કલરવ કિલ્લોલ

- ગીતા ભટ્ટ

તમારા આનન્દથી તમે દુનિયા બદલજો, પણ રખે ને દુનિયાને લીધે તમારા આનન્દમાં કંઈ ઓટ આવે. ” કોઈ શાણા માણસે કહ્યું છે!

Change the world with your happiness ; but don’t let world change your happiness!

      પણ જિંદગી એટલે જ વિસ્મય. આપણે ગમે તેટલું વ્યવસ્થિત પ્લાનિંગ કર્યું હોય પણ તોયે ક્યાંક તો કાંઈક ઉંધુ વેતરવાનું જ અને એનું નામ જ તો જીવન.  એક સીધી લીટીમાં જતું , ખાધું , પીધું ને રાજ કીધું એવું જીવન તમે ક્યાંય જોયું ?

      અમે જીવન વિષે સારું એવું વિચાર્યું હતું. અરે મેં તો વળી આકાશવાણી અમદાવાદ રેડિયો સ્ટેશન પરથી યુવા વાણી વિભાગમાં “જીવન એટલે શું અને જીવનને હું આ રીતે જોઉં છું એ વિષયો પર વાર્તાલાપો પણ આપ્યાં હતાં.  એ બાબતમાં મેં ખૂબ વાંચ્યું યે હતું. પણ કયા પ્રવાહમાં અમે ખેંચાઈ રહ્યાં હતાં તેનો ખ્યાલ નહોતો. 

      અમેરિકાનો કોઈ પ્લાન નહોતો ત્યાં અમેરિકા આવ્યાં; દેશમાંથી બાળકો સાથે અમેરિકા આવી બેબી સિટિંગ શરૂ કર્યું . દેશમાં અમારું એક સ્કૂટર માંડ હતું, ને અહીં ઘર થયું -  મોટું આંગણું ને પાછળ નાનકડું ચાર બેડરૂમનું ઘર. વળી છ સાત બાળકોથી ઘર ધમધમે !
      પણ બાળકોને સંભાળવા સાચવવા એ કાંઈ નાની સૂની વાત નહોતી જ. બધાં જ બાળકોને સતત સંભાળવાની સમગ્ર જવાબદારી આખો દિવસ મારી જ હોય.  એ તો એમનાં મા બાપનાં દિલનાં ટુકડાં હોય.  તેમને સારી રીતે પ્રેમથી ઉછેરવાની મારી ફરજ હતી. 
      એટલે એ બધાં માટે વ્યવસ્થિત પ્રવૃત્તિઓ પણ નક્કી કરી. આ એ સમય છે કે, જયારે બાળ ઉછેરની સ્પેશિયલ ટ્રેનિંગ હજુ મેં લીધી નહોતી. જે હતું તે મારી પાસે આપણા દેશમાં મેં જોયેલું, જાણેલું અને અનુભવેલું જ્ઞાન માત્ર  જ હતું. 
      આપણે ત્યાં દેશમાં રેડિયા ઉપર સવારે પ્રભાતિયાં આવે.  અમારા ઘરમાં પણ સવારે ભજન સ્તુતિ સંભળાય. અહીંયા એવી જ રીતે સંગીતથી સવાર શરૂ કરી હોય તો કેવું ? ને જાણીતા ( Toys R Us )રમકડાના સ્ટોરમાંથી એક સરસ મઝાનું અઢી ફૂટ ઉંચુ , બે ફૂટ પહોળું, મિકી માઉસ ને મીની માઉસના ચિત્રવાળું રેકર્ડ પ્લેયર ખરીદ્યું. ખુબ મોંઘુ હતું ,પણ નજીવી ખામી હતી એટલે, અને અમારો ઉત્સાહ , બેબીસિટીંગ કરું છું , વગેરે જોઈને એંસી ટકા ઓફ , માત્ર પચાસ ડોલરમાં મેનેજરે આપ્યું !

     વરસો સુધી એ અમારાં ઘરમાં આનન્દ કિલ્લોલનું પ્રતીક બની રહ્યું હતું. અમારું સવાર સુંદર બાળગીતોથી ઉઘડે. આપણે ત્યાં ‘મેં એક બિલાડી પાળી છે’ એમ અહીંયા ‘મેરી હેડ એ લિટલ લેમ્બ’  કે, ‘સાયકલ મારી સરરર જાય ‘ની જેમ ‘વિહલ્સ ઓન ધ બસ ગો ' વગેરે બાળગીતો આખી સવાર ઘર ગુંજવે. 
      બાળ ગીતો એટલે લગભગ જોડકણાં.  એ સાંભળીને બાળકો બોલતાં શીખે, શબ્દો વચ્ચેના ભેદ પકડતાં શીખે અને વિચાર શક્તિ પણ ખીલે.  આપણે ત્યાંનું એક જોડકણું મારુ પ્રિય :

    ભાઈ મારો ડાહ્યો ને પાટલે બેસી નાહ્યો ; પાટલો ગયો ખસી …

     ને છેલ્લે આવે – ભાઈ પડ્યો? હું એક ક્ષણ થોભું , અને બાળકો શબ્દ પુરે “ ભાઈ પડ્યો હસી !” કોઈ તોફાની છોકરું ‘હસી’ શબ્દ પર સોફા પરથી જમ્પ કરે.  હું જેવું આવડે તેવું ગુજરાતીમાંથી ઈંગ્લીશ જોડકણું બનાવું ને અંગ્રેજીનું ગુજરાતીજોડકણું બનાવું.  અલબત્ત રેકર્ડના બાળગીતો ઈંગ્લિશમાં હતાં પણ અમારાં ઘરમાં આવતાં ( અને પછી ડે કેર સેન્ટરમાં આવતાં )બાળકોમાંથી ઘણાંને ગુજરાતી ભાષા સમજાતી હશે એવું મારુ માનવું છે. (એ વાત અને એના પ્રંસગો સમય આવ્યે કરીશું .)

      ડે કેર સેન્ટર શરૂ કર્યા બાદ આપણી ભાષામાંથી ઘણા બધાં બાળગીતો જ નહીં પણ બાળ રમતો અને બાળ વાર્તાઓને આ દેશની બાળ ઉછેર પદ્ધતિમાં વણી લઈને અહીંના બાલમંદિરના શિક્ષકોને શીખવાડવાની તક પણ મળી છે. ઓછાં રમકડાં અને ઓછી તૈયારીથી બાળકોને બીઝી રાખવાનું આપણાં દેશમાં કાંઈ નવાઈની વાત નહોતી.  એટલે મારાં બાળપણનાં દિવસો યાદ કરીને કે મારી કલ્પના શક્તિથી હું કાંઈ ઘડી રહી હતી;, કે તેનાં બીજ ત્યારે વવાઈ રહ્યાં હતાં.

     સુંદર સવાર ,ને પછી આવે લંચ ટાઈમ. હવે અમારાં બધાં માટે મોટા તપેલાઓમાં રંધાવાનું શરૂ થાય.  ને ત્યારે આ ટાબરિયાઓની પ્રિય પ્રવૃત્તિ પણ  શરૂ થાય. ' પ્લે-ડો' - એટલેકે રમવા માટેની લોટનો  પીંડો.  આ પ્લે-ડો એક એવી ચીજ છે કે, બાળકો કલાકો સુધી રસથી રમ્યા જ કરે.  અમારે ત્યાં આવતા એક બાળક 'સાન' ની મમ્મીએ મને પ્લે-ડો બનાવતાં શીખવાડેલું. બે ચાર પાઉન્ડનો મેંદો અને ફૂડ કલર વગેરે લાવીને એણે પ્લે-ડો બનાવી આપેલો . (એ જ સામગ્રીમાં મીઠાના પ્રમાણે જરા વધઘટ કરીને દિવાળી માટે દીવડા, ક્રિસમસ માટે ઓર્નામેન્ટ્સ વગેરે પણ બનાવી શકાય - જે ત્રીસ વર્ષેય એવાં ને એવાં રહે છે,)
       એ જ રીતે બીજી બે મમ્મીઓ પાસેથી હું અમુક રસોઈની વાનગીઓ પણ શીખી હતી. કોઈ એક શુક્રવારે સાંજે નક્કી કર્યા મુજબ જે તે વ્યક્તિ મિનેસ્ટ્રોન સૂપ ( કઠોળનો સૂપ) ચીલી કે સ્પગેટી બનાવ્યાં હતાં. એ જ રીતે પેલી આઈરિશ મમ્મી( જેનો આગળ ઉલ્લેખ કર્યો છે) તેની પાસેથી હું કોઈ સ્પેશિયલટી કેક બનાવતાં શીખેલી. મારા માટે તો આ વાનગીઓ શીખવા કરતાંયે મહત્વનું હતું - તેમની કામ કરવાની ઢબ જોવાનું, તેમની વાતો સાંભળવાનું.  હું આ દેશ અને તેનાં લોકોને ઓળખવા, સમજવા પ્રયત્ન કરતી હતી.
       બપોરે બધાં જ બાળકો સૂઈ જાય, પછી મને જરા શ્વાસ ખાવાનો સમય મળે. હા, મને ક્યારેય કામ કરવાનો કંટાળો નહોતો આવતો. કારણકે મને એમાં રસ પડતો હતો. અને આપણાં દેશમાં આપણે બધાં મહેનતથી તો ટેવાયેલાં જ હતાં ને? અમદાવાદની બસની પાછળ લખ્યું હોય :

કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.

     જો કે એટલા કઠોર શ્રમ પછી પણ કેટલાંને સારું પરિણામ મળ્યું છે? મને લાગે છે કે માતૃભૂમિ માટે આદર છતાં દેશની એ દંભી રાજનીતિથી અમે વાજ આવી ગયાં હતાં.. જાણે કે, કોશેટાની જેમ પડી રહેલાં. અમે આ દેશમાં આવીને હવે કાચલું તોડીને પતંગિયું બની રહ્યાં હતાં. સોમથી શુક્ર  આમ ઘર બાળકોથી ધમધમે, અને રવિવારે સવારે અમે ઘર આંગણના ચર્ચમાં જઈએ.  ક્યારેક ત્યાં કોઈ ચર્ચના લોકોની કૌટુંબિક પ્રવૃત્તિઓ પણ હોય: સ્પગેટી ડિનર/ લંચ, ફેમિલી નાઈટ, બિંગો કે બીજું એવું તેવું.  અમારાં સંતાનો સ્કાઉટ વગેરેમાં હતાં, તો તેની પ્રવૃત્તિઓ પણ ચર્ચમાં જ હોય.  અને ત્યારે રવિવાર સાંજના મંદિરનો પ્રોગ્રામ કેન્સલ રાખવો પડે. 

    એટલે કે અમારું ઘર અને અમારું જીવન સતત પ્રવૃત્તિઓથી ધમધમતાં જ હોય. અર્થાત, કલરવ કિલ્લોલને બદલે કલબલાટ ને કલશોર ઘોંઘાટ પણ થઈજાય. 

     ખાસ કરીને ચાલુ દિવસે બપોર પછી, અમારાં સંતાનો સ્કૂલેથી ઘેર આવે એટલે બધું ટાઈમટેબલ બદલાઈ જાય.  કોઈને ખાવું હોય, કોઈને રમવું હોય, કોઈને ઘેર જવાનો સમય થયો હોય તો નાનાં બાળકોને બીજી નેપનો સમય થયો હોય. અમુક દિવસે સ્કૂલના કોઈ બાળકો આફ્ટર સ્કુલ કેરમાં આવ્યાં હોય.  અને એકાદ બે દિવસ હોય તો હજુયે સમજાય, પણ રોજ આટલા શંભુ મેળામાં શું કરવું?

     હા, ટી વી સંકટની સાંકળ ખરી.  પણ એ વર્ષોમાંય મને અમુક કાર્ટૂન શો બાળકોને યોગ્ય લાગતાં નહીં. આજે તો જમાનો આખો બદલાઈ ગયો છે.  એ વખતનાં મારામારી કે હિંસાના શોને લાખ દરજ્જે સારાં કહેવડાવે તેવાં શો અને સિરિયલો આજે નાનાં બાળકો સ્માર્ટ ફોનમાં જુએ છે. 
આજ કાલ નિશાળોમાં ય હિંસા પ્રવેશી ગયાં છે.  તેનું કારણ પાયાના ઉછેરમાં છે તેમ મને લાગે છે.

     વાત્સલ્યનું ઝરણું પ્રત્યેક મા બાપમાં વહેતુ જ હોય છે. પણ સમય અને સંજોગો તેમને વિવશ બનાવે છે. જીવનમાં કૈંક મેળવવા કૈંક જતું કરવું પડે છે. જો કે ખુબ મંથન અને અનુભવ ઉપરથી લાગે છે કે એક પેરન્ટ અને એક બીજી કોઈ પ્રતિભા – દાદા દાદી કે ગોડ પેરેન્ટ – એમ બે પુખ્ત વયની વ્યક્તિઓ પ્રત્યેક બાળકના જીવનમાં હોય, તો ય બાળકને તંદુરસ્ત બાળપણ મળી શકે છે.

     ચર્ચમાં મેં આવી રીતે ઉછરતાં ઘણાં સિંગલ પેરન્ટ બાળકો અને કુટુંબોને નજીકથી જોયાં છે. ત્યારે એ વર્ષોમાં બપોરનાં બાળકો માટેના અમુક પ્રોગ્રામોથી હું ખળભળી જતી હતી. જો કે આપણી સંસ્કૃતિને નામે રામાયણ અને મહાભારતમાં આવતાં દેવ દાનવનાં યુદ્ધો અને અપ્સરાઓને જોઈને તપ ભંગ થતા તપસ્વીઓના દ્રશ્યો અને કથાવસ્તુ શું બાળ માનસને યોગ્ય છે ખરાં?

      જોકે હું એવી ચર્ચામાં નહોતી પડતી. બે સંસ્કૃતિ વચ્ચે ઝોલાં ખાતાં અમે, અમારાં અને અમારાં ઘેર આવતાં તમામ બાળકો માટે શ્રેય અને પ્રેય એવો કોઈ શ્રેષ્ઠ માર્ગ શોધી રહ્યાં હતાં. વાત્સલ્યની વેલી સુંદર રીતે પાંગરી રહી હતી.

    એક નમતી બપોરે મેં બારી બહાર નજર કરી.  અંધારું થઇ ગયું હતું ને ભંયકર પવન ફૂકાતો હતો સ્નો સ્ટોર્મ હોય તેમ લાગતું હતું. ઘરમાંથી હજુ એક પણ બાળક એમની ઘેર ગયું નહોતું. હું બાળકો સાથે એટલી બીઝી હતી કે મને જમવાનોયે ટાઈમ મળ્યો નહોતો. અરે! આ મારુ ઘર છે કે, સરકસનો  તંબુ ? મેં મુંઝાઇને મારી જાતને જ પૂછ્યું.

     સતત આટલાં બધાં બે ત્રણ ચાર વર્ષનાં બાળકો સાથે કાયમ દિવસોના દિવસો અને મહિનાઓ સુધી ‘ઇફ યુ હેપી એન્ડ યુ નો ઈટ, કલેપ યોર હેન્ડ’ એમ ગાઈ ગાઈને અને ‘ડક ડક ગુસ ‘એમ રમતો રમીને હું કોઈ અગમ્ય એકલતાની લાગણી અનુભવતી હતી. મારુ સમગ્ર વિશ્વ જાણેકે બાળકો જ બની ગયું હતું. બાળકોને ખવડાવો, પીવડાવો, સુવડાવો, રમાડો, શીખવાડો, ડાયપર બદલાવો અને ટોયલેટ ટ્રેનિંગ આપો.  આખો દિવસ નાનાં છોકરાંઓ સાથે જ વાતો કરવાની;  કોઈ પુખ્ત વયનું માણસ જ નહીં?

    કોશેટો છોડીને પતંગિયાને હવે ઊડવું હતું!

'બેઠક'  પર તેમના લેખ આ રહ્યા. 

-- --
-- --

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.