પ્રતિક્રિયા

- રાજુલ કૌશિક        

     આજે આપણે વાત કરીએ એક જાણીતા સૂફી  ફકીર જુનૈદની પ્રકૃતિની….. તમે કોઈ ઓળખો છો એમને? એ કેવા હતા ખબર છે ?કોઈને માન્યામાં ન આવે એવા.  એટલું મને કહો કે કોઈ તમને  ગાળ દે તો તમે શું કરો? પણ સૂફી ફકીર જુનૈદને તો કોઇ તેમને ગાળ દે તો એ કહેતા કે આનો જવાબ હું કાલે આપીશ. બીજા દિવસે તે વ્યક્તિને જોઇને કહેતા કે હવે જવાબ આપવાની કોઇ જરૂર નથી. ક્યારેક કોઇ તેમને પૂછતું “કાલે તમને ગાળ આપી ત્યારે કેમ તમે કોઇ જવાબ ના આપ્યો? કોઇ ગાળ આપે તો આપણે તે જ સમયે તેને સામે જવાબ આપી દઈએ છીએ. એક ક્ષણ પણ નથી રોકાતા તો તમારે કેમ કાલ પર વાત ટાળવી હોય છે?”

      જુનૈદે જવાબ આપ્યો-  "મારા ગુરુએ કહ્યું છે કે : 

      “આઘાતમાં બુદ્ધિ બહેર મારી જાય છે. મતિ મૂ્ર્ચ્છા પામે છે. માટે થોડો સમય જવા દેવો. કોઇ ગાળ દે તે સમયે જો જવાબ આપ્યો તો તે ઉત્તર મૂર્ચ્છામાં દીધો હશે કારણકે ગાળથી તમે ઘેરાયેલા હશો અને તેના તાપથી અકળાયેલા હશો. તેનો ધુમાડો હજી તમારી આંખમાં હશે. થોડા વાદળ પસાર થવા દો. એક દિવસનો સમય જવા દો અને પછી તેનો ઉત્તર દેજો. અને આપણે પણ જાણીએ છીએ કે પસાર થયેલા સમય પછી આખી ઘટનાનો ભાર વેરાઇ જાય છે.

      એવી જ એક યુવતીની વાત છે. એવી તો સરસ મઝાની ડાહીડમરી. એની મમ્મીએ એ નાની હતી ત્યારે એવું શીખવાડેલું કે કોઈ ગમે તેવું હોય પણ આપણે તો સારા જ બની રહેવાનું. એ મોટી થઈ ત્યારે ક્યારેક એવું બનતું કે  સામેની વ્યક્તિના બોલવાથી કે વર્તનના કારણે એ દુઃખ અનુભવતી અને એના મન પર ભાર થઈ જતો અને એ ભાર એના ચહેરા પર સ્પષ્ટ રીતે તરી આવતો. પરંતુ એના પ્રત્યાઘાત આપવાના બદલે એ મૌન ધારણ કરી લેતી. એની ચૂપકી જ એની સમસ્યાનું મારણ બની રહેતી. ક્યારેક કોઇ એને પૂછે તો એ કહેતી - “શું થયું એ કાલે કહીશ.”

    કારણ ? એ કહેતી કે,

      કારણ માત્ર એટલું કે જો આજે જે કારણથી મન દુઃખ  પામ્યું છે એની અસર કાલ સુધી રહી, તો ખરેખર વિચારવા જેવી અને ઉકેલ લાવવા જેવી ગંભીર સમસ્યા હોવી જોઇએ. અને જો કાલ સુધીમાં આઘાત કે દુઃખની તીવ્રતા ઘટી જાય અથવા જે કંઇ બન્યું એનો ભાર મન પરથી ઓસરી જાય તો એનો અર્થ કે ગઈકાલે જે બન્યું એના રોજીંદા ક્રમને નડતરરૂપ કે નુકશાનકારક નહોતું તો પછી શા માટે વળતો પ્રહાર કરીને વાત વધારવી?

સીધી વાત- 

      જ્યારે તે સમય માટે કોઇ અનુચિત ( યોગ્ય) લાગતી બાબત હોય એના સંદર્ભમાં ઉતાવળી પ્રતિક્રિયા આપીને સ્વયંનું ભલુ કરીએ છીએ. ક્યારેક ઉતાવળા પ્રતિભાવ કે પ્રત્યાઘાતના બદલે સામી વ્યક્તિની અવગણના કરીને આપણે માનસિક વ્યથામાંથી ઉગરી જઈએ છીએ. વળી વળતા પ્રહારના લીધે બંને પક્ષે ઉચાટ તો વહે છે. અન્યના વાણી, વર્તન કે વિચારોને આપણે બદલી શકતા નથી પણ આપણા વાણી, વર્તન અને વિચારો પર તો આપણું પ્રભુત્વ, આપણો કાબૂ હોય ને?

તેમનો બ્લોગ - રાજુલનું મનોજગત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *