સ્વયંસિદ્ધા – ૧

    -    લતા હીરાણી

     

     દોસ્તો, આ કિરણ બેદીની કથા છે. ભારત દેશના સર્વપ્રથમ મહિલા આઈ.પી.એસ અધિકારી - કિરણ બેદી. તેઓ પોતાનાં અડગ નિશ્ચય અને દૃઢ સંકલ્પથી જાણીતા છે. કેવી રીતે એમણે પોતાની સત્તાનો લોકોની સેવા માટે ઉપયોગ કર્યો, એ માટે એમને કેવી કેવી તકલીફો સહેવી પડી એની વાત આ સળંગ વાર્તામાં છે. એમને કામ નહીં કરવા દેવા માટે કેવી કેવી યુક્તિઓ થઈ અને છતાંય  એમણે  અદભૂત કામો કરી બતાવ્યાં. 

   

     એમનાં સંકલ્પ, ધીરજ અને છલોછલ આત્મવિશ્વાસની આ કથા છે જે સળંગ વાંચશો તો તમારામાં એક નવી ચેતના અને પ્રેરણાનો સંચાર થશે એ નક્કી !

તમને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.  

    -    લતા હિરાણી

 સ્વયંસિદ્ધા  પ્રકરણ - ૧  હિંમત નહીં હારું !

      પંદર-સોળ વર્ષની થનગનતી એક કિશોરી પંજાબ ટેનિસ એસોસીએશનના મકાનમાં પ્રવેશી. એની ચાલમાં અજબની સ્ફૂર્તિ અને ચહેરા પર ગજબની ખુમારી છલકાતી હતી. એણે ટેનિસના ખેલાડીનો પોશાક   પહેર્યો હતો. ટેનિસની રમત રમીને એ સીધી જ અહીં પહોંચી હતી.

      એની આંખમાં રમતમાં જીત મેળવ્યાની ચમક ભરી હતી. એના ચહેરા પર પરસેવાનાં બુંદ મોતીની જેમ ચમકતા હતા. રમત રમ્યા પછી ઉતાવળી ચાલે એ અહીં આવી હતી.  હજી એના ચિત્તમાંથી રમતનો કેફ ગયો નહોતો. એનો હાથ ક્યારેક હવામાં અધ્ધર થઇ જતો હતો જાણે ટેનિસનો દડો રમવા માટે રેકેટ વીંઝતી ન હોય ! એના કાનમાં હજી રમતની જીતનો કલશોર ગુંજતો હતો. ટેનિસ એની પ્રિય રમત હતી. એ પૂરા ઉત્સાહ અને પૂરી એકાગ્રતાથી આ રમત રમતી હતી.

       એ સાહેબની ઓફિસ તરફ આગળ વધી. એક પટાવાળો પાન ચાવતો-ચાવતો એની પાસે આવ્યો. એણે આ કિશોરીને રોકીને જરા તોરમાં પૂછ્યું,

       “કોનું કામ છે ?”

        “મારે સાહેબને મળવું છે.”

        “કામ શું છે એ બોલો. સાહેબ એમ કોઈને મળતા નથી.” પટાવાળાએ પોતાની સત્તાનો પૂરેપૂરો ઉપયોગ કર્યો.

      “હું ટેનિસની ખેલાડી છું. મારે રેલ્વે રિઝર્વેશનનું ફોર્મ જોઈએ છે.”

      “ફોર્મ અત્યારે નહીં મળે. સાહેબ મિટીંગમાં રોકાયેલા છે.”

      કિશોરીએ પોતાની સ્થિતિ સમજાવતાં કહ્યું,

       “હું દૂરથી આવું છું. મારે આંતરયુનિવર્સિટી સ્પર્ધામાં ટેનિસ રમવા માટે બેંગ્લોર જવાનું છે. આજે ફોર્મ મેળવી    આવતી કાલે રીઝર્વેશન કરાવાનું છે. બેંગ્લોર પહોંચવા માટે મારી પાસે ખૂબ ઓછો સમય છે.”

      પટાવાળાએ ઉદ્ધતાઈથી જવાબ આપ્યો, “સાહેબ મીટિંગમાં છે, તમે કેમ સમજતા નથી? કાલે આવજો.”

     કિશોરીનું કોમળ મન આ નિંભરતાથી આઘાત પામ્યું પરંતુ હારવાનું એને પસંદ નહોતું. એની વય નાની હતી  પરંતુ હિંમત ઘણી મોટી હતી. એટલું એ શીખી હતી કે સાચી વાત કદી ન છોડવી અને અન્યાય કદી સાંખી ન લેવો.

     “મારાથી કાલ સુધી રાહ જોઈ શકાય તેમ નથી. મારે માત્ર એક ફોર્મ જ જોઈએ છે. હું અહીં બહાર બેસી સાહેબની રાહ જોઉં છું. મિટીંગ પૂરી થાય એટલે સાહેબને મારો સંદેશો આપજો.”

      થોડી વાર પહેલાં એના મનમાં ટેનિસની રમતનો જુસ્સો છલકાતો હતો, એને સ્થાને હવે આ અવળચંડાઈ સામે ગુસ્સો ભરાતો જતો હતો. મૂઢ પટાવાળો એની વાત સમજે એવું એને લાગ્યું નહીં. ધીરજ ધરીને એણે સાહેબની રાહ જોવાનું શરૂ કર્યું.

      બહાર લોબીમાં મુલાકાતીઓ માટે એક બાંકડો રાખવામાં આવ્યો હતો. એ ત્યાં બેસી ગઈ. ફોર્મ લીધા વગર પાછા ન ફરવું એવો એનો નિશ્ચય હતો.

      સરકારી તંત્રોની તુમારશાહી વિશે એ કશું જાણતી નહોતી. પ્રજાના કામને વિલંબમાં નાખવા માટે અધિકારીઓ કેવી કેવી યુક્તિઓ અજમાવતા હોય છે એની એને જાણ નહોતી.

     એને કોઈ પણ રીતે આંતરયુનિવર્સિટી સ્પર્ધામાં રમવા માટે બેંગ્લોર પહોંચવું હતું. એની કારકિર્દીની આ ઉત્તમ તક એ ગુમાવવા માગતી નહોતી. એ અમૃતસરમાં રહેતી હતી. અમૃતસરથી બેંગ્લોરનું અંતર ઘણું હતું આથી રીઝર્વેશન કરાવવું ખૂબ જરૂરી હતું.

     ઘડિયાળનો કાંટો એકધારી ગતિથી આગળ વધી રહ્યો હતો.સાહેબની રાહ જોતાં જોતાં એક કલાક વીતી ગયો. વચ્ચે બે વખત અંદરથી કોઈ બહાર આવ્યું ખરું. દરેક વખતે એણે આતુરતાથી નજર માંડી,પરંતુ અફસોસ...એમાંના કોઈએ તેને ‘શું કામ છે’ એવું પૂછવાની કે એની સામે જોવાની દરકાર સુદ્ધાં કરી નહીં. એમના માટે તો રોજ પોતાના કામ માટે ધક્કા ખાતા લાચાર લોકોમાંની એ એક હતી.

     દોઢ કલાક વીતી ગયો. એની ધીરજ ખૂટતી જતી હતી. રિઝર્વેશન માટેનું એક સામાન્ય ફોર્મ મેળવવામાં આટલો બધો સમય આપવો પડે ? આટલી રાહ જોવી પડે?! આ અધિકારીઓને પ્રજાની કોઈ પરવા જ નહીં ? એમની ફરજ લોકોને મદદરૂપ થવાની હોય, એને બદલે આવી ઉપેક્ષા અને આવી બેદરકારી?

      મનમાં ધૂંધવાતા ગુસ્સા પર માંડ સંયમ રાખીને એણે પૂછ્યું, “ભાઈ, સાહેબની મીટિંગ ક્યારે પૂરી થશે?”

      “કહ્યું ને તમને, વાર લાગશે. એમ ઉતાવળ કર્યે કંઈ ન વળે; આથી જ તો કહેતો હતો કે કાલે આવજો.”

     એણે મુઠ્ઠીઓ વાળી. એના દાંત ભીંસાઈ ગયા પણ એથી વિશેષ એ કશું જ કરી શકે તેમ નહોતી. પટાવાળો જાણે પથ્થરની શિલા થઇ દરવાજો રોકીને બેઠો હતો. અંદર જઈને આ છોકરીનો સંદેશો આપવા જવા પણ એ તૈયાર નહોતો.

      પટાવાળાને  હવે ઝોકા આવવા માંડ્યાં. એને થયું કે આ તકનો લાભ લઇ હિંમત કરીને કેબિનમાં ઘૂસી જાય. પણ આમ કરવામાં એને શિસ્તભંગ જેવું લાગ્યું. મન મારીને એ બેસી રહી.

      અંતે લગભગ બે કલાક પછી સાહેબ બહાર નીકળ્યા. એ એકદમ ઉભી થઈને એમના તરફ દોડી ગઈ.

    “શું કામ છે ?”

     “સર, મારે રેલ્વે રિઝર્વેશન ફોર્મ જોઈએ છે.” એના જીવમાં જીવ આવ્યો.

      કેટલાક પ્રશ્નો પુછાયા અને અંતે એને ફોર્મ મળ્યું, પરંતુ આ બનાવની એના મન પર ઘણી વિપરીત અસર થઇ. એને થયું કે શું આપણા દેશમાં કહેવા પૂરતી જ લોકશાહી છે? લોકોને જે વેઠવું પડે છે, એ જોતાં તો દેશમાં અમલદારશાહી ચાલે છે એવું જ કહેવાય.

      એને આગળ વધવાની ખૂબ તમન્ના હતી.અભ્યાસમાં સિદ્ધિ પ્રાપ્ત કરી તેજસ્વી કારકિર્દી ઘડવાનાં અરમાન હતાં. એણે ત્યાં બાંકડા પર બેઠા બેઠા એ જ સમયે સંકલ્પ કર્યો કે, એ જયારે લોકો માટે કંઇક કરી શકવાની સ્થિતિમાં આવશે, ત્યારે એ સૌને સાચા દિલથી સહાયરૂપ બનશે. એની પાસે સત્તા આવશે ત્યારે એ આમ કલાકો સુધી કોઈને પ્રતીક્ષા નહીં કરાવે.

       આ સંકલ્પ કરનારી કિશોરી તે કિરણ બેદી. નાની વયથી જ પોતાની આગવી પ્રતિભા અને અનેરું કૌવત એણે બતાવ્યાં. એ આપણા દેશના સર્વપ્રથમ મહિલા આઈ.પી.એસ અધિકારી બન્યા. સમગ્ર દેશમાં પોતાની કર્તવ્યનિષ્ઠાથી ઉંચો આદર્શ ઉભો કરનાર બન્યા.

માહિતી વિકિપિડિયા પર આ રહી.

5 thoughts on “સ્વયંસિદ્ધા – ૧”

  1. સૌ મિત્રો, પ્રજ્ઞાબહેન, જયશ્રીબેન, જતીનભાઈ અને સૌનો ખૂબ ખૂબ આભાર.

  2. કિરણ બેદી- જેણે નાની વયથી જ પોતાની આગવી પ્રતિભા અને અનેરું કૌવત બતાવી પ્રેરણાદાયી ઉદાહરણ પુરુ પાડ્યુ તેનુ સુ શ્રી લતાબેનની કલમે સ રસ ચરિત્ર ચિત્રણ…વીડીયો પણ મઝાના રાહ બીજા હપ્તાની

  3. લતાબહેનની અસ્ખલિત અને સટિક કલમ અહીં કિરણ બેદીના અંતરમનનો સચોટ રીતે ઉઘાડ કરે છે. આટલી સુંદર અને પ્રેરક કથાનો આવતા પ્રકરણની રાહ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *