પહાડ જેવડી ભૂલ કે સમજણ ?

- ગીતા ભટ્ટ

    આપણે જયારે ભૂલ કરીએ છીએ ત્યારે શું આપણને ખબર હોય છે કે આપણે ભૂલ કરીએ છીએ? એક્સપ્રેસ વે ઉપર ધમધોકાર ગાડી દોડતી હોય અને ધ્યાન બહાર રહી જાય કે આપણી એક્ઝિટ તો પસાર થઇ ગઈ. અથવા તો ભૂલથી જ કોઈ ભળતા રસ્તે જ ગાડી હંકારીએ અને પછી સમજાય કે, આ તો ખોટો રસ્તો હતો. ને પછી સાચો રસ્તો પકડતાં થોડી વાર થાય, પણ મોડા મોડાયે ગંતવ્ય સ્થળે (જવાની જગ્યાએ) પહોંચીએ તો ખરાં જ. પણ જીવન માર્ગ પર શું આ શક્ય છે ખરું ?
ભારતના ભૂત પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણે એક વાર કહ્યું હતું : 'દુનિયામાં જે ક્રૂરતા , દુઃખ અને હિંસા છે તે -  “ આ ખોટું છે છતાંયે મારે કરવું છે.”એમ કહીને ખોટું કરનારાઓ કરતાં તે પોતે જે સાચું સમજીને કરે છે તેને કારણે જ તો વધારે છે."
“આ પગલું જ યોગ્ય છે.” એમ સમજીને, ઘણું વિચારીને જ અમે જીવનમાં પગલાં ભરતાં હતાં. અમારાં સંતાનો હવે મોટાં થઇ રહ્યાં હતાં. એમને માટે સારી નિશાળ અમે શોધતાં હતાં. અહીં અમેરિકામાં તો જે વિસ્તારમાં આપણે રહીએ તે વિસ્તારની પબ્લિક સ્કૂલમાં બાળકો ભણવાં જાય.  પણ મારા મનમાં તો અમદાવાદની મ્યુનિસિપાલિટીની સ્કૂલનું ચિત્ર હતું.  આપણે ત્યાં ગરીબ ઘરનાં બાળકો જ એવી સ્કૂલમાં જાય. વળી શિકાગોમાં જ્યાં ત્યાં ગોળીબાર, હિંસા વગેરેનું પણ સાંભળીએ. આફ્રિકન અમેરિકન પ્રજા (અશ્વેત ) એમને સદીઓની ગુલામી બાદ મળેલી સ્વતંત્રતાને કારણે એ લોકો નજીવી બાબતમાં હિંસક બની જાય છે. એમનાં સંતાનો પણ એવાં જ વાતાવરણમાં ઊછરતાં હોય, એટલે સામાન્ય વાતચિતમાંયે અપશબ્દો બોલે. આવી બધી અમારી માન્યતાઓ. એટલે અમને પ્રાઇવેટ સ્કૂલનો વિચાર ગમેલો.
અમારે ઘેર બેબીસિટિંગ માટે આવતાં બાળકો જુદા જુદા બેકગ્રાઉન્ડમાંથી આવતાં હોવા છતાં બધાં વ્યવસ્થિત હતાં. હવે અમે અમારાં પોતાનાં ઘરમાં હોવાથી મેં કાયદેસર બેબીસિટિંગનું લાયસન્સ લઇ લીધું હતું. કાંઈક અજુગતું લાગે અથવા જે મને ના સમજાય અથવા તો જે બાબતમાં મારો પૂરો આત્મવિશ્વાસ ન હોય એ બાળક અમારે ઘેર ન આવે એ માટે પણ હું સજાગ હતી.      

       અમારું આ ઘર મુખ્ય રસ્તા પરની ગલીમાં હતું. રસ્તાની સામી બાજુની એજ ગલીમાં એક સુંદર વિશાળ ચર્ચ હતું. એને અડીને એક નાની સ્કૂલનું મકાન હતું. એક દિવસ બધાં બાળકોને લઈને હું એ તરફ ચાલીને તપાસ કરવા ગઈ. હજુ ઉનાળાની રજાઓ ચાલતી હતી, એટલે સ્કૂલમાં કોઈ હતું નહીં.  પણ ઓફિસમાં કામ કરતી કોઈ બેને મને સમજાવ્યું કે, એ એ લોકોની ખાનગી સ્કૂલ છે, પબ્લિક સ્કૂલ નથી.

      એ બેને મારી સામે જોયું અને પછી મારી સાથે સ્ટ્રોલરમાં બેઠેલાં બાળકો અને મારી ફોજ સામે નજર કરી. મેં કહ્યું કે અમે અહીં નવાં જ આવ્યાં છીએ; “ જુઓ , સામે દેખાય છે ને પેલાં હીંચકા અને લપસણી - એ જ અમારું ઘર.  હું બેબીસિટિંગ કરું છું, અને બાલમંદિરમાં અને બીજા ધોરણમાં અમારાં બાળકોના એડમિશન માટે તપાસ કરું છું.”

     જો એ બેને મને એડમિશનની ના જ પાડી હોત તો વાત જુદી જ હોત. પણ એમણે મને વિગતે વાત સમજાવી. એ પોતે પણ ઉંમરમાં પચ્ચીસેક વર્ષની હતી. એને જે ખબર હતી તે એણે કહ્યું, “તમારે આ ચર્ચમાં નિયમિત આવવું પડે. તમે આ ચર્ચના પેરિશમાં ( કુટુંબમાં ) હોવ તો જ તમારાં બાળકોને આ સ્કૂલમાં પ્રવેશ મળે. ”

      મેં તો મારી જિંદગીમાં કોઈ ચર્ચ જોયું નહોતું.  ફરી પાછા બે સંસ્કૃતિના ગોટાળા શરૂ થયા.  ચર્ચમાં ક્યારે આવવાનું વગેરે માહિતી લઈને હું ઘેર આવી. આપણે ત્યાં કોઈ ખાનગી સંસ્થાઓની સ્કૂલો હોય છે પણ એમાં આવા કોઈ નિયમોની મને જાણકારી નહોતી. પણ મ્યુનિસિપાલિટીની નિશાળ કરતાં ખાનગી નિશાળ સારી એવી મારી દ્રઢ માન્યતા હતી. જો કે એ અહીંની સ્કૂલોમાટે સંપૂર્ણ સત્ય નથી.

    પબ્લિક સ્કૂલમાં પગારનું ધોરણ ઊંચુ હોય અને બીજા ફાયદા પણ ઘણા હોવાથી ઉચ્ચ શિક્ષણ પામેલા શિક્ષકો પબ્લિક સ્કૂલમાં જોડાય . જયારે ખાનગી સ્કૂલોમાં નવાં ગ્રેજ્યુએટ થયેલાં બિનઅનુભવી, ઓછું ભણેલાં અને ઓછા પગારે કામ કરતાં; ક્યારેક વખાનાં માર્યાં કામ કરતાં શિક્ષકો હોય.  વળી મ્યુનિસિપાલિટીની સ્કૂલોમાં શિક્ષકોને ફરજિયાત દર વર્ષે અમુક ટ્રેનિંગ લેવી જ પડે; એટલે એમનું જ્ઞાન કાયમ તાજું જ રહે. જયારે આવી ચર્ચની નિશાળોમાં ધર્મનું શિક્ષણ આપવામાં અગત્યનો સમય જતો રહે. આવી વાતોની તો મને ખબર જ નહોતી.

       હું તો ઘર આંગણાની આ મોંઘી અને સારી, સલામત સ્કૂલને જ જોઈ રહી હતી.  હું તો જલ્દી જલ્દી ચર્ચના સભ્ય કેવી રીતે બનાય અને સપ્ટેમ્બર મહિના પહેલાં એડમિશનનું કેવી રીતે નક્કી થાય એ જ દિશામાં વિચારતી હતી. 

    વર્ષો પછી, અમારાં સંતાનો પરણ્યાં અને જયારે એ લોકોએ પોતાનાં જીવનસાથીઓ સાથે પોતાનાં સ્કૂલના અનુભવો સરખાવ્યાં ત્યારે પબ્લિક સ્કૂલની ઉજળી બાજુ મારા ધ્યાનમાં આવી. રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણે સાચું જ કહ્યું હતું ને "સાચું સમજીને જે કરીએ છીએ તે કદાચ ખોટું યે હોય."     

     આપણે બધાં કાંઈ દુર્યોધન નથી કે કહી દઈએ ; “ જાનામિ ધર્મં ,ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મં ,ન ચ મે નિવૃત્તિ.” [ મને સાચું શું છે, મારો ધર્મ, મારી ફરજ શું છે તે મને ખબર છે અને તોયે હું ખોટું જ કરીશ.] શું આપણે આવું કહીએ ખરાં ? શું આપણે જાણી જોઈને ખોટું કરીએ?

પ્રિય વાચક મિત્રો !

     વાત્સલ્યની વેલી એ કોલમમાં બાળકો સાથેના પ્રંસગો, તેમનો ઉછેર અને તેમનાં વિકાસના પાયામાં અસર કરતાં પરિબળો અને પરિણામની વાતો છે.  જો “ અતિથિ દેવો ભવ” ની આપણી સંસ્કૃતિ કે જે આંગણે આવેલ મહેમાનને જમાડીને જ મોકલવાનું શીખવાડે છે; 'મહેમાં જો હમારા હોતા હૈ વો જાન સે પ્યારા હોતા હૈ.' - એમ કહે છે; તે જ ભાવ અમારા ઘરમાં બેબીસિટિંગના મારાં બિઝનેસને સોનામાં સુગંધ ભેળવતો હતો.

   સાથે સાથે અમેરિકન સંસ્કૃતિ પણ સીધી રીતે અમારા ઘરમાં પ્રવેશી રહી હતી.  અઠવાડિયામાં ત્રણ ચાર દિવસ દાળ ભાતની જગ્યાએ સૂપ અને બર્ગર, સ્પગેટી, ટાકો વગેરેએ સ્થાન લઇ લીધું હતું. જાણે કે ગંગા અને મિસિસિપી  પોતપોતાનું અસ્તિત્વ જાળવીને વહી રહી ના હોય? પણ થોડા સમયમાં જ એ એક બીજામાં ભેગાં થઇ જવાનાં છે.  કોના ઉપર કોનું પ્રભુત્વ છે એ તો સમય જ નક્કી કરશે.

     હવે અમે દર રવિવારે સવારે ચર્ચમાં જવાનું શરૂ કર્યું . અરે વાહ! ચર્ચ તો ભવ્ય હતું.  અંદરથી તો કાંઈક અનેક ગણું સુંદર.  એનાં રંગીન કાચમાંથી સૂર્યનાં કિરણો ચર્ચમાં આવતાં હતાં. ધીમું મ્યુઝિક વાગતું હતું અને ઉપર સ્ટેજ જેવું હતું ત્યાં ફાધર ( પાદરી ) આવ્યા ને ક્રોસ પાસે ઘૂંટણીએ પડીને પ્રણામ કર્યા. ફાટી આંખે અમે જોઈ રહ્યાં. આપણે ત્યાં વ્યાસપીઠ પરથી પ્રવચન આપે તેમ પાદરીજીએ વ્યાખ્યાન આપ્યું. કાંઈ સમજાય તેવું નહોતું પણ અમને ખુબ મઝા પડી. 

      બે ચાર રવિવાર નિયમિત ગયાં એટલે ધીમે ધીમે લોકો ઓળખવા માંડ્યા. એક વખત ચર્ચની સભા ( મેશ) પુરી થઇ પછી પાદરીજી અમારી પાસે આવ્યા. નવાં પડોશી તરીકે એમણે અમને આવકાર્યાં અને અમારે ઘેર આવવા આમત્રંણ માગ્યું. “તમારા નવા ઘરને આપણે બ્લેસિંગ્સ -આશીર્વાદ આપીએ.” એમણે કહ્યું.

      એક શુક્રવારે સાંજે બધાં બાળકો પોતાનાં પેરેન્ટ્સ સાથે ઘેર ગયાં પણ ત્રણ વર્ષની મિશેલ અને દોઢ વર્ષની જુનને લેવા એની મમ્મી આવી જ નહીં. ઘેર અને જોબ પર ફોનનો કોઈ જવાબ આપતું નહોતું.  એ બાળકીઓની મમ્મી રોજ સવારે આંઠ વાગે આવે અને સાંજે છ વાગે બાળકીઓને લઇ જાય. ચારેક વર્ષ એ બાળકીઓ ( અને પછી એનો નાનો ભાઈ) અમારે ઘેર નિયમિત આવ્યાં. તે દિવસે છેક નવેક વાગે એનો હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે, એક્સિડન્ટમાં એની ગાડીનો ભૂકો બોલી ગયેલ અને એને બે દિવસ હોસ્પિટલમાં રાખેલ. એના ઘરમાંથી કોઈ કરતાં કોઈ જ એની મદદે આવ્યું નહોતું. એની મમ્મી( છોકરાંવની નાની ) એને પણ રાત્રિની નોકરી હતી. 

      સમાચાર સાંભળીને અમે તો આભા જ બની ગયાં. આપણે ત્યાં તો ખબર જોવાં ટોળાં ઊમટે. આવા અકસ્માતના સમાચાર જાણીને બધાં સગાં સંબંધી મદદે આવી જાય.  મારી ભારતની કેટલીક ટ્રીપ દરમ્યાન મેં જોયું છે કે, લોકો ત્યાં જઈને પ્રાર્થના પણ કરતાં હોયછે. અને સમૂહમાં બાળકો તો ક્યાંય સચવાઈ જાય તેની ખબરેય ના પડે. અને અહીંયાં?        

     અમારે ઘરે બાળકો, અલબત્ત સહી સલામત હતાં, પણ એ મમ્મીની પરિસ્થિતિ જોઈ હું અંદરથી હચમચી ગઈ.  મારે એ કુટુંબ સાથે ચાર વર્ષનો સબંધ રહ્યો. એ બેન કોઈ મોટી કમ્પનીમાં સારી જગ્યાએ હતાં એમ મારું માનવું છે, પણ ત્રણ નાનાં બાળકો સાથે એ ખુબ તાણ વાળું જીવન જીવતાં હતાં. 

     બીજે દિવસે એટલે કે, શનિવારે સવારે કોઈએ બારણું ખખડાવ્યું.  મેં જોયું તો ચર્ચનાં કેટલાક ભાઈ બહેનો અમને મળવા, આવકારવા આવ્યાં હતાં.  ઘરમાં પેલાં બાળકોને રમતાં જોયાં અને વાતચીતમાં એક બહેને મને કહ્યું,  “તમે જે બેબીસિટિંગ કરો છો તેનું લાયસન્સ માત્ર દિવસ દરમ્યાન બાળકોને સાચવવા માટેનું છે; રાત માટેનું નથી. ” 

      “હા , પણ આવી પરિસ્થિતિમાં તમે મારી જગ્યાએ હોવ તો શું કરો?” મેં પૂછ્યું.  “પોલીસને ફોન કરીને શું આ બાળકો ફોસ્ટર હોમમાં મોકલાવી દઉં ? મુશ્કેલીમાં કોઈને મદદ કરવાની શું આપણી ફરજ નથી?”

     મને લાગે છે કે એમને ગળે મારી વાત ઊતરી.

જગતની સર્વ કડીઓમાં સ્નેહની સર્વથી વડી.

      ચર્ચનાં સૌ મિત્રો સાથે અમે પ્રેમના નાતે બંધાઈ ગયાં હતાં. જો કે, ચર્ચ મારે માટે કુતૂહલનો વિષય હતો, પણ દિલથી પ્રાર્થના કરવા તો અમે મંદિરે જ જતાં. રવિવારે સવારે ચર્ચ અને સાંજે મંદિર.
વાત્સલ્યની વેલીનાં મૂળમાં આમ કૃષ્ણ અને ક્રાઈષ્ટ બન્ને આવીને ખાતર નાખી રહ્યાં હતાં.  ‘સર્વ ધર્મ સમભાવ’ એ ગાંધી વિચારધારા સાથે ઉછરેલી હું આજે વર્ષો બાદ હજારો માઇલ દૂર એજ જીવન રાહ પર જઈ રહી હતી …

'બેઠક'  પર તેમના લેખ આ રહ્યા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *