હોબી – ૪, સિનેમા

 - જિગીષા પટેલ

વ્હાલા બાળમિત્રો,

     આજે આપણે વાત કરીશું સિનેમાની. ફિલ્મ જોવી મને બહુ ગમે છે. તમને બધાને પણ ગમે છે ને ? કેમ ખબર છે? તે આપણને ભરપૂર મનોરંજન પુરુ પાડે છે. અને બીજું સિનેમા એટલે આપણને કોઈને કંઈ પણ કહેવું છે તે કહી શકતા નથી, તે ફિલ્મનું પાત્ર આપણા બદલે કહી દે છે. જૂઓ તમને સમજાવું. 'તારે જમીન પર' - ફિલ્મનું બાળક ગીત ગાય છે

મૈં કભી દિખલાતા નહી,પર અંધેરે સે ડરતા હું મૈં માં 
યું તો મૈં દિખલાતા નહી,પર તેરી પરવાહ કરતા હું મૈં માં
તુજે સબ હૈ પતા હૈ ન માં 

      દરેક વ્યક્તિને પોતાની માને આ કહેવું હોય છે પણ તે કહી શકતી નથી, પોતાની જાતને વ્યકિત ફિલ્મના તે પાત્ર સાથે જોડે છે એટલે તેને ફિલ્મના પાત્રમાં પોતે દેખાય છે અને તે આનંદનો અનુભવ કરે છે. આમ ફિલ્મ એ નાના મોટા દરેકનું મનોરંજનનું હાથવગુ સાધન છે. એટલે બધાને ફિલ્મ જોવી ગમે છે. દરેક યુવાનને યુવાનીમાં એકવાર પ્રેમ થાય જ એટલે તેને “પ્યાર કિયા તો ડરના ક્યા? પ્યાર કિયા કોઈ ચોરી નહી કી “ અને પ્રેમિકાને ઉદ્દેશી ને ગવાએલ “ચૌહદવી કાં ચાંદ હો” જેવા ફિલ્મના અતિ પ્રચલિત ગીતો ગમે છે. આમ જે ફિલ્મ સૌથી વધુ લોકોને તેમની લાગણીઓ સાથે જોડી શકે છે તે ફિલ્મ બહુ પ્રચલિત થાય છે.

     સિનેમા એ ભારતનું સૌથી વધુ મનોરંજન પુરુ પાડતું ક્ષેત્ર છે. દુનિયાનાં દરેક દેશ કરતા ભારતમાં સૌથી વધુ ફિલ્મો જોવાય છે. ભારતની હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બોલીવુડ તરીકે ઓળખાય છે. ફિલ્મોનો ઇતિહાસ જોઈએ તો .....

  • પહેલી મરાઠી મૂંગી ફિલ્મ દાદાસાહેબ ફાળકેએ ૧૯૧૩માં “રાજા હરિશ્ચંન્દ્ર” બનાવી હતી જેમાં સ્ત્રીનું પાત્ર પણ પુરુષે ભજવ્યું હતું.
  • પહેલો ફિલ્મ સ્ટુડીઓ મદ્રાસમાં નટરાજ મુદલિયારે  બનાવ્યો હતો.
  • ત્યારબાદ ૧૯૩૧માં બોલતી ફિલ્મ “આલમઆરા”ઈમ્પીરીઅલ પિક્ચરના અરદેશીર ઈરાનીએ બનાવી હતી.
  • તેમણે જ ૧૯૩૭માં “કિસન કન્હૈયા” પહેલી રંગીન ફિલ્મ બનાવી.
  • ભારતમાં દરેક પ્રાંતની જુદી જુદી ભાષા છે એટલે જુદી જુદી છવ્વીસ ભાષામાં ફિલ્મો બને છે.
  • તે દરેક ભાષાની ફિલ્મ ઈન્ડસ્ટ્રી-પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પોલીવુડ, તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ટોલીવુડ, મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી મોલીવુડ એમ જુદી જુદી રીતે ઓળખાય છે.
  • પરદેશની ઈંગ્લીશ ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડ તરીકે ઓળખાય છે.

     આપણે સિનેમાના પરદા પર તો એકટરોને જ નાચતા, ગાતા, વિલનોને મારતા ને હીરો હીરોઈનને પ્રેમ કરતા જોઈએ છીએ. પણ એક ફિલ્મ બનાવવા પાછળ બીજા કેટલા લોકોનો અથાગ પરિશ્રમ હોય છે તે તમે જાણો છો? ફિલ્મની વાર્તા લખવાની શરુ કરીને , સિનેમેટોગ્રાફર, ફેશનડિઝાઈનર, ફિલ્મ સેટ ડિઝાઈનર, ડાન્સ કોરીઓગ્રાફર, મેકઅપ મેન, સ્ટંટમેન, ફિલ્મ માટે પૈસા રોકનાર પ્રોડ્યુસર અને જેણે ફિલ્મ બનાવી હોય તે ફિલ્મ ડિરેક્ટર જેવા અનેક લોકોની મહેનત પછી એક ફિલ્મ તૈયાર થાય.

     આપણા દેશમાં આ ફિલ્મ ઉદ્યોગ એટલો મોટો છે કે તમને આમાંથી કોઈપણ વિષયમાં રસ હોય તો તેમાં તમે કારકિર્દી બનાવી શકો છો.  આ દરેક વસ્તુ શીખવા માટે પૂના ઈન્સ્ટીટયુટ ઓફ ફિલ્મ તેમજ સુભાષ ઘાઈ જેવા ડિરેક્ટર અને અનુપમ ખેર જેવા એકટરોએ એક્ટિંગ સ્કુલો પણ ચાલુ કરી છે. ત્યાં તમે તમને ગમતું ભણી કે શીખી શકો છો.

    આપણા જુદા જુદા સમય ગાળાના એકટરો વિષે વાત આવતા વખતે......

--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.