ફિલ્મ એકટર બનવા શું કરવું પડે?

 - જિગીષા પટેલ

   વ્હાલા બાળમિત્રો,

     આપણે જ્યારે સિનેમાની વાત કરીએ એટલે તરતજ આપણને અમિતાભ બચ્ચન, રાજકપુર, દિલીપકુમાર, રાજેશ ખન્ના, સલમાન ખાન, શાહરુખ ખાન,આમીર ખાન અને મધુબાલા,નરગિસ, માધુરી દિક્ષિત, રેખા, હેમા માલિની,દીપિકા પદુકોણ જેવા દરેકને પોતાને મન ગમતા હીરો-હીરોઈન યાદ આવી જાય.

  1.     પરંતુ  તમને ખબર છે એકટર બનવા માટે કેટલા અથાગ પરિશ્રમ અને અખૂટ ધીરજની જરુર પડે છે? દરેક જણને પડદા પર સરસ દેખાતી અને દેશ-વિદેશની સુંદર જગ્યામાં શુટિંગ કરેલ ફિલ્મ જોઈને એકટર બનવાનું મન થઈ જાય છે. પણ એકટર બનવું ખૂબ અઘરુંછે. જો તમને લાગતું હોય કે, તમારી અંદર એક એકટર છૂપાએલ છે, અને તમે તમારું સંપૂર્ણ
    ધ્યાન તેમાં આપીને અથાગ પ્રયત્ન કરવા માંગતા હો; તો હું તમને આજે તે માટે તમારે શું શું કરવું જોઈએ તે સમજાવું. 
    સૌ પ્રથમ એક્ટિંગની તાલીમ લેવી પડે અને સારી એક્ટિંગ સ્કુલમાંથી ડિગ્રી લેવી પડે. તેના માટે નેશનલ સ્કુલ ઓફ ડ્રામા મુંબઈ,પૂના કે બેંગ્લોર અથવા ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડીયા જેવી સંસ્થામાં ભણવું પડે.
  2. તમારે સ્કૂલ, કોલેજના નાટકોમાં તેમજ શહેરના કોઈપણ નાટક ગ્રુપમાં જોડાઈ નાટકોમાં કામ કરવાનો અનુભવ લેવો જોઈએ. ફિલ્મના એકટર બનતા પહેલા આપણા  ઉત્તમ એકટરો નેશનલ થિએટરમાં કામ કરતા હતા. નસીરુદ્દીન શાહ,શબાના આઝમી,ઓમ પુરી,ગિરીશ કર્નાડ, રાજપાલ યાદવ, અનુપમ ખેર જેવા જાણીતા કલાકારો પહેલા થિએટરમાં જ કામ કરતા હતા. સારા પ્રોડયુસર, ડિરેક્ટર ને કાસ્ટિંગ ડિરેક્ટર (એકટર શોધવાનું કામ કરનાર) નેશનલ થિએટરના સારા એકટરને પોતાની ફિલ્મોમાં લે છે. શાહરુખ ખાન પણ પહેલા નેશનલ થિએટરમાં કામ કરતા હતા. 
  3. એકટર બનવા માટે દેખાવડા હોવું જરુરી નથી પણ એક્ટિંગ ની ટેલેન્ટ હોવી જરુરી છે. તેનું સરસ ઉદાહરણ ઓમ પુરી અને રાજપાલ યાદવ છે. આજના હરીફાઈના જમાનામાં તમારે એક્ટિંગની પ્રેકટીસ સાથોસાથ વોઈસ મોડ્યુલેશન અને જુદા જુદા ડાન્સ ને ફાઈટની ટ્રેનિંગ લેવી જોઈએ. કસરત કરી તમારું શરીર પણ સુદ્રઢ બનાવવું પડે. 
  4.  તમને લાગે તમે હવે એક્ટરની તાલીમ મેળવી લીધી છે, અને તમે હવે પૂરી રીતે મહેનત કરવા તૈયાર છો તો તમારે સારા ફોટોગ્રાફર પાસે પોર્ટફોલિઓ બનાવવો પડે. બીજુ તમારે કોઈપણ આર્ટિસ્ટ એસોસિએશનમાંથી ‘આર્ટિસ્ટ કાર્ડ ‘ લેવું પડે. 
  5. એકટર તરીકેની એન્ટ્રી લેવા પહેલા ટીવી સિરિઅલ,લાઈવ શો,શોર્ટ ફિલ્મ, ડોક્યુમેન્ટરી ફિલ્મ, મ્યુઝિક વિડિઓ આલ્બમમાં કોઓર્ડિનેટરની મદદથી એન્ટ્રી લો. ૩૦૦૦ રુપિયામાં કોઓર્ડિનેટરની રજીસ્ટ્રેશન ફી ભરીને એકવાર ગ્રુપમાં એકસ્ટ્રા તરીકે પણ એન્ટ્રી મળે તો લઈ લેવી. કોઈ પ્રોડક્શન હાઉસમાં પહેલા મોડલિંગમાં,આસિસ્ટન્ટ કેમેરામેન, લાઈટમેન અરે સ્પોટ બોય કે ટી-બોય તરીકે પણ એન્ટ્રી લઈ લો. શરુઆતમાં જો કોઈ એક્ટિંગનો રોલ મળે તો નાનો રોલ હોય કે કેરેક્ટર રોલ કે, વિલન, વેમ્પ જે મળે તે લઈ લો. તમારી આવડત અને નસીબ ભેગા મળી તમને આગળ વધારી શકશે. એકવાર તમને એન્ટ્રી મળે એટલે પ્રેાડ્યુસર, ડિરેક્ટરને ઓડીશન (*) આપવા પ્રયત્ન કરો. 
  6. આ ઉપરાંત તમારામાં અઢળક ધીરજ હોવી જોઈએ. અનેક વખત રિજેક્શન થાય તેની તૈયારી રાખવી પડે.  જરાપણ નિરાશ થયા વગર. એકટરોનાં પુત્ર, પુત્રી કે સગાવ્હાલાને ફિલ્મ લાઇનમાં એન્ટ્રી માટે મહેનત નથી કરવી પડતી. પણ તેમને સારા એકટર તરીકે તો પૂરવાર થવું જ પડે છે.  નહીતર તેમની કેરિયર ત્યાં જ અટકી જાયછે. આમ એકટર થવા ખૂબ સ્ટ્રગલ (સંઘર્ષ) કરવાની અને તમે જે ચીજમાં સારા હો -  દાખલા તરીકે ડાન્સ કે ફાઈટ કે ડાયલોગ ડીલિવરી - તો તેજ વસ્તુ ઉપર ધ્યાન આપી આદુ ખાઈને તેની પાછળ લાગી પડવું પડે.  પછી તો સફળતા તમારા હાથમાં આવી પણ જાય!
           આ ઓડીશન કેવી  રીતે મેળવવું એમ પ્રશ્ન થાય. તો જે એક્ટિંગ સ્કુલમાં તમે ભણ્યા હોવ ત્યાં પોતાની ફિલ્મ માટે ડિરેક્ટરો અને પ્રોડયુસર ઓડીશન લઈ એકટર શોધવા આવે છે.હવે સોશ્યલ મિડીયા જેવાકે ફેસબુક,યુટયુબ ,ઓડીશન વેબસાઈટપર તમે તમારી એક્ટિંગ નો વિડીઓ બનાવી મૂકી શકો છો. તમે તમારા પર્સનલ કોન્ટેકટ એક્ટિંગ માટે બનાવ્યા હોય તે દ્વારા કે ફિલ્મ સ્ટુડિયોમાં ફોન કરીને ઓડીશન આપી શકો છો.

(*)   ઓડીશન એટલે તમે તૈયાર કરેલ તમારા એકલાના ઉત્તમ અભિનયની રજૂઆત. કોઈ એક ફિલ્મ માટે ફિલ્મ ડિરેક્ટર કે પ્રોડયુસરની સામે તમારે તમારા શ્રેષ્ઠ અભિનયની રજૂઆત કરી સાબિત કરવાનું કે, તમે કેવી એક્ટિંગ કરી શકો છો.ઓડીશન એકટર,નૃત્યકાર કે ગીત ગાનારનું પણ હોઈ શકે.

--
--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *