યુગધર્મ -૨

    -  નીલમ દોશી

 કનૈયો.. આ બધું છે  શું મને તો કંઇ સમજાતું નથી.

ગોપ : સમજાતું તો અમને પણ નથી. પણ કાના, બહું પ્રશ્નો નહીં પૂછવાના..જોયા કરવાનું...મૂંગા.મૂંગા..

કનૈયો: આ બધા માથુ પાકી જાય એવા રાગડા કેમ તાણે છે ? સરસ મજાના સૂરીલા

સંગીતના સ્વરો ક્યાં ગયા ?

ગોપ્: હવે આ જ બધુ સંગીત કહેવાય..અને હવે આવું જ ચાલે છે.

કનૈયો: આ ? આ સંગીત કહેવાય ? (આશ્ર્વર્ય અને આઘાતથી)

ગોપ: હા, અત્યારે હનીસીંગની  જ તો બોલબાલા છે.જો બતાવું ?

( ગાય છે, ઠેકડા મારીને નાચે છે.)

કનૈયો: અરે, આવા ગીતો ને આવા  ઠેકડા ?  રાસડા આમ રમાય  ?

ગોપ: કહ્યુ ને એકવાર .ચૂપચાપ જોયા કરવાનું.

કનૈયો: ને ગોપા, ગોપીઓ,એ બધાએ કપડા કેવા પહેર્યા હતા ? મને તો જરા યે ન ગમ્યા.

ગોપ..ગોપીઓ.

કાના,  આ બધી એકવીસમી સદીની  ફેશન છે. એને  ડીઝાઇનર કપડા

કેવાય.ડિઝાઇનર.. પણ રેવા દે...એ બધુ તને નહીં સમજાય.બોલ, તારે રાસ રમવું છે

?  તો પાસ લઇ આવું ?

કનૈયો..પાસ ? એ વળી શું ?

ગોપ: એટલે એમ કે અહીં કઇ મફતમાં રાસ ન રમાય...પૈસા  આપવા પડે પૈસા..

કનૈયો: રાસ રમવાના પૈસા ?

ગોપ: અરે..રમવાના શું ? જોવાના યે આપવા પડે. આ કળિયુગ છે .. કળિયુગ..

કનૈયો: મારે આવા નખરા નથી કરવા કે નથી જોવા..ચાલ ભાગીએ અહીંથી.મારાથી તો

આ રાસલીલા સહન થાય એમ નથી.

ગોપી..એ કાના, તારે તારી રાધાને નથી મળવું ?

કાનો... એ કંઇ સવાલ છે ? હું હમણાં પૂછવાનો જ હતો. કયાં છે મારી રાધા ? એના

વિના તો હું સાવ અધૂરો..

ગોપી..ચિંતા ન કર.કાના, હું હમણાં જ વોટસ અપ કરીને તારી રાધાને અહીં બોલાવું

છું.

કાના..શું ? શું કરીને બોલાવશે ?

ગોપી..વોટસ અપ..બીજું શું ?

કાનો..એટલે ?

ગોપ..એ બધું તને પછી નિરાંતે સમજાવીશું.ચાલ, પહેલા વોટસ અપમાં મેસેજ કરી

લેવા દે.

કાનો આશ્વર્યથી જોઇ રહે છે. માળુ હારૂ, અહીં તો બધું યે બદલાઇ ગયું છે.

ગોપી..અરે,  રાધાને જોઇને તો કાનાને ચક્કર આવી જવાના છે ચક્કર.

રાધા..( આવે છે.) હાય, કાના ડાર્લિંગ, હાઉ આર યુ ? ( મોર્ડન ડ્રેસ,,ગોગલ્સ, મોબાઇલ,

હેડ ફોન ,ઉંચી હીલ્સના સેન્ડલ, પર્સ વગેરે.ફુલ મેઇક અપ.)

કાનો આમ તેમ જુએ છે.કયાં છે રાધા ?

રાધા..ડાર્લિંગ, તારી સામે તો ઉભી છું. ( ગોગલ્સ કાઢે છે.)

કાના..રાધા..તું ? તું ?

રાધા..કેમ નવાઇ લાગે છે ? મને જોઇને ડઘાઇ ગયો કે શું ?

ગોપી..ડઘાઇ ન જાય તો બીજું શું થાય ? એમ કહોને કે બેહોશ ન થઇ ગયો ?

કાના..રાધા, રાધા..તું આ રીતે ?

રાધા.. હમણાં જ બ્યુટી પાર્લરમાંથી આવી.સુંદર દેખાઉં છું ને ?

કાના... મને તો સમજાતું નથી કે હું શું બોલું ?

રાધા..સમજવાની જરૂર પણ નથી. બોલવાનું કામ હું કરીશ.. તારે તો ખાલી  મૂંગો

રહીને સાંભળ્યા કરવાનું. ચાલ, આપણે ડાન્સ કરીએ.

કાનાનો હાથ પકડી વેસ્ટર્ન ટાઇપના નખરા કરે છે.

કાનો હાથ છોડાવીને ભાગે છે.

રાધા.. આ કાનાને તો કંઇ આવડતું નથી. સાવ દેશી..આઉટ ઓફ ડેઇટ છે.ન ચાલે..મને

આવો કાનો આજે ન ચાલે.

 ઓકે..બાય કાના, આમ પણ મારે આજે મારા બીજા બોય ફ્રેન્ડ સાથે ડેટીંગમાં

જવાનું છે. પછી મળીએ..ઓકે..? બાય..

( કાનો આઘાતથી  પડી જાય છે. ગોપ, ગોપીઓ તેને ઉભો કરે છે. )

કાનો..ગોપા, મને અહીંથી લઇ જા..મને દૂર દૂર લઇ જા..

ગોપ..કાના, તારે કયાં જવું છે ?

કાનો..જયાં આવું કશું ન હોય.એમ કર, મને મારી  મારી જમુના નદીને કાંઠે લઇ જા..

ચાલો આપણે  સૌ જઇએ..જમુનાજીને કાંઠડે..જયાં એક્વાર મેં કાળિનાગને નાથ્યો તો.

ચાલ, ત્યાં જઇને નિરાંતે બેસીએ...ને જમુનાના નીરમાં ધૂબાકા મારીએ.

ગોપ: હાલ, ઇ અભરખો યે પૂરો કરી લે. ( બધા જાય છે..એક ગોપ દૂરથી આંગળી ચીંધી ઇશારાથી નદી  બતાવે છે )

ગોપ: જો.. ત્યાં...દેખાય છે  તારી જમુના નદી...( અંદર તરફ   નિશાની કરે છે. )

કનૈયો:મને તો નથી દેખાતી...ખળખળ કરતી, અને બે કાંઠે વહેતી જમુનાનો ઘેરો

ઘૂઘવાટ મને તો નથી સંભળાતો. અને..એક મિનિટ.. આ...આ વાસ શેની આવે છે ?

ગોપ: જમુનાજીના પાણીમાં રહેલી ગંદકીની.

કનૈયો:અરે જમુનાના નીર તો કેવા નિર્મળ ..કેવા સ્વચ્છ..એના નીતર્યા પાણીમાં તો

ચહેરો પણ દેખાય.એમાં વળી ગંદકી કેવી ?

ગોપ:અરે વળી તું ભૂલી ગયો ? કાના, આ સતજુગની  જમુના નથી..આ તો

કળિયુગની જમના.. છે.

ગોપીઓ..

અત્યારે તો જમુના લો કે ગંગા...બધાયના પાણી આવા જ મેલા.

કનૈયો: નદીના પાણીને અને કળિયુગને વળી શું સંબંધ ?

ગોપ:અરે કાના. હવે તો નદીઓમાં કારખાનાઓનો કચરો યે ઠલવાય, અને માણસો

જાતજાતની  ગંદકી કરે..તને તો એની કલ્પના યે ન આવે દોસ્ત,

ગોપીઓ..

આજે   પ્રદૂષણને લીધે હવા યે દૂષિત થઇ ગઇ છે.  આજનો માણસ કુદરતને વહાલ કરવાનું ભૂલી જ ગયો છે.  

 

  ગોપી ( ગાય છે.)  પહેલાં  તો એક ધારી વહેતીતી ગંગા

અને નદીયોનો રજવાડી ઠાઠ,

ઓણસાલ નદીયું નજરાઇ ગ ઇ

ને પાણીમાં પડી મડાગાંઠ...

ગોપ...હવે નદીઓના ઘૂઘવાટ કેવા ને ખળખળ વહેતા નિર્મળ નીર

કેવા ? કાના, આજે તો  પાણી યે વેચાતુ લેવું પડે છે.

 

કનૈયો..( કાને હાથે મૂકી દે છે. ) નથી સાંભળવું..મારે  હવે કંઇ જ નથી સાંભળવું.

મારાથી આ બધું સહન નથી થતું.  ગોપા, મને અહીંથી લઇ જા..મારે જમુનાની નજીક

નથી જવું. ( વેદનાથી ) મારી પ્રિય જમનાની આ સ્થિતિ મારાથી  સહન નથી થતી.

નથી થતી.

ગોપ: કયાં લઇ જઇએ ? દોસ્ત, તને કયાં લઇ જઇએ ?

કનૈયો: એમ કરો, મને મારા કદંબ વનમાં લઇ જાવ. ક્દંબની નીચે થોડીવાર શાંતિથી

બેસી મારી બંસી વગાડીશ. એટલે મને થોડી નિરાંત મળશે. ( ખિસ્સામાંથી બંસરી કાઢે

છે)

ગોપી: કાના, કદંબવન..? અરે..કદંબવનનો તો કયારનો યે કપાઇને નાશ થઇ ગયો.

હવે તો રહ્યા  છે માત્ર એના કોઇ રડયા ખડયા અવશેષો..

ગોપ..હવે તો ત્યાં ઉભા છે સિમેન્ટના જંગલો..

કનૈયો..કદંબવનનો નાશ ? કોણે કાપ્યું  મારા વહાલા કદંબવનને ?( દુ:ખી થઇ જાય છે )

ગોપ: કોણે એટલે ? માણસ સિવાય કોણ હોય ?

કનૈયો:અરે પણ જંગલ કેમ કાપ્યા ? ઝાડોનો નાશ શા માટે ?

ગોપ:લાકડા માટે...જરૂરિયાત માટે...(નિસાસો નાખીને)

ગોપીઓ.. અને આજે કંઇ માનવીની જરૂરિયાતો ઓછી છે ?  

કનૈયો:(રડવા જેવા અવાજે) મારા લીલાછ્મ જંગલો...ઝાડો..!

ગોપ:( થોડા મોટા અવાજે ઉશ્કેરાટથી) માણસજાતે પોતાના થોડા સ્વાર્થ માટે કર્યો

કાના, બધું યે ખોવાઇ ગયુ...કાના, ખોવાઇ ગયુ..(રડી પડે છે)

કનૈયો:ગોપા, ગોપા, આ બધું મને શા માટે બતાવ્યું ? શા માટે ? માણસજાત આટલી

સ્વાર્થી બની ગઇ ? અરે પોતાનું ભલુ શેમાં છે એટલીયે માણસને ખબર નથી ? તેને

એટલું પણ સમજાતું નથી ?

 

ગોપ:.(દુ:ખથી ) અરે, આજની માણસજાતને ખબર તો બધી યે છે. પણ...

ગોપી... કાના, સૂતેલા માણસને જગાડી શકાય..પણ જાગતાને કોઇ જગાડી શકયું છે ખરું ?

ગોપી, ગોપીઓ બધા સાથે...

કનૈયા, કરી શકે તો કંઇક કર...કનૈયા કંઇક કર..

 

કનૈયો:આજે તો મને યે સમજાતુ નથી કે હું શું કરું ?

ગોપ:(આંગળી ચીંધી બતાવે છે) અને આ જોયુ ? આ છે માણસે કરેલી બેસુમાર

ગંદકી...પ્લાસ્ટીકની થેલીઓ અને જાતજાતના ટીનના ડબલાઓ...તને તો એની સમજ

સુધ્ધાં ન પડે.

કનૈયો:આનો ઉપાય ? કંઇક ઉપાય તો હશે ને?

ગોપ: (હસતા હસતા)ફરી એક્વાર જનમ લઇ જો.......

કનૈયો.. ના, હવે અત્યારે..જનમ લેવાની હિંમત નથી. ગોપ, શું આનો   કોઇ ઉપાય નથી?

ગોપ:જનજાગૃતિ અને સ્વંયશિસ્ત એ એક માત્ર ઉપાય.

ગોપીઓ.. એકલા કાયદા કરવાથી કે એકલી સરકારથી કંઇ ન થઇ શકે. આમજનતા

જાગે અને કુદરતને સમજે તો જ બધું થાય

કનૈયો:ગોપ, હું એમાં શું મદદ કરી શકું?

ગોપ:કાના,એ તો હવે તું જ વિચાર.

ગોપીઓ..  પરિત્રાણાય સાધૂનામ....... નું વચન તેં જ

આપ્યુ છે ને? ( અંદરથી એ ષ્લોક આખો સંભળાય છે)

કનૈયો..( અચાનક ઉભો થઇ બંસરી એક તરફ મૂકી દે છે.  )

ગોપ: (આઘાત અને આશ્ર્વર્યથી) અરે કાના. આ શું ? બંસી કેમ મૂકી દીધી ?

કનૈયો:મને લાગે છે યુગેયુગે ..સમયની માંગ પ્રમાણે હું હવે બદલીશ યુગધર્મ...

હવે વિશ્વમાં એક જ ધર્મ રહેશે...માનવધર્મ..!

( અંદરથી અવાજ... )

માનવની સેવા એ જ મારી સેવા. દીન, હીન, દુ:ખી, અપંગ, લાચાર માનવોની

સેવા..એ જ મારા સુધી પહોંચવાનો એક માત્ર ઉપાય હશે.

મારે જરૂર છે પૂજા માટે  જોડેલા  બે હાથની નહીં પણ કોઇને મદદ

કરવા માટે લંબાયેલા બે હાથની..એ જ મારી સાચી પૂજા, અર્ચના એ જ મારી ભક્તિ.

ને એ જ મારો સાચો ભક્ત. અને એ જ આજનો યુગધર્મ...સાચો ધર્મ..

   અને જયાં સ્વચ્છતા નથી ..ત્યાં પ્રભુતા નથી. આજ્થી બંસીની જગ્યાએ મારા હાથમાં

રહેશે આ સાવરણી...સ્વચ્છતાનું પ્રતીક. જે બની રહેશે એકવીસમી સદીની મારી બંસી.

( સાવરણી હાથમાં લઇ થોડુ વાળે છે..સાફ કરે છે ને પછી હાથમાં બંસીની મુદ્રામાં

સાવરણી રાખી ..પગ ક્રોસ કરી કૃષ્ણ ભગવાનની જેમ ઉભી જાય છે. ગોપ, ગોપીઓ

 બધા પણ ઝાડુ હાથમાં લે છે.બધા વાળે છે અને પછી ક્રોસમાં પગ રાખીને ઉભા રહી

જાય છે.

    -     તેમનો બ્લોગ 'પરમ સમીપે' 

One thought on “યુગધર્મ -૨”

  1. બહુજ સરસ. જમાનાને અનુરુપ નાટક.
    ધો-5,6,7 ના બાળકો આ નાટક શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભજવે તો સરસ સંદેશો આપી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *