બકો જમાદાર – ૪

  -   જયશ્રી પટેલ

  

નમસ્તે બાળકો..

મંગળવાર આવે ને મને પણ તમને મળવાનું મન થઈ આવે. હું પણ રાહ જોઉં મારા વહાલા બાળગોપાળોને મળવાની. તમને ખબર છે મંગળવાર એટલે ગણપતિ બાપાનો વાર?

 

વાર્તા ન. ૪

      બકો જમાદાર એકવાર મહારાષ્ટ્રના ગોકર્ણ ગામે સહકુટુંબ ફરવા ગયા. બાળકો દરેક ગામે એક વાર્તા તો હોય જ. આ ગોકર્ણ ગામના દરિયા કિનારે રાવણ જે લંકાનો મહારાજા હતો તે તપ કરતો હતો. બધા દેવો તેનાથી ગભરાય. થયું એવું કે તે શંકર ભક્ત તેથી શિવલિંગ લઈ તપ કરે. જો કોઈ એ શિવલિંગ તેના હાથમાંથી નીચે મૂકાવી દે તો એનું તપ ભંગ થાય. ગણેશે બીડું ઝડપ્યું. એ તો દરિયા કિનારે બાળ સ્વરૂપે ગયા અને ટહેલવા લાગ્યા. રાવણનો નહાવાનો સમય થયો હતો. એને થયું આ બાળકને કહું કે તે શિવલિંગ પકડી રાખે ને પોતે નાહી આવે.

     બાળક પાસે આવી એણે તો કરડાકીથી કહ્યુ, “બાળક આ શિવલિંગ પકડ ને હાલ્યા ચાલ્યા વગર ઉભો રહે.” હવે ગણેશ તો મનમાં મરક્યા. એમને તો મોકો મળી ગયો. જેવો રાવણ નહાવા ગયો કે તેમણે તો મોકો મળતા શિવલિંગ જમીન પર મૂકી દીધું. રાવણ પાછો ફર્યો ને શિવલિંગ જમીન પર જોયું તો ક્રોધે ભરાયો. ગણેશને શોધવા લાગ્યો પણ તે તો દેખાયા નહિ. આમ તેની તપશ્ચર્યાનો ભંગ થયો ને દરિયા કિનારે શિવલિંગની સ્થાપના થઈ. ડરથી કોઈ કાર્ય ન થાય બાળકો.

      બકો જમાદાર આ ઈતિહાસ જાણી એટલું સમજ્યા કે, અભ્યાસ હોય કે કામ - જો ડરથી કરાવવા જાવ તો તે પાર ન પડે. તે હંમેશા પ્રેમથી જ પાર પડે. તેમણે બધાને સમજાવ્યું કે અભ્યાસની આદત પાડો, પણ કોઈને ધમકાવીને કોઈ કાર્ય કરાવીએ તો તે જરૂર કરે પણ ડરતાં ડરતાં ને આખરે તે કાર્ય અધુરૂ રહે અથવા કાર્ય થાય જ નહીં.

      સિંહને સરકસમાં રિંગમાસ્ટર ચાબૂકથી ડરાવીને કાર્ય કરાવે છે. સિંહ તે કાર્ય ડરનો માર્યો કરે છે પણ જો તે વીફરે તો રિંગમાસ્ટરને પણ ઘૂરકી લે. બકા જમાદારે હવે પોતાના બાળકોને પ્રેમથી સમજાવી ને કામ પાર પાડવા માંડ્યું. બાળકો તમે પણ માતાપિતાનું કામ કે અભ્યાસ ડરથી નહીં પણ પ્રેમથી કરજો.    કરશોને?

      ચાલો ફરી આવતા મંગળવારે. ફરી કંઇક નવું ! મજા આવે છે ને ઉનાળાની રજાઓમાં? નવું નવું કંઇક કરજો. ફરવા જાવ તો ડાયરી લખજો.

પ્રતિલિપિ પર તેમની રચનાઓ અહીં ...

--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.