સ્વયંસિદ્ધા – ૨

    -    લતા હીરાણી

     

      સ્વયંસિદ્ધા  પ્રકરણ - ૨ , ઘડતરની કથા 

       કિરણનાં માતાનું નામ પ્રેમલતા અને પિતાનું નામ પ્રકાશલાલ પેશાવરિયા. એમનું મૂળ વતન પેશાવર હોવાથી એમની અટક એમના ગામના નામ પરથી ‘પેશાવરિયા’ પડી ગઈ હતી. કિરણનું કુટુંબ એના દાદાના સમયથી પેશાવર છોડી અમૃતસરમાં સ્થાયી થયું હતું.

       પેશાવરિયા દંપતીને સંતાનમાં ચાર પુત્રીઓ હતી : શશી, કિરણ, રીટા અને અનુ. માતા-પિતાની ઈચ્છા હતી કે પોતાની પુત્રીઓને ઉત્તમ શિક્ષણ મળે અને એમના વ્યક્તિત્વનો પૂર્ણ વિકાસ થાય. એમનામાં ઉમદા ગુણો વિકસે એ માટે માતા-પિતા સતત પ્રયત્નશીલ રહેતાં હતાં.

      પ્રકાશલાલે પોતાની બંને મોટી પુત્રીઓ શશી અને કિરણને ‘સેક્રેડ હાર્ટ કોન્વેન્ટ સ્કૂલ’માં દાખલ કરી. અંગ્રેજી માધ્યમની ખાનગી  શાળા હોવાથી ફીનું ધોરણ ઘણું ઊંચું હતું, જયારે કુટુંબની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી. આમ છતાં કરકસરથી જીવીને સંતાનોને સારામાં સારું શિક્ષણ અપાવવા માટે પ્રકાશલાલ આતુર હતા.

       પિતાએ જયારે પુત્રીઓને કોન્વેન્ટમાં ભણાવવાનો નિર્ણય લીધો ત્યારે કિરણના દાદા ખૂબ રોષે ભરાયા હતા. કોન્વેન્ટ શાળા મિશનરીઓ એટલે કે ખ્રિસ્તી ધર્મગુરુઓ ચલાવતા હતાં. આ પરધર્મીઓની શાળામાં પોતાનાં સંતાનો ભણે એ તેમને સહેજે પસંદ નહોતું. કિરણના દાદા ધાર્મિક બાબતોમાં રૂઢિચુસ્ત હતા. વિધર્મીઓની નિશાળમાં ભણવાથી પોતાની પૌત્રીઓને યોગ્ય સંસ્કાર નહીં મળે, એવી એમને ડર હતો વળી તેઓ કંજૂસ પણ હતા. કોન્વેન્ટમાં ભણવાનો ખર્ચ વધુ આવતો હોવાથી આ બાબત તેમને મંજૂર નહોતી પરંતુ કિરણનાં માતા-પિતા પોતાની વાતમાં મક્કમ રહ્યાં. સાદગીથી રહીને પણ બાળકોને સારું શિક્ષણ આપવાનું પસંદ કર્યું.

      નાની ઉંમરની કિરણ માતા-પિતાની ભાવના સારી રીતે સમજતી હતી. પોતાના અભ્યાસનું મૂલ્ય બરાબર જાણતી હતી. શશી પણ એટલી જ સમજદાર હતી. પિતા આટલી મુશ્કેલી વેઠીને ભણાવે છે તો એમની મહેનત એળે જવી જોઈએ નહીં. એમણે ખર્ચેલા એક એક પૈસાનો સદુપયોગ થવો જોઈએ. આ બાબતમાં એ ખૂબ સજાગ રહેતી. પુસ્તકો, નોટ, પેન, પેન્સિલ વગેરેના ઉપયોગમાં બંને બહેનો કરકસર કરતી હતી.

      કિરણના શિક્ષકો એનાથી હંમેશા પ્રસન્ન રહેતાં. એમના હોઠ પર કદી કિરણ માટે ફરિયાદના બોલ ન હોય. હંમેશાં શાબાશીના જ શબ્દો હોય. માતા-પિતાના સંસ્કારોની બંને બહેનો પર ઊંડી અસર હતી.

     કિરણના ઘરથી શાળા પૂરા સોળ કિ.મી. દૂર હતી. આટલે દૂર સુધી જવા માટે વાહનનો ઉપયોગ કરવો પડતો. કિરણ અને શશી બસમાં શાળાએ જતાં. બસસ્ટેન્ડ એમના ઘરથી પાંચ કિ.મી. દૂર હતું. સવારમાં વહેલાં ઉઠી ઝડપથી નાસ્તો કરી બંને બહેનોને લગભગ દોડવું જ પડતું.

       બસનું ભાડું સાત પૈસા હતું. આવવા- જવવાના કુલ ચૌદ પૈસા થાય. કિરણ રોજ વિચારે કે આ પૈસા કેવી રીતે બચાવવા ? એ અંગે જાતજાતના તુક્કા લડાવ્યા કરે. ક્યારેક એને એમ થાય કે થોડાં વધારે વહેલાં ઊઠી જઈએ અને ચાલતાં જઈએ તો કેવું ?

       શશી તેના આવા તરંગોને હસી કાઢે. સોળ કિલોમીટર ચાલતાં જઈએ તો આવી જ બને ને? પછી ભણી ન શકાય. જો કે આવું વિચારવા પાછળની કિરણની ભાવના એ બરાબર સમજતી હતી.

      કિરણ અને શશીની ઘણી સહાધ્યાયિનીઓ ધનિક કુટુંબમાંથી આવતી હતી. તેઓ બસને બદલે પોતાની ઘોડાગાડીમાં શાળાએ આવતી-જતી. કિરણે શશીને કહ્યું, “ જે છોકરીઓ પોતાની ઘોડાગાડીમાં જાય છે એમાં કેટલી જગ્યા ખાલી હોય છે? આપણે એમની સાથે જઈએ તો આપણા પૈસા બચી જાય.”

      શશીને કિરણની વાત સાચી લાગી. એ બધી સાથે ભણતી વિદ્યાર્થિનીઓ હતી આથી સંકોચ રાખવાની જરૂર નહોતી. બંને બહેનો સવારે થોડી વહેલી ઉઠવા લાગી. બસસ્ટેન્ડ જવાના રસ્તા પર તો ક્યારેક બસસ્ટેન્ડ પર રાહ જોતાં એમને કોઈ ને કોઈ ઘોડાગાડી મળી જતી. આ વ્યવસ્થામાં કોઈને કશી તકલીફ પડતી નહીં. વિદ્યાર્થિનીઓને પણ કિરણ અને શશીની સોબત ખૂબ ગમતી. કિરણનો સ્વભાવ આનંદી હોવાથી હસતાં, રમતાં, વાતો કરતાં સમય પસાર થઇ જતો.

       સાંજે ઘેર પહોંચીને કિરણ માના હાથમાં બચેલા ચૌદ પૈસા મુકતી અને માની આંખો આનંદનાં આંસુઓથી છલકાઈ જતી. પુત્રીઓની આવી સમજદારી જોઈને પિતાને ગૌરવ થતું. એમના દિલમાં એક વિશ્વાસ પડઘાતો કે મારી દીકરીઓ જરૂર મારું નામ ઉજાળશે.

      કિરણની શાળામાં અનેક અભ્યાસેતર પ્રવૃત્તિઓ ચાલતી હતી. આવી પ્રવૃત્તિઓમાં કિરણ વધુ ને વધુ ભાગ લેવાનો પ્રયત્ન કરતી. નાટક હોય કે સંગીતનો કાર્યક્રમ, વકૃત્વ સ્પર્ધા હોય કે ચર્ચાસભા, રમતગમત હોય કે એન.સી.સી. બધે જ કિરણ એની શક્તિ અને આવડત બતાવતી રહેતી અને એ રીતે એનો વિકાસ થતો જતો હતો. એ કહેતી કે જો શાળામાં આ બધી પ્રવૃતિઓ માટે વધારાની ફી આપવાની ન હોય તો પછી એનો પૂરેપૂરો લાભ કેમ ન લેવો ? આમ કિરણની પ્રત્યેક પળ પ્રવૃત્તિમય બની રહેતી. નવું નવું શીખવાનો એનો ઉત્સાહ ગજબનો હતો.

    ઈતર વાંચનનો પણ એનો જબરો શોખ હતો. જેવી નવરાશ મળે કે એ તરત પુસ્તકાલયમાં પહોંચી જાય. નવાં-નવાં પુસ્તકો વાંચે. એ રીતે નવું નવું જાણવાની એની જિજ્ઞાસા સંતોષાતી રહેતી. એ મહાપુરૂષોનાં જીવનચરિત્રો વાંચતી અને એમાંથી પ્રેરણા પામતી. આમ કિરણનું ઘડતર થયા કરતું.

       કિરણની પ્રતિભા ખીલતી ગઈ. એનું વ્યક્તિત્વ વિકસતું ગયું. બહેનપણીઓ માટે કિરણ એક આશ્ચર્ય બની ગઈ હતી. મોટાભાગની વિદ્યાર્થિનીઓ  નવરાશના સમયમાં ગપ્પાં મારતી હોય, નાસ્તા-પાણી કે ધમાલ- મસ્તી કરતી હોય, જયારે કિરણ કદી એમાં જોડાતી નહીં. એ તો મધમાખીની જેમ પોતાના અભ્યાસમાં અને પ્રવૃત્તિઓમાં ગૂંથાયેલી રહેતી.

માહિતી વિકિપિડિયા પર આ રહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *