ભયની ભ્રમણા

- રાજુલ કૌશિક        

     બે સાવ નાનકડા બાળકો એકબીજાની સાથે રમતાં હતાં. ઘણા સમય પહેલાં આવું બનવાની શક્યતા હતી કારણકે ત્યારે બાળકો પાસે આઇપેડ નહોતા, મોબાઇલો પર અપ-લૉડ કરેલી રમતો નહોતી. ટી.વી પર એમના માટે કાર્ટૂન કેરેક્ટરવાળા પ્રોગ્રામ નહોતા. 

     હવે રમતાં રમતાં બંને તડકામાં જઈ પહોંચ્યા. બાળકો તમે ય તડકામાં જઈને રમત તો રમી જ હશે ને? મઝા આવતી હતી?  કંઈક નવું લાગતું હતુ?  હવે જે બે બાળકો તડકામાં રમતાં હતાં એમણે જોયું કે, એ બંને જે કંઈ કરતા હતા એવું જ એમના પડછાયા કરતા હતા. બંને જેવું હલનચલ કરતા હોય અદ્દલોઅદ્દલ એમના પડછાયા પણ એ પ્રમાણે જ એવું જ હલનચલન કરતા હતા.

    અરે વાહ ! આ તો સરસ મઝાની રમત. બંને બાળકોને આ રમત ખુબ ગમી ગઈ.

       રમવામાં અને રમવામાં કેટલોય સમય પસાર થઈ ગયો. હવે ધીમે ધીમે એમના પડછાયા મોટા થતાં ગયા. પોતાના કરતાં ય મોટા પડછાયા જોઇને બંને બાળકો ખુબ ડરી ગયા અને એ મોટામસ પડછાયાથી છુટકારો મેળવવા આમતેમ દોડાદોડ કરી મુકી પણ પડછાયા ય જાણે એમની સાથે હોડમાં ઉતર્યા હોય એમ એમની સાથે જ  દોડાદોડ કરવા લાગ્યા. પડછાયાએ જાણે એમને પકડી લીધા. વાતનું વતેસર થયું. બંને બાળકો  રમતાં રમતાં રડવા લાગ્યાં. મોટે મોટેથી રડતાં છોકરાઓના અવાજથી બંનેની મા દોડી આવી.

      પહેલા છોકરાની માએ જોયું કે એનું બાળક પડછાયાથી ડરી ગયું છે; એટલે એણે પોતાના બાળકને છાંયડામાં લઈ લીધો. પડછાયો દેખાતો બંધ થયો એટલે બાળકે રડવાનું તો બંધ કરી દીધું પણ મનમાં ઘર કરી ગયેલો ડર દૂર ના થયો. જ્યારે પણ એ તડકામાં જાય અને પડછાયો જુએ એટલે ડરી ભાગીને છાંયડો શોધવા માંડે.

      બીજા બાળકની માએ પણ જોયું કે પડછાયાથી ડરીને પોતાનું બાળક રડી રહ્યું છે. એણે એને ત્યાંથી દૂર કરવાના બદલે સમજણ આપી કે હકીકતમાં પડછાયો તો તડકાને રોકી રહેલા બાળકની પોતાની છાયા છે. એણે બાળકને  વધુ સમજાવતા કહ્યું, “ જો તું તારો હાથ હલાવ તો એ પણ એનો હાથ હલાવશે. તું તારો પગ હલાવ તો એ પણ એનો પગ હલાવશે. તું કૂદકો મારીશ તો એ પણ તારી જેમ કૂદકો મારશે. તું ડાન્સ કરીશ તો એ પણ તારી જેમ જ ડાન્સ કરશે. પડછાયો એ તો માત્ર તારી છાયા છે અને તારી નકલ જ કરે છે. એનાથી ડરવાનું હોય જ નહીં. એને તો તું ઇચ્છે એમ નચાવવાનો હોય.”  

     અને બાળકને પડછાયાના ભયથી કાયમ માટેની મુક્તિ મળી ગઈ.

       ઉંમરના પ્રત્યેક પડાવની સાથે ભયની ભ્રમણા તો કદાચ પેલા પડછાયાની જેમ જ વળગેલી રહેવાની. બાળપણથી માંડીને ઘડપણ સુધી અલગ અલગ ભયના ભાર સાથે જીવતા આપણે મૃત્યુના  ડરથી પણ ક્યાં છૂટી શકીએ છીએ? જે જેવું છે એને એમ જ સ્વીકારીને એમાંથી મુક્ત થવાના બદલે એના ભરડામાં લપેટાઇને જાતને વધુ તકલીફમાં મુકતા જઈએ છીએ.

સીધી વાત

     ભય માનસિકતા છે. ભય કરતાં ભયની લાગણી, ભયનો ભ્રમ વધુ ભડકાવનારો હોય છે. એના નાનકડા સ્વરૂપને પણ આપણે અનેક ઘણુ વધારીને વિચારીએ છીએ. એને વાસ્તવિક સ્વરૂપમાં જોવાના બદલે આપણી કલ્પનાના રૂપે જોતા થઈએ છીએ ત્યારે હોય એના કરતાં પણ આપણને વધુ ડરાવે છે. ભય સામે ભાગેડુવૃત્તિના બદલે  એને વાસ્તવિક સ્વરૂપે સ્વીકારીને એમાંથી માર્ગ કાઢીએ તો એમાંથી જલદી મુક્ત થઈએ.

તેમનો બ્લોગ - રાજુલનું મનોજગત

-- --

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.