કહેવતકથા – ૮

  -   નિરંજન મહેતા

કાગનું બેસવું અને તાડનું પડવું

             

       એક તાડનું ઝાડ પડું પડું થઇ રહ્યું હતું અને તેના પર એક કાગડો આવીને બેઠો. થોડી જ ક્ષણોમાં તે ઝાડ પડી ગયું. જો કે આ બે બનાવને કોઈ સંબંધ ન હોવા છતાં જોનારાઓએ કહ્યું કે, આ કાગડો બેઠો અને ઝાડ પડી ગયું.

     આમ કોઈ બનાવ બને જેને અન્ય કોઈ સાથે સંબંધ ન હોય પણ અન્યોને લાગે કે એકને કારણે બીજું બન્યું છે; અને આમ તેને જોડી દે ત્યારે કહેવાય કે, 'કાગનું બેસવું અને તાડનું પડવું.'

     આ માટે એક ઉદાહરણ. મિત્રો ભેગા થઇ ભારતની ટીમ રમતી ક્રિકેટ મેચ જોતાં હોય અને તેમાં વચ્ચે એક જણ કોઈ કારણસર ઊભો થાય અને તે જ વખતે ભારતની વિકેટ પડે ત્યારે બાકી બધા પેલા પર તૂટી પડે કે, તું ઊભો થયો એટલે આ વિકેટ પડી. બિચારાને કોઈ લેવા દેવા ન હોય અને કુટાઈ જાય.

     તે જ રીતે કોઈ વ્યક્તિ અન્યને ત્યાં મળવા જાય અને તેના દાખલ થતાં જ તે ઘરની વીજળી ગુલ થાય ત્યારે ભલે તે જાહેરમાં તે વ્યક્ત કરે કે ન કરે પણ યજમાનના મનમાં થાય કે આવનારના કારણે જ વીજળી ગઈ. આમ કાગનું બેસવું અને તાડનું પડવું જેવો ઘાટ થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.