સુખનો પાસવર્ડ

 -    આશુ પટેલ

[ મુંબઈ સમાચાર - મૂળ લેખ અહીં ]   

      એક શ્રીમંત માણસ અનેક પ્રકારના વ્યવસાય કરતો હતો. એ પૈકી એક વ્યવસાય મકાનો બાંધવાનો પણ હતો. તે શ્રીમંતનો એક જૂનો અને વફાદાર કર્મચારી હતો. શ્રીમંત જે મકાનો બાંધતો હતો તેનું સુપરવિઝન તે કરતો હતો. શ્રીમંત તેના પર ખૂબ વિશ્વાસ મૂકતો હતો. 

      તે શ્રીમંતના વફાદાર કર્મચારીની નિવૃત્તિની ઉંમર થઈ ત્યારે શ્રીમંતે તેને કહ્યું કે તારે નિવૃતિ લેવાની જરૂર નથી. તને ઈચ્છા થાય એટલા વર્ષ તું મારી સાથે કામ કરી શકે છે. 

     જો કે નિવૃત્ત થઈ રહેલા કર્મચારીએ કહ્યું કે મેં ચાર દાયકા સુધી તમારી સાથે કામ કર્યું અને મને તમારી સાથે કામ કરવાની મજા પણ આવી, પરંતુ હવે મારા દીકરાઓ કમાતા થઈ ગયા છે અને હું નિવૃત્ત જીવન ગાળવા માગું છું. 

      શ્રીમંતે કહ્યું, તારી ઈચ્છા નિવૃત્તિ લેવાની જ હોય તો વાંધો નહીં, પણ તું મને એક છેલ્લું મકાન બાંધી આપ. નિવૃત્ત થઈ રહેલા કર્મચારીને થયું કે નિવૃત્ત થઈ ગયા પછી પણ શેઠ કેમ કામ સોંપી રહ્યા છે? જોકે તેણે કહ્યું કે ઠીક છે. 

      શ્રીમંત તેને એક જગ્યા બતાવવા લઈ ગયો. ત્યાં એક નાનો બંગલો બની શકે એટલી જગ્યા હતી. શ્રીમંતે તેને કહ્યું કે આ જગ્યામાં તને ઠીક લાગે એવું મકાન બાંધી આપ. પૈસાની ચિંતા ન કરતો. 

      નિવૃત્ત થયેલા કર્મચારીએ ત્યાં મકાનનું બાંધકામ શરૂ કર્યું. પણ તેને એ કામ કરવા માટે બહુ ઉત્સાહ નહોતો. એટલે તેણે વહેલી તકે કામ પતે એવી ડિઝાઈન પસંદ કરી અને કામ ચાલુ કરાવ્યું. થોડા મહિનાઓ પછી તેણે મકાનનું બાંધકામ પૂરું કર્યું અને શેઠને બોલાવીને મકાન બતાવ્યું. શેઠને એ મકાન બહુ પસંદ ન પડ્યું હોય એવું તેમના ચહેરા પરથી લાગ્યું. જો કે તેમણે કશું કહ્યું નહીં. 

      શેઠ મકાન જોઈને બહાર નીકળ્યા એ પછી નિવૃત્ત થયેલા કર્મચારીએ મકાનને તાળું મારીને તેમને ચાવી આપી. 

    શેઠે એ ચાવી તેને પાછી આપતા કહ્યું કે મેં આ મકાન તારા માટે જ બંધાવ્યું છે. તેં આખી જિંદગી વફાદારીપૂર્વક મારા માટે કામ કર્યું એટલે મારે તને ભેટ આપવી હતી! 

     નિવૃત્ત થયેલો કર્મચારી થોડી વાર શેઠ સામે અને થોડી વાર મકાન સામે જોઈ રહ્યો. તેને અફસોસ થયો કે પોતે આ મકાન બનાવવાના કામમાં વેઠ ઉતારી હતી! 

સાર એ છે કે માણસે કોઈ પણ કામ દિલ દઈને કરવું જોઈએ.

સાભાર - શ્રી. વિનોદ પટેલ

One thought on “સુખનો પાસવર્ડ”

  1. સાર એ છે કે માણસે કોઈ પણ કામ દિલ દઈને કરવું જોઈએ.

    ધન્યવાદ – શ્રી. વિનોદ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *