષો પોતાની જાતને ‘માચો મેન’ ગણે.  સ્ત્રી પુરુષ વચ્ચેનો ગજ ગ્રાહ દરેક દેશ અને સંસ્કૃતિમાં કાંઈ નવાઈ નથી . આપણે ત્યાં તો એમાં વળી સંયુક્ત કુટુંબની પ્રથામાં સ્ત્રીને પોતાની અન્ય વ્યથા હોય. એટલે કોઈ દેશ કે વ્યક્તિની ટીકા કરવાનો અહીં પ્રયાસ નથી જ નથી. માત્ર કહેવાનું તાત્પર્ય એ જ છે કે.....

     બાળકો ઘરમાં અને આસપાસ જે જોયું હોય તેનું કેવું કેવું અનુકરણ કરે છે?

      મારે માટે આ બધું નવું, સાવ નવું હતું. અમારે ત્યાં બધી જ જાતનાં અને ભાતનાં મધ્યમ વર્ગનાં બાળકો આવતાં હતાં. ચાર વર્ષ દરમિયાન બે બાળકોની મમ્મીઓએ બાળકને જન્મ આપતાં મારે ત્યાં ઈનફન્ટ - નવજાત શિશુ પણ આવ્યાં હતાં. એ વર્ષોમાં લગભગ પાંચ સાત ઈનફન્ટ બાળકોને ઉછેરવાનો પણ મને લ્હાવો મળ્યો હતો. 

     હું આ દેશ, આ નવી દુનિયા,  આ નવો સમાજ સમજવા પ્રયાસ કરતી હતી. દેશમાં મારાં પિતાજીની ગવર્મેન્ટ નોકરીને લીધે ખુબ ફરવાનું અને જોવા જાણવાનું મળ્યું હતું. તલોદમાં અને પછી ખેડા કોલેજમાં લેકચરરની જોબ ને લીધે પણ ઘણાં અનુભવો થયા હતાં. પછી પરણીને જામનગર જતાં અનુભવનો ખજાનો ઓર વધ્યો. માતૃત્વનું પદ મને સૌથી વધારે ઊંડા લાગણીઓના દરિયામાં ખેંચી ગયું હતું.

    હવે હું અમેરિકામાં હતી. ઘરનાં બારણાનાં પીક હોલ - નાનકડાં કાણાં માંથી હું દુનિયા જોવા, માપવા પ્રયત્ન કરી રહી હતી. સુભાષની સ્થિતિ પણ એવી જ હતી. 

     અમારાં બાળકોનું અમે બરાબર ધ્યાન રાખીએ છીએ ને? - અમારું એ સતત મંથન રહેતું. અને એમ સતત જાગૃત રહેવાનું અમને દેશથી આવતા પત્રોમાં અમારાં મા બાપ યાદ કરાવતાં હતાં: 'બાળકોનું ધ્યાન રાખજો.  કમાવાના દિવસો ભવિષ્યમાંય આવશે, પણ  બાળકોને એમના બાળપણના દિવસો પાછા નહીં મળે.' 

     મેં જોયું : અમારાં બાળકો અને અન્ય સૌ બાળકો કલરવ કિલ્લોલ કરતાં હતાં.. અમે નિરાંતનો શ્વાસ લીધો. પણ..

       પણ વાત્સલ્યનાં પ્રેમથી પાંગરતી આ વેલનાં ખાતરમાં અનાયાસે , અજાણતાં અમે બીજાં કોઈ સિન્થેટિક ખાતર પણ નાંખવાનાં હતાં એની અમને ક્યાં કાંઈ ખબર જ હતી? તમે એને પહાડ જેવડી ભૂલ કહો કે, રજ જેવી ઝીણી.  પણ....

     પહાડને અથડાઈને કોઈ પડ્યું નથી; ઠોકર તો એક નાનકડા પથ્થરની જ હોય છે ને?

'બેઠક'  પર તેમના લેખ આ રહ્યા. 


નીચેના પહેલા વિડિયોમાં ૪૨ રમતો જોઈ શકશો !

2 thoughts on “બાળકો મારાં શિક્ષક”

  1. ‘અમારાં બાળકોનું અમે બરાબર ધ્યાન રાખીએ છીએ ને? – અમારું એ સતત મંથન રહેતું. અને એમ સતત જાગૃત રહેવાનું અમને દેશથી આવતા પત્રોમાં અમારાં મા બાપ યાદ કરાવતાં હતાં: ‘બાળકોનું ધ્યાન રાખજો. કમાવાના દિવસો ભવિષ્યમાંય આવશે, પણ બાળકોને એમના બાળપણના દિવસો પાછા નહીં મળે.’ખૂબ મનનિય સુંદર વાત

    1. Thanks Pragnaju Vyas for encouraging words. Your comments are valuable , please continue to give me your feed back !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *