અભિવ્યક્તિ

- રાજુલ કૌશિક        

    છોકરાંઓ કહો તો તમારામાંથી એન્ડ્રુ કાર્નેગીને કોણ કોણ ઓળખે છે? આ એન્ડ્રુ કાર્નેગી એટલે અમેરિકન ધનપતિઓમાંથી એક. એમનું નામ  શ્રીમંત-ઐતિહાસિક વ્યક્તિઓની યાદીમાં અમેરિકન ધનપતિ તરીકે અત્યંત માનથી લેવાય છે. મૂળે ડનફર્મલાઇન ( સ્કોટલેન્ડ)માં જન્મેલા કાર્નેગી તેમના માતા-પિતા સાથે  યુનાઇટેડ સ્ટેટ્સમાં આવીને વસ્યા. મોટા થઈને યુનાઈટેડ સ્ટેટ્સની એક બોબીન ફેક્ટરીમાં સામાન્ય કામદાર તરીકે શરૂ થયેલું તેમનું કામકાજ કાર્નેગી સ્ટીલ કંપનીની સ્થાપના સુધી પહોંચ્યું હતું અને વિશ્વમાં ભારે નફો કરતા મોટા પાયાના  ઔદ્યોગિક એકમ તરીકે ઉભરી આવ્યું હતું.  કાર્નેગી સ્ટીલ કંપનીની સ્થાપના બાદ તેમનું નામ  અનેક “કેપ્ટન્સ ઓફ ઇન્ડસ્ટ્રી”માંના એક તરીકે જાણીતું થયું હતું.

    દાનેશ્વરી કાર્નેગીએ પોતાના ધનનો હિસ્સો અનેક  સંસ્થાઓને સમર્પિત કર્યો હતો. ગ્રંથાલયો, વૈશ્વિક શાંતિ, શિક્ષણ અને વૈજ્ઞાનિક સંશોધનને ખાસ મહત્વ આપતા કાર્નેગીના જીવનને “રેગ્સ ટુ રિચીસ” તરીકે મૂલવવામાં આવે છે.

      એન્ડ્રુ કાર્નેગીએ બહોળો કારોબાર જમાવેલો પણ એમને પોતાના ધંધાની જાહેરાત કરવી જરાય ગમતી નહોતી. એ હંમેશા ધંધાની જાહેરાત કરવાના  વિરોધી હતા. વિજ્ઞાપન એટલે કે જાહેરાત માટે એમનો સંપર્ક કરવા માટે ઘણા નિષ્ફળ પ્રયાસો પણ થયેલા. એમાંના એક વિજ્ઞાપનના સંપર્ક અધિકારી તો ક્યારેક કાર્નેગીને સમજાવવામાં સફળતા મળશે એવી આશાએ અવારનવાર એમની મુલાકાત લેતા. આવી અનેક મુલાકાતો દરમ્યાન એમણે કાર્નેગીને જાહેરાત નહીં આપવા પાછળનું તાર્કિક  (લૉજિકલ)  કારણ પૂછ્યું.

      કાર્નેગી માનતા કે જાહેરાત વગર પણ જો લોકો એમના ઉત્પાદન ખરીદતા હોય, તો જાહેરાત પાછળ સમય અને સંપત્તિ વેડફવાની કોઇ જરૂર નથી.

      એ સમયે દૂરના ચર્ચમાં થયેલો ઘંટારવ સંભળાયો. પેલા અધિકારીએ કાર્નેગીને પૂછ્યું, “આપે આ ઘંટારવ સાંભળ્યો એ ચર્ચ ત્યાં કેટલા સમયથી છે?”

     “એ ઘણું જુનુ છે. છેલ્લા સો વર્ષથી તો એ ત્યાં જ છે એવું સાંભળ્યું છે.” કાર્નેગીએ જવાબ આપ્યો.

      “સદીઓથી એ ચર્ચ ત્યાં જ છે એવું લોકો પણ જાણે છે તેમ છતાં ત્યાં રોજ સવાર-સાંજ નિયમિત રીતે ઘંટનાદ થાય છે. કેમ? ખુદ ઇશ્વર પણ ઇચ્છે છે આ ઘંટારવ દ્વારા લોકો જાગૃત  રહે. ઇશ્વર પણ આ ઘંટનાદ દ્વારા સૂચવે છે કે હું અહીં જ છું મને ભૂલી ના જશો.” અધિકારીએ કાર્નેગીને સમજાવતા કહ્યું અને ઉમેર્યું કે એમની દ્રષ્ટિએ આ વધુમાં વધુ  લોકો સુધી પહોંચવાનો એક પ્રયાસ છે.

      સારી વસ્તુની પણ રજૂઆત જરૂરી છે એવી અધિકારીની આ વાતની કાર્નેગી પર ચોક્કસ અસર થઈ અને એમણે પોતાના ઉત્પાદન માટે જાહેરાત માટે સંમતિ આપી.

સીધી વાત-

       સારી અને સાચી વાતને પણ લોકો સુધી પહોંચાડવા સતત પ્રયત્નશીલ રહેવું જોઇએ. અશુભ સામે શુભ તત્વોની જીત માટે, નકારાત્મકતા સામે હકારાત્મકતા કે સકારાત્મકતાની જીત માટે યોગ્ય સમજણ અને અભિવ્યક્તિની જરૂર તો હોય છે.  અંધકારના ધુમ્મસભર્યા આવરણમાંથી ધરતીને પ્રકાશિત કરવા સૂરજની રોશનીની જરૂર તો હોય છે . સત્ય, શિવ અને સુંદરતાને પણ બોલકણા- વાચાળ બનવાની જરૂર તો હોય છે.

તેમનો બ્લોગ - રાજુલનું મનોજગત

-- --

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *